અપરાધી/૨૪. સળવળાટ થાય છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૪. સળવળાટ થાય છે

આઠ દિવસની રજા પર ઊતરીને શિવરાજ સુજાનગઢમાં રોકાયો. માવિહોણાં બનેલાં બાળકો જેવા બેઉ બુઢ્ઢાઓ પાસેથી ખસવું ગમ્યું નહીં. આખો વખત એની આંખો ભીંજાતી અને ટપકતી રહી. શૂન્ય ઘર એને પિતાની મૂર્તિમાન હાજરી સરખું લાગ્યું: ચોપાસના પહોળા સીમાડાને ભરીને જ જાણે બાપુનો પ્રાણ બેઠો છે! આકાશના અનંત મૌનમાં પિતા એને વ્યાપક લાગ્યા. દેવનારાયણસિંહનું ને આકાશનું મળતાપણું એને કલ્પિત અથવા કવિતા માયલું ન લાગ્યું – એ જાણે કે સાવ સહજ અને રોજનું સત્ય હતું. વારંવાર મનના પ્રણિપાત કરતો એ એક જ વિચાર રટતો રહ્યો કે, ‘બાપુજી, તમારું જીવનભરનું શ્રાદ્ધ-સરાવણું આ એક જ રહેશે: સત્યને માર્ગેથી હું નહીં ચળું.’ રાજકોટથી કાગળ આવ્યો. કાગળ ડેપ્યુટીસાહેબનો ને સરસ્વતીનો હતો. સરસ્વતીએ લંબાણથી લખ્યું હતું: તમે ચલાવેલા બે કેસનો અહેવાલ મેં છાપાંમાં વાંચ્યો ત્યારે અંત:કરણ થનગની ઊઠ્યું હતું. છાપાંના અહેવાલોની કાપલીઓ આ સાથે બીડું છું. એમાં તો તમારી ઉદ્ધતાઈની અને એક રાવબહાદુરનું તમે અપમાન કર્યું વગેરે વગેરે વાતો લખી છે, પણ મેં એ અવળા શબ્દો સવળા કરીને વાંચ્યા. રાવબહાદુરની વિધવા પુત્રવધૂ તમારી સામે ઊભી હશે તે મૂર્તિ મારી આંખો સામે તરવરી રહી. મને તો એટલે સુધી લાગ્યું કે જાણે હું જ એ સ્ત્રી બનીને તમારી સામે ન્યાય યાચતી ઊભી હોઉંને! હું આટલી તદાકાર બની શકી એટલે તો મને મનમાં શું-નું-શું થઈ રહ્યું છે. પણ તે કેમ કરી સમજાવું! કાગળ લખું લખું કરતી હતી. અન્યાય પામેલી સ્ત્રીઓના ‘વીરા’ તરીકે તમને વધાવવાના કોડ હતા. પણ તમારો કાગળ આવ્યા પહેલાં હું શરૂઆત કરું તે તમને નહીં ગમે તો? – એમ વિચારીને વાટ જોતી હતી. એ અવસર આજ મળી ગયો. બાપુજીના મૃત્યુને હું તમારા પર કાગળ લખવાનો અવસર બનાવું છું તેથી તમે દુભાશો તો નહીં ને? પણ હું દિલમાં જે સાચોસાચ છે તે લખી નાખું છું. ધીરે ધીરે બાપુજીની સ્મૃતિ-રેખાઓ મારા અંતરમાં ઊપસતી આવે છે. તમે આજ એકલવાયા શું કરતા હશો? તમારા પડખે હું હોઉં તો કંટાળો આવે કે સાંત્વન મળે? તમને એકલા પડવું ગમતું હશે કે કોઈ બીજું પાસે હોય તેવું મન થતું હશે? – નથી સમજી શકતી. ને સમજી શકું તોપણ શું? ત્યાં આવીને થોડું રહેવાય છે? લિ. સરસ્વતી
હજુ કાગળ વાંચીને પૂરો કરે છે ત્યાં તાર મળ્યો: પિતાજીને સુજાનગઢનો ચાર્જ સંભાળવા હુકમ થયો છે. આવીએ છીએ – સરસ્વતી. સરસ્વતી શું આટલી અનાયાસે આવે છે! આ તાર બનાવટી તો નથીને? – પત્ર વાંચ્યા પછી મળેલો તાર શિવરાજને આટલે સુધી ક્ષુબ્ધ બનાવી રહ્યો. સરસ્વતી આવે છે... અજવાળી દૂર ને દૂર ઠેલાતી જાય છે. આઠ દિવસ ઉપર એ નાના સ્ટેશને ચલાવેલ મુકદ્દમાએ શિવરાજને અજવાળીનું સ્મરણ કરાવ્યું હતું. ખેડુની ગાડું હાંકતી છોકરી રેલવે-અકસ્માતમાં ભય પામી તાવમાં પડી મરી ગઈ, તેનું ‘કોમ્પેન્સેશન’ શિવરાજ નહોતો અપાવી શક્યો. અજવાળી એક ખેડુની છોકરી હતી. અજવાળીની એટલી જ યાદ જરીક ચમકીને વિરમી ગઈ હતી. પિતાના મૃત્યુએ મનમાં જગ્યા નહોતી રહેવા આપી. એમાં સરસ્વતીનો કાગળ મળ્યો. ઠસોઠસ ભરાઈ ગયેલા શિવરાજના હૃદયમાં સરસ્વતીની સાંભરણ તો હવા સમ બનીને પેસી ગઈ. ઝીણીમોટી બધી ચિરાડો ને છિદ્રો પૂરી દઈને એ હવાએ જાણે કોઈ વન-સંગીત જન્માવ્યું. એકલતાનાં પોલાણ ગાજી ઊઠ્યાં – વનનાં વાંસવૃક્ષોની પોલમાં પેસીને વાયુ બંસરી બજાવે છે તેવી રીતે. માલુજી તાવમાં શેકાતા હતા. તેમણે શિવરાજના એ હૃદય-સંગીતમાં વિક્ષેપ પહોંચાડ્યો. “ભાઈ!” એણે હાંફતાં હાંફતાં અને લથડિયાં ખાતાં ખાતાં શિવરાજને ઓરડે પહોંચીને સાદ કર્યો. શિવરાજ પાછળ ફર્યો. એના હાથમાં કલમ હતી – પોતે સરસ્વતીને કાગળ લખતો હતો. “આમ ઊઠીને અવાય?” શિવરાજે એના ડોલતા શરીરને ટેકો દઈ ખુરશી પર બેસાર્યું. “ન આવત – આવત તો નહીં, ભાઈ!” ડોસો મહાકષ્ટે બોલતો હતો, “પણ હવે... ભરોસો ઊઠી ગયો – આ કાયા માથેથી. કહેવા તો એટલું જ આવ્યો’તો – કે – ઓનું – પછી – શું – કર્યું?” પણ એ વાક્ય શિવરાજને સ્પષ્ટ સમજાય તે પૂર્વે તો માલુજી ડોસાને ઝોબો આવી ગયો. એની સારવારમાં જ બે કલાક ચાલ્યા ગયા. શિવરાજ પોતાના હૃદયમાં ચાલતા નવસંગીતમાં એટલો મગ્ન હતો કે માલુજી જે કહેવા આવેલો તેનું ઓસાણ એને આવ્યું જ નહીં.

મુંબઈના મહિલાશ્રમમાં તે જ વખતે અજવાળીના અંગેઅંગમાં એક નવીન પ્રકારનો સળવળાટ ચાલુ થયો હતો. ખાઈપીને પડી રહેનારી અજવાળીને એની સાથણ એક સાંજરે ઢંઢોળતી હતી: “ઊઠ, ઓ કાઠિયાવાડની ઊંઘણશી પાડી!” કોઠારની પાછલી બાજુએ જ્યાં કબૂતરોની ચરક વરસતી, ઉંદરો દોડાદોડ મચાવતા, ને કૂતરાં છાંયો શોધી બેસતાં, તેવે સ્થળે ચત્તીપાટ પડેલી અજવાળી આંખોના મણીકા મણીકા જેવા બોજદાર પોપચાં ઊંચકીને બહેનપણીને