અપરાધી/૧૮. બે પિતાઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૮. બે પિતાઓ

ડેપ્યુટીસાહેબના એ શબ્દોની મતલબ શિવરાજ અને સરસ્વતી બંનેને સમજાઈ ગઈ. દેવનારાયણસિંહને પોતાની પુત્રીનું કાંડું સોંપવા ઇચ્છનાર બુઢ્ઢો દીકરીનો બાપ શિવરાજને ચમકાવી શક્યો, સાથોસાથ શિવરાજની દયાનું પણ પાત્ર બન્યો. જુવાન થયેલી અને માવિહોણી, ભાંડુવિહોણી દીકરીનો બાપ ચાહે તેવો તાલેવાન અને સત્તાધીશ હોય તોપણ એ કંગાળ છે. બુઢાપો એની કંગાલિયતમાં ઉમેરો કરે છે. સરસ્વતી પોતાની આટલી બધી પામરતાને માટે તૈયાર નહોતી. થોડાક રોષની લૂ એના મોં પર ગરમ ચીલા મૂકતી ચાલી ગઈ. પોતાની ઊડઊડ થતી લટોને સામા પવનની દિશામાંથી ખેસવી લેવાને બહાને એણે મોં ફેરવી લીધું. એણે શિવરાજની સામે ઘણી વાર સુધી નજર પણ ન કરી. ત્રણમાંથી કોઈ કશું બોલ્યું નહીં. એ ચુપકીદીનો દરેકે જુદો જુદો અર્થ બેસાડ્યો: ડેપ્યુટીએ શિવરાજના મૌનમાંથી સંમતિ સાંભળી: સરસ્વતીને શિવરાજની શાંતિમાં ખુમારીનો ભાસ આવ્યો: શિવરાજને અબોલ સરસ્વતી શરણાગત જેવી લાગી. “ચાલો, હવે જઈએ.” સરસ્વતીએ બાપની બાજુએ જઈને બાપુનો હાથ પોતાના ખભા પર ટેકવાવી દીધો. શિવરાજ ડેપ્યુટીની બીજી બાજુએ ચાલવા લાગ્યો. સરસ્વતી હજી બીજી જ બાજુ જોઈ રહી હતી. સ્ત્રીને, ખાસ કરીને જુવાન કન્યાને, અભણ કે ભણેલીને, પોતે કોઈની શરણાગત છે એવું ભાન કટાર જેવું ભોંકાયા કરે છે. પરણાવવા જેવડી બનેલી દીકરીનો બાવરો બનેલો બુઢ્ઢો પિતા પેટના સંતાનની પ્રકૃતિનો પણ આ ગુપ્ત મર્મ હજુ પારખી નથી શક્યો. યુગો ગયા, દીકરીના બાપનું અજ્ઞાન નથી ગયું. “હમણાં તો સરસ્વતી ખેડૂતોની બાયડીઓને લખતાં-વાંચતાં શીખવે છે.” વૃદ્ધે પુત્રીના ગુણ ગાવાની તક લીધી. “ના રે ના, બાપુજી,” સરસ્વતીને આ ગુણગાનનો હેતુ અતિ પામર લાગ્યો: “એક જ બાઈ શીખવા આવે છે. મેં કાંઈ વર્ગ ખોલ્યો નથી.” “એકનો પણ વર્ગ જ કહેવાય!” ડેપ્યુટી પોતાની વાતને વળગી રહ્યા: “મારા ઇન્ટરના વર્ગમાં લોજિક-ફિલોસોફીનો હું એકલો જ વિદ્યાર્થી હતો. અરે, હું ગેરહાજર હોઉં ત્યારે પણ અમારા પ્રોફેસર વર્ગમાં હાજર રહેતા. શરૂઆત હમેશાં એકથી જ થાય છે ને, દીકરી, હા-હા-હા-!” ડેપ્યુટીએ પોતાની વાતની પોતે