અપરાધી/૧૫. સરસ્વતી પાછી આવે છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૫. સરસ્વતી પાછી આવે છે

સવાર પડ્યું. બે રાત્રિઓની રજેરજ સ્મૃતિઓને શિવરાજ ઘરમાં શોધતો હતો. શૂન્યતા સળવળતી હતી. અજવાળી ક્યાં ઊભી હતી... પછી ક્યાં ક્યાં બેઠી હતી... કેવું મોઢું, કેટલી નીરવતા, શી દયામણી મુખમુદ્રા... હજુયે ઘરમાં આ શાની સોડમ આવે છે? એના જ દેહપ્રાણની આ ફોરમ પડી રહી છે? એ શું એના પ્રાણપુષ્પોનો અર્ક અહીં નિચોવી ગઈ છે? તંદ્રામાં જાણે કે ચૂલા પર તપેલી ચડી છે... ભાત અને દાળ રંધાય છે... બાપુજીને પહેલી પ્રથમ વાર પુત્રવધૂના હાથનું રાંધેલું ભોજન પીરસાય છે... જમતાં જમતાં બાપુજી આજે પહેલી જ વાર ઉપરાછાપરી માગી માગીને જમે છે... તંદ્રાની ડાળે સોણલાંની વાંદર-લીલા: ત્યાં તો નીચેથી કોઈએ હાક દીધી: “સાહેબ!” “કોણ?” “ડિપોટીસાહેબ યાદ કરે છે.” ‘અત્યારમાં!’ શિવરાજનું ચોર-હૈયું ચમકી ઊઠ્યું: ‘કાંઈક થયું? પકડાઈ ગયો?’ “કેમ અત્યારમાં?” “બેન આવ્યાં છે.” “કોણ બેન?” “સરસ્વતીબેન.” “ક્યારે?” “પરોઢિયાની ગાડીમાં.” “તે મારું શું કામ છે?” “કોણ જાણે, બેન ધ્રુસકે ધ્રુસકે રોયા કરે છે. બંધ પડતાં જ નથી.” શિવરાજના મનમાં અમંગલ અનુમાનોની ફોજ બંધાઈ ગઈ: સરસ્વતીએ જાણ્યું હશે? શી રીતે જાણ્યું હશે? અજવાળી મળી ગઈ હશે? સ્ત્રીઓના પરિત્રાણની ધૂની સરસ્વતીને અને રક્ષાયોગ્ય અજવાળીને અહીં કેમ્પમાં અગાઉ ભેટો થયો હશે? એ જૂની ઓળખાણનું શરણ અજવાળીએ સ્ટેશન પર લીધું હશે? કાળનાં સામટાં ચક્કર શિવરાજના શિર પર ભમવા લાગ્યાં. એ જેવોતેવો તૈયાર થયો ને ચાલ્યો. પરસાળમાં વૃદ્ધ ડેપ્યુટી વિહ્વળ પગલે આંટા મારતા હતા. એના વદન પર કાળાશ વળી ગઈ હતી. એ કાળાશે શિવરાજને વિશેષ ભયભીત કર્યો. પોતે કોઈક પ્રહારને માટે માથું તૈયાર કર્યું. પોતાનાં બારે વહાણ બૂડતાં લાગ્યાં. શિવરાજ નમન કરવાનું પણ વીસરી ગયો. “એને શું થઈ ગયું છે? નથી બોલતી, નથી હું પૂછું છું તેના જવાબો આપતી. રડ્યા કરે છે.” સાહેબના એ નરમ શબ્દોએ શિવરાજનો ધ્રાસકો સહેજ નીચો બેસાર્યો. “ઓચિંતી આવી છે,” સાહેબે ફોડ પાડ્યો: “તમારે ને એને કશો પત્રવ્યવહાર થયો છે?” શિવરાજે કહ્યું: “ના.” “જુઓ, તપાસો તો ખરા – શી પીડા પેદા થઈ છે?” મારે શું? શિવરાજનો એ પ્રથમ તિરસ્કાર-ભાવ: વળતી પળે પોતાને પોતાની પામરતાનું સ્મરણ થયું: હું તો પોતે જ અપરાધી છું. એને મારી સામે કાંઈ કહેવાનું હશે તો? તો હવે ક્યાં સુધી છુપાવ્યા કરીશ? સામે જઈને જ વધાવું. ઓરડાના ખૂણામાં સાદડી પર સરસ્વતી વ્યસ્ત દેહે લોચાતી પડી હતી. શિવરાજને ભાળી એણે દેહ સમાર્યો, પણ બીજી બાજુ જોઈ ગઈ. છતાં શિવરાજ જોઈ શક્યો કે આજે સરસ્વતી સિંહણ નહોતી, ગાય હતી. “શું છે?” એના જવાબમાં પહેલાં સરસ્વતીએ અંતરને મોકળું મૂક્યું. આંખો અણખૂટ ધારાઓ વહાવવા લાગી. પછી એણે સ્વસ્થ બનીને શિવરાજ સામે જોયું. ન મનાય તેવી નરમ, છતાં કોઈ વિલક્ષણ ઠપકાથી ભરેલી નજર એણે શિવરાજ પ્રત્યે નોંધી. “શા માટે મારી સામે એ રીતે જુઓ છો?” શિવરાજે પૂછ્યું. “તમે મને કેમ નહોતી ચેતાવી?” “કઈ બાબતમાં?” શિવરાજે તોપના મોંએ બંધાયા જેવી સ્થિતિ અનુભવી. “તમે નહોતા જાણતા?” “પણ શું?” “હું તમારાથી નાની હતી, અનુભવ વિનાની હતી, મને કશું જ ભાન નહોતું.” “ક્યારે?” “તમને મેં તરછોડ્યા જેવું કર્યું ત્યારે.” “એટલે?” “એટલે તમે મને મારી ધૂનમાંથી પાછી કેમ ન વાળી?” “પણ મારે તમને પાછાં વાળવા જેવું શું હતું? શું થયું છે?” “મને કશી શુદ્ધિ જ ન રહી.” શિવરાજને લાગ્યું કે આ બધા બબડાટમાં કોઈક ઊંડો ભેદ રહેલો છે. પણ સરસ્વતી પોતાની મેળે જ વિશેષ ફોડ પાડે તેની એણે રાહ જોઈ. “તમે દયા લાવીને સાંભળશો?” “સાંભળીશ, કહો.” “મને ક્ષમા આપશો?” “આપીશ.” શિવરાજે યંત્રવત્ જ બોલી નાખ્યું. પણ એને ખબર હતી કે પોતે જ જગતની ક્ષમા માટે તલસતો હતો. “બાપુજીને કે કોઈને કહેશો તો નહીં ને?” “નહીં કહું.” “હું અમદાવાદમાં સ્ત્રીઓનો ઉદ્ધાર કરતી હતી.” કહેતી કહેતી સરસ્વતી હસી; પછી એણે આંખો આડે સાડી દાબી દીધી. “હં, પછી?” “પછી કાલે એક સ્ત્રીએ પોતાનાં બે બાળકોને સાથે લઈ કાંકરિયા તળાવમાં જીવ આપ્યો. એનાં ત્રણેયનાં શબો મેં નજરોનજર જોયાં. એનો ઉદ્ધાર પણ મેં જ કર્યો છે.” એટલું કહેતાં તો સરસ્વતી ખૂબ રડી. “તમે શી રીતે?” “આ વાંચો.” સરસ્વતીએ પોતાના બ્લાઉઝની અંદરની ખીસીમાંથી એક ચોળાયેલ કાગળ કાઢી શિવરાજને આપ્યો. કાગળમાં થોડું ભણેલી ઓરતના હસ્તાક્ષરોમાં આટલું જ લખ્યું હતું: “ભણેલીગણેલી બેન, તારા મારગમાંથી અમે સૌ ખસી જઈએ છીએ. મારો ધણી તારે સુવાંગ રિયો. બેન, સુખી થાજે!” વાંચીને શિવરાજે સરસ્વતીની સામે જોયું. “એના પતિ કોણ?” “વિભૂતિ.” “વિભૂતિ? ક્રાંતિકાર વિભૂતિ?” “એ જ વિભૂતિ.” “અને તમે...” “એણે મને ને મેં એને બંડનાં વ્યાખ્યાનો આપતાં જોયાં, તેમાંથી અમે અન્યોન્ય ખેંચાયાં.” “એ પરણેલા છે તેની તમને ખબર નહોતી?” “એ મને મોડેથી ખબર પડી.” “પછી?” “પણ એણે પોતાની કજોડા-કહાણીથી મને પિગાળી નાખી. એણે મને પોતાની પ્રેરણાની દેવી બનાવી. એની સ્ત્રી એક-બે વાર મારી પાસે આવી મહેણાં દઈ ગઈ. પણ મને વિભૂતિએ કહ્યું કે, મારી સ્ત્રીનો અપરાધી જો કોઈ હોય તો તે હું છું. તમે કશો જ અપરાધ નથી કર્યો. એ મારા દેહને પરણેલી છે: તમે મારા પ્રાણની અધિષ્ઠાત્રી છો.” “તમે ભોળવાઈ ગયાં?” “હું ભોળવાઈ ગઈ હોત તો મને આજે આટલો ડંખ ન થાત. પણ મને આ સ્ત્રીના દુ:ખની સાન જ ન રહી. મેં એને તુચ્છકારી. પણ આજે હું એનાં ને બાળકોનાં શબો મારી સામે સૂતાં જોઉં છું ને હું ભાંગી પડી છું.” “વિભૂતિને છોડીને આવ્યાં?” “એણે મને ક્રાંતિનું અદ્ભુત સ્વરૂપ દેખાડ્યું.” “શું?” “કાલ ને કાલ મને મળ્યો, ને કહ્યું કે, હવે આપણે મોકળાં બન્યાં, ક્રાંતિની જ્વાળા ચેતવશું. ફરીથી એ-ની એ ભૂલ નહીં કરીએ.” “કઈ ભૂલ?” “પરણવાની. કાલ ને કાલ એણે આ બધું કહ્યું.” સરસ્વતી ફરીથી ભાંગી પડી. સરસ્વતીએ આંખો ઉઘાડી. પણ એ આંખો પર શિવરાજનો હાથ નહોતો ફરતો. એ તો એનું સ્વપ્ન હતું. શિવરાજ સારી પેઠે દૂર બેઠો હતો. શા માટે શિવરાજ એની એટલી પણ અનુકંપાને અવરોધતો બેઠો છે? “તમે મને ધિક્કારતા તો નથી ને?” એણે પૂછ્યું. “ના.” શિવરાજના એ નકારમાં કંટાળો હતો કે ક્ષમા હતી? “જે વાત હું બાપુજીને ન કહી શકી હોત તે તમને કહી શકી.” એણે આ વાક્ય શિવરાજની લાગણી માપવા માટે મૂક્યું. “બોજો એટલો હળવો થયો ને!” શિવરાજે કંઈક બોલવું જ જોઈએ એવા ભાવે કહ્યું. “પાપ બોજો કરે છે – કેમ કે એને છુપાવવામાં આવે છે.” શિવરાજને સરસ્વતીના એ શબ્દોએ ગભરાવ્યો. “હવે હું શું કરું?” “અજ્ઞાન સ્ત્રીઓની સેવા કરવી હોય તો અહીં ક્યાં ઓછી છે!” શિવરાજે કહેવા ખાતર જ કહ્યું. “હું અહીં રહું એ તમને ગમશે?” “શા માટે ન ગમે?” શિવરાજ શબ્દોનો જાણે સંચો બની ગયો. “તો હવે અહીં જ રહીશ.” બોલનાર હોઠે લાલી પકડી, આંખોએ ગોળાકાર ધર્યો. શિવરાજના જીવન ફરતા જાણે એ બંને ગોળાકારના કોઠા બંધાયા. “તમારી નજરમાં હું નિર્મળ બનવા મથીશ.” સરસ્વતીએ શરણાગતિ બતાવી. “કોઈ બીજાની નજરમાં શા માટે?” “જે નિષ્પાપ છે તેની નજરમાં.” “કોને ખબર છે?” “મને.” મને! – એને શી ખબર છે! એ શું કશુંક ગર્ભિત અણકથ્યું કથે છે? “અહીં રોજ આવતા રહેશો?” “કેમ નહીં આવું?” “મને આ કૂવામાંથી કાઢશોને?” “હું પોતે જ પૂરો તરનારો નથી.” “તો હું તમનેય ડુબાવીને તળિયે બેસીશ.” આ વાક્ય પરનું શિવરાજનું હસવું એકદમ અસ્વાભાવિક હતું. એ કોઈક નાટકનું પાત્ર ભજવવા લાગ્યો. એણે સરસ્વતીને સાંત્વન આપીને રજા લીધી. ઓફિસનો સમય થઈ રહ્યો હતો. તે દિવસે રાત્રિએ શિવરાજે ઘરમાં બેઠાં બેઠાં એક કાગળ લીધો. એના પર પેનસિલથી ડાબા હાથે અક્ષરો પાડવાનો પ્રયાસ કર્યો. લખ્યું કે, ‘મારી માને માલૂમ થાય કે હું તારી દીકરી અજવાળી આંઈ જ્યાં છું ત્યાં ખુશીમજામાં છું. માડી, તું ચિંતા કરીશ મા. મને ગોતીશ-કરીશ મા. હું મારી જાતે જ તને મળી જઈશ. તમારો જમાઈ આંઈ મને સાચવે છે’. અક્ષરો ડાબા હાથે કાઢવા છતાંય વળાંક સારો આવ્યો. લખેલું ફાડી નાખ્યું. ફરીથી, ફરીફરીથી એ-ની એ વાત જુદી જુદી ઢબે લખી. અભણ ખેડૂતના અક્ષરોનો પહેરવેશ પહેરાવવા એણે મથામણ કરી. શિવરાજ તરકટ કરતો હતો. બુદ્ધિ અને લાગણી બેઉ એ તરકટમાં કામે લાગી ગયાં હતાં. ચોથે કે પાંચમે દિવસે એ કાગળ એણે સ્ટેશન પર જઈ રેલવેના ડાકડબ્બાની પેટીમાં