કહેવા લાગી: “મને આ શું થતું હશે?” એની આંખોમાં કોઈ કૌતુક દોડાદોડ કરતું હતું. પોતે જાણે પોતાના પર જ મુગ્ધ બનીને દેહ પર, ખાસ કરીને પેટ પર હાથ પસવારતી હતી. “શું છે? ક્યાં?” સાથણે પૂછ્યું. “આંહીં... આંહીં, જો, જો, જો તો ખરી! આ... આ હા-હા-” અજવાળીના એ વિસ્મયોદ્ગાર ન સમજી શકતી સાથણ તો અવાક ઊભી જ થઈ રહી. “આંહીં હાથ મૂક તો, બહેન! જો તો ખરી, કંઈક ફરક ફરક થાય છે.” એમ કહેતી અજવાળી પોતાના ઉઘાડા ઉદર પર હાથ મૂકતી હતી. સાથણ નીચે બેઠી. એણે અજવાળીના પેટ પર હાથ મૂક્યો. ચામડી નીચે કશોક સળવળાટ મચ્યો હતો; કશીક દોડધામ થતી હતી. સાથણ પણ અજાયબ બની – રમત જેવું લાગ્યું. થોડી વાર સુધી તો રમત ચાલુ રહી, પણ પછી સાથણ બોલી ઊઠી: “છોકરું હશે તો?” એ શબ્દો સાંભળવાની સાથે જ અજવાળીની ગમ્મત અટકી ગઈ. એનું મોં સફેદ હતું, વધુ સફેદ બન્યું. એ વેગથી ઊભી થઈ ગઈ. એણે કપડાં સંકોર્યાં. એની આંખોમાં દીવા ઓલવાતા હોય તેવો દેખાવ બન્યો. જાડી પાડી બનીને એ સૂતી રહેતી. સૌને લાગતું કે એના શરીરે મેદના થર ચડ્યા છે, કોણ જાણે કેમ પણ ઊબકા આવવાની હેળ્ય એને થયેલી જ નહીં. એના ચરબીભર્યા દેહમાં ચાલતા બીજા વિકારો કોઈની નજરે પડ્યા નહીં. છ મહિના એમ ને એમ વીતી ગયા હતા. સંસ્થાને તો પ્રથમથી જ પૈસા મળી ગયા હતા એટલે અજવાળીની ઊંડા ઊતરીને સાર લેવાનું કોઈને સૂઝ્યું નહીં. સંચાલકબાઈએ એ જડભરત છોકરીનો મશ્કરી કરવા સિવાય બીજો કશો ઉપયોગ જોયો નહોતો. ભરતકામ પણ હવે તો એણે છોડ્યું હતું. પણ તે દિવસે એના ઉદરમાં થયેલા સળવળાટની વાત આશ્રમમાં પાણીના રેલા પેઠે ચાલી. રેલો સંચાલકની પાસે પહોંચ્યો. જાસૂસો જાગ્રત બન્યા. અજવાળીના હૈયામાં, અંગેઅંગમાં ને રોમેરોમમાં બાળક ફરકતું હતું; અને આશ્રમની સ્ત્રીઓના, રસોઇયણના, નોકરોના, સૌ કોઈના હોઠ પર હાસ્ય ફરકતું હતું. એ હાસ્ય આગલા દિવસની સાંજ સુધીના મલકાટ કરતાં જુદેરી જ જાતનું હતું. છૂપા ખિખિયાટા હતા. સોનેરી, પણ ખંજરો હતાં. અજવાળીના દેહનું પ્રત્યેક અણુ કોઈ પરમ સાર્થકતાની પુલક અનુભવતું હતું, ત્યારે જગતના હાસ્યમાં આ કરડાઈ ક્યાંથી ઝરતી હતી? શરીરમાં સર્જનનો થનગનાટ હતો; સમાજમાં એ સર્જન શું કોઈ ગુપ્ત દારૂગોળેભરી સુરંગ સમું ગણાતું હતું? પોતાની પ્રત્યેક સહિયર કેમ આ ફરકાટ પર હાથ મૂકવા આવતી નથી? હવે કોઈ કરતાં કોઈ પાસે પણ કેમ ઢૂંકતું નથી? ને છતાં આ ચોગાનમાં ઊગેલા આસોપાલવ પોતાનાં પત્તાંનો મર્મર-ધ્વનિ કાઢીને પોતાના જેવા જ ફરકાટ શું નથી બતાવતા? રસોડાના એઠવાડની મોરી પર બેઠેલાં કબૂતરો કેવાં અંગ ફરકાવે છે: ચંપાનાં ફૂલની ગાદલી પર ચડીને નાનું જાંબુડિયા રંગનું પતંગિયું પોતાની પાંખોના પંખા ધ્રુજાવે છે તેમાં ને પોતાના પેડુની બેઉ બાજુમાં હમણાં જ જાણે પાંખો ઊઘડશે એવા સળવળાટમાં શું કોઈ અદ્ભુત સામ્ય નથી લાગતું? અજવાળીનો પ્રાણ જે વેળા આવું સર્જકત્વ – આવું કવિત્વ અનુભવી રહ્યો હતો, તે જ વેળા આશ્રમની ઉપરી દક્ષિણી સ્ત્રી ઑફિસના ટેબલ પર બાવરી આંખે પોતાનાં જાસૂસોની કથા સાંભળતી હતી. આંહીં તો કોણ આ કૃત્યનો જવાબદાર હોઈ શકે! આંહીં તો કોઈ પુરુષ નથી. બાજુના મકાનમાં જ અમે રહીએ છીએ. મારી સાથે મારો વિધુર ભાઈ રહે છે. ભાઈની શાખ શંકાશીલ હતી. અગાઉ ખુદ આશ્રમની અંદરના જ મકાનમાં ભાઈને લઈને પોતે રહેતી તે વખતે બનેલી એક ઘટનાએ એને આશ્રમ બહાર રહેવાની ફરજ પાડી હતી. એવો જ ભય આજે બીજી વાર ઊભો થઈ રહ્યો છે. અધિષ્ઠાત્રીએ ઇલાજો વિચાર્યા. એણે ટેલિફોન લીધો, નંબર જોડ્યો: “શેઠ જુગલકિશોર મેડતિયા છે?... આજે અત્યારે આંહીં આવી શકશો?... ઉતાવળે આવો.” જવાબ જડ્યો કે, “દાદર ઊતરું જ છું.” અજવાળીને અધિષ્ઠાત્રીએ એકાંતે લીધી, પૂછપરછ કરી: “આ કોનું કૃત્ય છે?” “મને ખબર નથી.” અજવાળીના અંતરમાં એ ક્ષણે અપરાધીપણાનો ભાવ હતો, તેથી વિશેષ સર્જનના આનંદનો હિલ્લોળ હતો. “લઈને આવી હતી?” “શું લઈને?” “શું લઈને? અજાણી થાવા જાય છે? નાની પોરી છે?” “શું લઈને?” અજવાળીએ ફરીથી પૂછ્યું. “લઈને તારું પાપ.” “પાપ!” અજવાળીએ સામો સવાલ કરવા નહોતું ઉચ્ચાર્યું; ઉચ્ચાર તો એનાથી થઈ ગયો, આપોઆપ નીકળી ગયો. “ત્યારે શું મહાન પુણ્ય? બોલી નાખ, ક્યાંથી લઈ આવી?” “મને ખબર નથી.” “એક આબરૂદાર માણસ તને અહીં મૂકી ગયેલ છે એ જાણે છે? એના મોં પર કેટલી ખાનદાની હતી? એનેયે શું તેં છેતરેલ? એની આજે શી બેઆબરૂ થવાની છે – ખ્યાલ કરે છે?” અજવાળીને આ શબ્દોએ ટાઢીબોળ બનાવી. એક રીતે એ તદ્દન બેવકૂફ હતી. ભોળી ભલી મા અને ઘાતકી અપર-પિતા વચ્ચેના કંકાસોએ એને હમેશાં સંગ્રામો કરવામાં જ રોકી રાખી હતી. ગામની છોકરીઓ કે પરણેલીઓના પરિચયમાં જીવનનાં રહસ્યો મેળવવાનો સમય એને ક્યારે હતો? નાનપણથી જ એને તો માના નવા ધણીના સ્વભાવના અગ્નિકુંડમાં જ જીવવાનું સરજાયું હતું. એટલે