જ ઉડામણી કરવા માંડી, અને પોતાના કૉલેજ-કાળની બીજી પણ ઐતિહાસિક વાતોએ વળગી જઈ, સરસ્વતીને કે શિવરાજને બોલવાની વેળા જ ન આપી. બંગલો આવ્યો ત્યારે ત્યાં ગાડી ઊભી હતી. “લ્યો, ભાઈ,” ડેપ્યુટીસાહેબ બોલી ઊઠ્યા, “તમારા બાપુને યાદ કરતાં તો એ આવી પણ પહોંચ્યા ને શું! લે દીકરી, એ તો આજથી જ તારું કાંડું સંભાળી લેવા હાજર થયા – હા-હા-હા-!” “કેમ, સાહેબ!” ડોસાએ મહેમાન-ડોસાને જોરશોરથી સત્કાર-શબ્દો કહ્યા: “તમે પણ અંતર્યામી લાગો છો! પણ મારો કરાર નહોતો સાંભળ્યો કે?” “શી બાબત?” દેવનારાયણસિંહનું સદાય હસતું મોં હંમેશાં મોર પગલાં પાડે તેટલી ધીરજથી શબ્દો પાડતું. “મેં તો એવો કરાર કર્યો છે કે મને જમ તેડી જાય તે પછી જ તમારે સરસ્વતીને તેડી જવી. આજથી લઈ જશો તો કાંઈ તમને ખીચડીય કરીને જમાડે તેમ નથી આ છોકરી. એ રોટલી વણતી હોય ત્યારે જોવા જેવું છે, હાં કે! આખી ભૂગોળ શીખી જવાય. ભૂશિરો, સંયોગીભૂમિઓ, અખાતો અને ખાડીઓના આકારો નીકળી પડે છે એના વેલણમાંથી. પછી એ શું કરે – જાણો છો? વાટકો ચાંપીને ગોળાકાર કાપે છે. પણ આકાર ગોળ થવાથી કાંઈ તાવડીમાં ફૂલકું થોડું થાય છે! પછી ખિજાતી ખિજાતી લોટમાં વધુ પાણી ને પાછી પાણીમાં વધુ લોટ નાખતી જે રસોઈ કરે છે, તેને માટે આપના દાંત તૈયાર હોય એમ લાગે છે?” સરસ્વતી જવા કરતી હતી. “ઊભી રહે, ઊભી,” કહીને પિતાએ હાથ ઝાલી થોભાવી: “હજી તારી બધી વાતો કહી દેવી છે. પણ તારી કૂથલી અમારે તારી પીઠ પાછળ નથી કરવી – તારી હાજરીમાં જ કહી લઉં.” સરસ્વતીમાં અગાઉ કદી જે લજ્જા નહોતી તે જોઈને દેવનારાયણસિંહ દંગ થયા. સરસ્વતી માથાની લટો સરખી કરીને કમ્મર પર સાડી ઢાંકતી નીચે જોઈ ઊભી રહી. એના દિલ પર દેવનારાયણસિંહનું ગંભીર વૃદ્ધત્વ પોતાની નીલ છાયા પાડતું હતું. સરસ્વતી જાણે ગિરિશૃંગની સામે ઊભી હતી. એ પહાડની ટૂક પર સરસ્વતીની નેત્રવાદળીઓ રમવા લાગી. “હવે આ છોકરીમાં,” પિતા કહેવા લાગ્યા: “તમે શું જોઈ ગયા છો કે એને તેડવા આવ્યા છો? સાહેબ! ભણેલું એ ભૂલવા માંડી છે. નથી છાપાં વાંચતી, નથી સરોજિનીદેવીનાં ભાષણો વાંચતી, કે નથી આ કેમ્પની કન્યાશાળાના મેળાવડામાં પણ ભાષણ કરવા જતી. આ વખતે તો પાછી અથાણાં કેમ બનાવવાં તેની ધમાલ લઈ બેઠી છે. ઘરમાં જુઓ તો ઠેકાણે ઠેકાણે હળદરના ડાઘ, નાકને ફાડી નાખે તેવી મરચાંની ભૂકી બસ ઊડ્યાં જ કરે. રાઈ-મેથીને દળવા માટે ઘંટલાની શોધાશોધ થઈ રહી હતી, ને પાછી પોતે રાઈ ભરડવા બેઠી. દાણા આખા ને આખા નીકળી નાસવા લાગ્યા. પંદર વાર એ-નું એ ભરડ્યું તોય હજુ રાઈ ભરડાઈ નથી, હોં કે સાહેબ!” ડેપ્યુટીસાહેબ હસ્યા. દેવનારાયણસિંહને અચરજ થયું કે, સરસ્વતી આ પરિહાસ પ્રત્યે મંદ મંદ હસતી નિરુત્તર જ ખડી છે, પોતાનો બચાવ પણ નથી કરતી, પોતાનું ગૌરવ અનુભવતી લાગે છે. આટલું મોટું પરિવર્તન આ છકેલ છોકરીમાં જે કારણસર આવ્યું હતું તેની દેવનારાયણસિંહને મુદ્દલ ખબર નહોતી. “શિવરાજ ક્યાં ગયા?” વૃદ્ધે આજુબાજુ જોયું: “એમને તો આ બધું ખાસ સંભળાવવાનું હતું. જો તો, સરસ્વતી – છે કે ગયા?” “ગયા.” સરસ્વતીને ખબર હતી. “કેમ જવા દીધા? ગૃહિણીનું કામકાજ શીખતી ગૃહિણી-ધર્મ ભૂલી જ ગઈ કે?” ગૃહિણી-ધર્મ શબ્દના પ્રહારે સરસ્વતીના ગાલ પર લાલાશ આણી. “કહો કે – ગૃહસ્થીનો ધર્મ.” દેવનારાયણસિંહ સરસ્વતીની અકળામણને પામી ગયા. “અરે, ધર્મ! ફક્ત ધર્મ,” ડોસાએ સુધારો પૂરો કર્યો: “એ જ સાચો ધર્મ છે. પણ આવી છોકરીને તમે તેડી જઈને શું કરશો? હા, તમારા નિર્જન મકાનમાં કોઈ મોટું કુટુંબ આવી પડ્યું હોય તેવી ધમાલ કરી બતાવશે: કરશે કાંઈ નહીં – પણ ગજવશે ગામ આખું!” “હવે એને છોડો.” દેવનારાયણસિંહે સરસ્વતી પર મીઠા જુલમની હદ થતી જોઈ. “અત્યારથી જ એના વડીલ બની બેસવાનો આપને હક થઈ ગયો? બેઉ જણાંએ આંખો વાટે શી શી વાતો કહી લીધી? મારા ઘરમાં આવનારા જુવાનો, બુઢ્ઢાઓ, બધા જ, બસ, ચોરી કરવામાં પ્રવીણ લાગે છે. ચોરો, ભાઈ, બધું જ ચોરો! કૃપા કરીને એક આ દીકરીનું હૈયું હમણાં ચોરતા નહીં... હમણાં... હમણાં થોડો વખત.” પિતાના તૂટતા બોલોથી ચમકેલી સરસ્વતીએ પિતા સામે જોયું. વાણી અને કંઠ વચ્ચે ત્યાં એક નાની-શી લડાઈ મચી ગઈ હતી. “જા, બેટા!” દેવનારાયણસિંહે સરસ્વતીને સીધેસીધું આવું સંબોધન એના યૌવનપ્રવેશ પછી સૌ પહેલું જ કર્યું. બંને બુઢ્ઢાઓ એકલા પડ્યા ત્યારે ડેપ્યુટીએ દેવનારાયણસિંહને પૂછ્યું: “તમને તો ખબર હશે.” “શાની?” “મારી બદલીની – ને મારી જગ્યાએ થયેલી કામચલાઉ નિમણૂકની.” “જાણ્યું નથી. હું પોતે તો ઇંતેજાર છું જ નહીં.” “પણ ઘણા સિનિયરોના હકો ડૂબ્યા છે.” “આપણે ‘સિનિયરો’ કહેવાવા લાયક નથી, આપણે તો ટ્રામના ઘરડાખખ ઘોડા કહેવાઈએ. સિનિયરો એટલે ચડિયાતા – ને આજે તો નવા જુવાનો આપણા કરતાં વધુ ચડિયાતા છે. તેમને કાયદાનાં ચોગઠાંની બહાર નીકળીને ન્યાય તોળતાં આવડે છે.” “પોતાનો દીકરો જુવાન છે માટે કે?” ડેપ્યુટી હસ્યા. “મને તો કોઈ દિવસ લાગ્યું જ નથી કે એ મારો દીકરો છે.” “ત્યારે કોણ છે?” “પરોણો છે, એની માતાનું સોંપેલ દ્રવ્ય છે, થાપણ છે.” “ત્યારે તમને ખબર આપું? દસ સિનિયરોના હક ડુબાવનાર તમારો એ પરોણો જ છે.” દેવનારાયણસિંહ મૂંગા રહ્યા. થોડી વાર એની આંખો મીંચાયેલી રહી. ડેપ્યુટીએ પૂછ્યું: “કેમ વિચારમાં પડી ગયા?” “કસોટીમાં ટકશે?” “શિવરાજને માટે સવાલ જ નથી. ગયા મિલ-કેસમાં એણે જબરી છાપ પાડી નાખી છે. ને હવે હું એને એક વધુ નાજુક મુકદ્દમો ભળાવતો જાઉં છું – ધણીને મારી નાખનાર કુંભારણનો.” “એની કસોટી બહુ વહેલી શરૂ થઈ ગઈ. ન્યાયનો પંથ તરવારની ધાર છે.” દેવનારાયણસિંહને દિલે આ સમાચારે આનંદ ન જગાડ્યો. એક બાજુ કાયદો, બીજી બાજુ અંત:કરણ, ત્રીજી બાજુ લોકમત: વચ્ચે એક જુવાનને માર્ગ કાઢવાનો હતો. કાયદો એને જડ કરી મૂકશે, અંત:કરણ એનામાં વધુપડતી કુમાશ રમાડ્યા કરશે, લોકમત એનું એનાપણું – પોતાપણું – નહીં રહેવા આપે. મા વિનાના અને કઠોર પિતાના પુત્રની આ કસોટી અતિ વહેલી આવી. લગ્નજીવન જેણે નથી જોયું, જગતનાં સાતે પડોમાં જે નથી જઈ આવ્યો, એવા બાળકને એકલો કાયદો શી દોરવણી દેવાનો હતો? “સારા ન્યાયકર્તા બનતાં પૂર્વે પ્રત્યેકે સારા ગૃહસ્વામી બનવું રહે છે. એટલા પૂરતી સિનિયોરિટીની પ્રથા મને વાજબી લાગે છે.” દેવનારાયણસિંહે થોડા વિરામ બાદ કહ્યું. “માટે તો કહું છું કે, સરસ્વતીને તેડી જાઓ.” દેવનારાયણસિંહે ઉતાવળો નિર્ણય ન આપ્યો. એના ગંભીર હાસ્યે કહેવાનું કહી દીધું કે, હજુ વિચારી રહ્યો છું. એને નક્કી કરવું હતું કે સરસ્વતીનો આજે નિહાળેલ સંસ્કાર કાયમી છે કે કેવળ તમાશો છે? એ ગયા ત્યારે એને ખબર નહોતી કે સરસ્વતીએ પોતાના કરેલા અથાણાનો એક મોટો બાટલો ભરીને એની ગાડીમાં મુકાવી દીધો હતો.