નાખ્યો. વળતા દિવસે અજવાળીની માએ સૂર્યાસ્તની વાટ જોઈ. વિરાટનું ચામાચીડિયું અંધારું જ્યારે આકાશમાં ઊંધે માથે લટકી પડ્યું ત્યારે તેણે આવીને ‘ન્યાધીશબાપા’ના આંગણામાં વાટ જોઈ. ‘બાપા’ ફરીને આવ્યા ત્યારે એ આધેડ બાઈનું મોં મીઠી આત્મવંચનાનો મલકાટ ધારણ કરીને ઊભું હતું. “બાપા!” એણે ઉભડક પગે બેસીને બે હાથ જોડ્યા: “તમારી વાત સાચી. માનો જીવ અભાગિયો ખરોને, તે આટલા દી વશવાશ કરતો નો’તો કે બાપાએ કહેલું સાચું હોવું જોઈએ. પણ આજ તો મારી અંજુડીનો મૂઈનો કાગળ આવ્યો છે. મૂઈને જમાઈ ભણેલો જડ્યો, હો બાપા! મેં ટપાલી આગળ વંચાવ્યો, પણ મને તો એણે શું વાંચ્યું તે ઈયાદે ન રિયું. તમે, બાપા, વાંચી દેખાડશો? બે વાર વાંચોને, માડી! હું મૂઈ ટપાલિયા આગળ ગઈ! ઈ રોયો ઠેકડી કરવા મંડ્યો. મેં તો કાગળ આંચકી જ લીધો. એને રોયાને હસવું આવે – એને કાંઈ દીકરી થોડીક છે? રોયો વાંઢો તે શું સમજે? ઓલ્યાને, અંજુડીના બાપને રોયો કહી દેશે તયેં તો મને પીટવાનો. ઠીક ભલેને પીટે. મારી અંજુડી મજા કરે છે. પછે માર થોડો ખમી લેવો એમાં શી મોટી મામલત છે! લ્યોને, બાપા, વળી કોઈ આવી જાશે.” શિવરાજની આંગળીઓએ એ કવર ઉપાડતાં મણ જેટલો બોજો અનુભવ્યો. કવર એક વાર તો એના હાથમાંથી પડી ગયું. પછી એણે નિષ્પ્રાણભાવે કાગળનું વાંચન કર્યું. “બીજી વાર વાંચશો, બાપા?” બાઈએ કાકલૂદી કરી: “મારે હૈયે થઈ જાશેને આખો કાગળ, પછેં તો હું રાત-દી મારી જાણે જ વાંચ્યા કરીશ.” શિવરાજે બીજી વાર વેઠ ઉતારી. એક એક અક્ષર વીંછી બનીને એને ડંખ દેવા લાગ્યો. “હાંઉં, ખમા તમને,” બાઈ ઊઠી: “અરેરે! મને હવે કોણ ભણતર ભણાવે? નીકર હું મારી જાણે જ ઉકેલી લઉંને! બૈરાંની જાતને કોણ શીખવે, બાપા?” “બાઈ, મોટા સાહેબની દીકરી છે, એ તમને શીખવે તેવાં છે.” “તો હું શીખું. મને ઇયાદ ન રે’? – રે’ હો, બાપા. નાનપણમાં મેં કાંઈ મોતીના વીંઝણા ને હીરનાં ભરત થોડાં નથી ભર્યાં! મારી અંજુડીનો કાગળ ઉકેલવાની મને ખૂબ હોંશ થાય છે.” “હું તમને સાહેબનાં દીકરી સાથે ઓળખાણ કરાવી દઉં?” “કરાવી દેશો? તો તો હું શીખી લઉં. ને હું તો સામેય કાગળ લખવા માંડું. પણ એને ક્યાં બીડું? એનું કાંઈ ઠેકાણું માંડ્યું છે આમાં? જુઓને, માડી!” “નથી.” “ફરી વાર જોશો? વખતે ક્યાંક હોય.” “નથી, બાઈ, નથી.” “થિયું. કાંઈ નહીં, બાપા! તમને સંતાપવા નથી મારે. મોટા માણસની અગવડ-સગવડ જોયા વગર હુંય મૂઈ લાગી જ રઈ છું. ગરજવાનને અક્કલ ન હોય, બાપા! ગરજે તો ગધેડાનેય—” “એટલું બોલ્યા પછી બાઈનેય ભાન આવ્યું કે પોતે એ પાછલી જૂની કહેવતનો જે પ્રયોગ આંહીં કરી રહી છે તે અનુચિત હતો. ફરી વાર ધરતી સુધી માથું લઈ જઈને એણે શિવરાજને નમન કર્યું. એ ચાલી ગઈ – શિવરાજને માટે આત્મતિરસ્કારના સર્પદંશો મૂકતી ગઈ.