જ એને કાને જ્યારે એની આંહીં સોંપણ કરનાર એક ખાનદાન મોંવાળા માનવીનો ઉલ્લેખ પડ્યો, ત્યારે એ ગંભીર બની. સાચે જ શું પોતે એ સજ્જન આબરૂદાર પુરુષની આબરૂ બગાડવા બેઠી હતી? મનથી જેને પોતે સાવ તજ્યો હતો, છેલ્લો આંહીં આવ્યો ત્યારે જેને પોતે કંટાળાનાં બીડેલાં દ્વાર પાછળ લપાઈ જઈને ધકેલી દીધો હતો, તે માનવીનું હવે શું થશે? અજવાળી બેવકૂફ હતી. યાદ કરવામાં એને થોડી મુસીબત નડી; જડતાની દીવાલો ભેદી ભેદી એણે સાત મહિના પૂર્વેની એક મધરાત માંડ માંડ યાદ કરી. એ મધરાતે જ મુકાયેલું બીજ શું આજે ફૂલરોપ બનવા, પાંદડાં પસારીને જગતનાં હવા-ઉજાસ વચ્ચે રાસ લેવા સળવળી રહ્યું હતું? પણ હવે શું થાય? એનો તો મેં તુચ્છકાર કર્યો હતો. હવે એ કેમ માનશે કે આ બીજ એનું રોપેલું છે? જડ બુદ્ધિ આ વિચાર-ઝાડીનાં ઝાંખરાં વચ્ચે વધુ પગલાં ન ભરી શકી. દરમિયાન તો શેઠ જુગલકિશોર મેડતિયા આવી પહોંચ્યા. અજવાળીને બીજા ખંડમાં છોડીને અધિષ્ઠાત્રી ઑફિસમાં ગઈ. થોડી વારે પાછી આવી. અજવાળીને પંપાળીને કહ્યું: “કશી ચિંતા ન કર. તારે માટે રસ્તો કાઢ્યો છે. તારો વાળ પણ વાંકો ન કરે, તને સુખમાં રાખે તેવા સાથીદારને મેં તેડાવેલ છે.” એમ કરતી કરતી એ અજવાળીને ઑફિસમાં લઈ ગઈ. અજવાળીએ પોતાની નજર સામે મારવાડીને દીઠો. થોડી વારની ચુપકીદી પછી જુગલકિશોરનાં જડબાં ફાટ્યાં: “ખુશીથી.” “બોલ અજવાળી, છે તૈયાર?” અધિષ્ઠાત્રીએ પૂછ્યું. અજવાળીની ચુપકીદીની પળોને ભેદીને જુગલકિશોર શેઠે કહ્યું: “હું માહિતગાર છું. કોઈપણ જાતની તકલીફ વગર તમામ મુશ્કેલી પતાવી દેશું.” “એ વાતની તો હું પોતે જ મારા દાક્તરમિત્રોથી સગવડ કરાવી દઈશ.” અધિષ્ઠાત્રીએ વધુ હિંમત આપી. અજવાળી ચમકી. માતાની મૂઢતા પણ અમુક વાતની સાન અકળ ઝડપથી પકડી શકે છે. અજવાળી બોલી ઊઠી: “મને કાંઈ કહેશો નહીં, મારે નથી કરવું.” ઊઠીને એ ચાલી ગઈ. બહાર જઈને એ આંખોનાં ઝળઝળિયાં લૂછતી હતી. અધિષ્ઠાત્રી બહાર આવ્યાં; અજવાળીને કહ્યું: “તો તારી શી મરજી છે? આંહીં નહીં રહી શકાય.” “મને જવા દો.” “ક્યાં?” “મારી મા પાસે.” “તો જા, આંહીં નહીં.” જમા હતા તે રૂપિયામાંથી ટિકિટ કઢાવી દઈને કાઠિયાવાડની ગાડીમાં ચડાવી દેવા માટે અધિષ્ઠાત્રીએ એક માણસને સ્ટેશને મોકલ્યો. અભણ અજવાળી પોતાની ટિકિટને બચકીમાં એક સાડીને છેડે બાંધીને બે જોડ કપડાંભેર જ ગાડીમાં બેઠી. રાત વિતાવીને વળતા દિવસ સવારે એ વીરમગામ આવી, ત્યારે ટિકિટ-ચેકરે એની ટિકિટ જોઈ પૂછ્યું: “બાઈ, તારે ક્યાં જવું છે?” “કાંપમાં.” “ટિકિટ આંહીં સુધીની જ છે. ઊતર, ફાટક બહાર ચાલી જા.” “પણ મેં તો કાંપની ટિકિટ કઢાવી હતી.” “તકદીર તારાં!” તકદીરની પોટલી માથે લેવરાવીને ટિકિટ-ચેકરે એને ફાટક બહાર કાઢી ત્યારે જ એને સમજ પડી કે આશ્રમના દરવાનની કાંઈક ભૂલ થઈ હશે. એ દસ-બાર આના જમી ગયો હશે એવી કલ્પના કરવાની તાકાત અજવાળીની અક્કલમાં નહોતી. “ચાલ બાઈ, જલદી કર.” ટિકિટ-ચેકર ઉતાવળો થતો હતો તેમ તેમ અજવાળી આગગાડીના ડબાની બારીને વધુ જોરથી પકડતી હતી. ડંકા બજતા હતા, બારણાં ધડાધડ બિડાતાં હતાં, એન્જિન જોડાઈ ગયું હતું. પારસલોની ધક્કાગાડીઓ દોડાદોડ કરી પ્લૅટફૉર્મના પથ્થરોને ચગદતી હતી. “સાંભળતી નથી? બહેરી છો, બાઈ? પૈસા લાવ, નહીંતર ઊતરી જા.” “મારી કને પૈસા નથી. હું તમને કાંપમાં જઈને મારી મા પાસેથી લાવી આપીશ. મને બેસવા દ્યો. હું ક્યાં જઈશ?” ટિકિટ-ચેકર બાકીના ઉતારુઓ પ્રત્યે એક ફિલસૂફની અદાથી હાસ્ય કરી રહ્યો, ને ઉતારુઓ પણ અજવાળીની મૂર્ખતા પર અથવા દોંગાઈ પર એકબીજાના આંખમિચકારાથી મૂંગી આલોચના કરવા માંડ્યા. “આ રેલવેને તે શું તેં તારા ગામના વેપારીની હાટડી જાણી? આંહીં ઉધારખાતાં રહેતાં હશે એમ માન્યું? ઊતર ઝટ નીચે, ને નહીંતર કાઢ પૈસા.” – એમ કહીને ટિકિટ-ચેકર એક પગ પાટિયા ઉપર મૂકીને ઊભો રહ્યો. રસીદની મેમો-બુક કાઢીને પાટિયા પર મૂકી. પેનસિલ ગજવામાંથી કાઢીને કાન પર ચડાવી. ટોપી ઉતારીને નિરાંતે પસીનો લૂછવા લાગ્યો. “પૈસા નથી મારી આગળ.” “પ્રથમ તો બધાં જ પેસેન્જરો એમ જ કહે છે, બાઈ! પછી ધીમે ધીમે એની પાસેથી પૈસા નીકળી પડે છે, કેમ, કાકા! ખરું કહું છું ને?” ટિકિટ-ચેકરે એક પેસેન્જરને કહ્યું. “આપ સાહેબે, હેં – હેં – ખરેખરું કહી નાખ્યું. રોજનો અનુભવ છે ના, સાહેબ!” પેસેન્જર વણિક હતો. “ખોટું શા માટે બોલવું? કાંઈ સ્વાર્થ?” ટિકિટ-ચેકરે પોતાના જીવન-મંત્રોની ઝડી છોડી. “જેની રોટલી ખાઈએ છીએ તેનું અનાજ હક કરવું, ઈશ્વરને માથે રાખવો, ચોરી-લબાડી કરવી નહીં. હરામનાં નાણાં ગૌમેટ! પૈસા તે શી ચીજ છે, કાકા? પગનો મેલ છે મેલ! પૈસાને લાત મારું છું. ચોખ્ખેચોખ્ખું કહી દેનારો છું. કોઈની ખુશામત આ જીભ કરી શકતી નથી, એથી કરીને તો દસ વરસથી પ્રમોશન વિના પડ્યો છું ને! દિવસ ને રાત ગાડીમાં ભમું છું. પુરુષોના ને ઓરતોના ડબા ચેક કરું છું. અસૂર હોય, સવાર હોય, મોડી રાત હોય, ઘણી વાર ઓરતના ડબામાં એકાદ-બે જ પેસેન્જર હોય, પણ આપણે તો કાકા, મોટી એટલી મા, ને નાની એટલી બહેનો. લપનછપન નહીં. છપ્પન લાખ જાય ને આવે. કોના બાપની ગુજરાત? ખાતો ખાય ને ભરતો ભરે.” “હા બાપા, હા! નેકી તો બડી વાત છે, સાહેબ!... ખરું કહે છે માસ્તરસાહેબ.... કાજળની કોટડી વચ્ચે રહીને પણ કેવી નીતિ પાળી રહ્યા છે! પાળે તેનો ધરમ છે, ભાઈ! ...લાયક માણસ.” એવાં એવાં બિરુદો ટિકિટ-ચેકરને અપાતાં હતાં ત્યારે પાંચ મિનિટના ડંકા પડ્યા. અજવાળી આ જુવાનની વાતમાં એકરસ બનીને પોતાની ટિકિટ વિશેનો મામલો છેક વીસરી જ ગઈ હતી. રેલવેમાં કેવા ધર્માત્માઓને ટિકિટ-ચેકરો રાખવામાં આવતા હશે તેનો એ અસ્પષ્ટ વિચાર ચલાવતી હતી. આવા ભાવભર્યા દિલવાળો આ અધિકારી પોતાને કાંપ સુધી લઈ જશે તે વિશે હવે એને શંકા જ નહોતી રહી. તે જ ઘડીએ ટિકિટ-ચેકરે ટોપી માથે નાખી, ચોપડી ઉઘાડી, ખિજાઈને કહ્યું: “સાંભળી શું રહી છો, જંગલી! કાઢ પૈસા, ગાડી ઊપડે છે.” “ભાઈ, આ મારાં કડલાં રાખીને...” “પછી હું ચોર-બજારમાં વેચવા જાઉં, એમ ને? ઊતર હેઠી!” એટલું કહીને અજવાળીને બાવડે ઝાલી એણે પ્લૅટફૉર્મ પર ઉતારી. ગાડી અજવાળીને છોડીને આગળ વધી. ઉતારુઓએ માંહોમાંહે વાતો માંડી: “સાધુ-સંત ને બાવા-ફકીર હોય તો કાંઈ કોઈ ના પાડે છે? પણ આ તો મારાં સાળાં માંઈથી માલદાર હોય તે લોકો જ રેલવેને છેતરવા નીકળ્યાં છે!” “આ ખેડુલોકો ને મજૂરલોકો ભારી ‘પેક’ હોય છે. ચીથરાં પહેરીને નીકળશે, પણ એના ચોરણાના નેફામાં તપાસી તો જુઓ! છેક નેફામાં રૂપિયા ચડાવ્યા હોય છે. આ બાઈમાણસો પણ કમ્મરે રૂપિયા ચડાવે. એને કોણ તપાસી શકે? જેટલાં ગરીબ તેટલાં ગોલાં, હો ભૈ!” સ્ટેશનના પ્લૅટફૉર્મની બહાર નીકળેલી અજવાળી થોડી વાર તો સૂનકાર હૃદયે ઊભી થઈ રહી. એકાદ માઈલના વિસ્તારમાં પથારો કરીને પડેલી આગગાડીઓએ એને આંધળી બનાવી મૂકી. “અરે, મારી બાઈ!” એક મજૂરણ સ્ત્રીએ એને કહ્યું, “તું કે’છે કે, હું ખેડૂતની છોકરી છું; ત્યારે પછી રોવા શીદ બેઠી છો? ગાડી તો ચકરાવો ખાઈને જાય છે એટલે પચીસ ગાઉનો પંથ છે. પણ સીધા ગાડામાર્ગે કાંપ આ રહ્યું, પંદર જ ગાઉ માથે. દીવા ટાણે ઘરભેગી થઈ જઈશ – માંડને હાલવા! ઓ જાય ગાડા-મારગ.” “રસ્તે કાંઈ ભો નહીં હોયને?” અજવાળીએ પૂછ્યું. “અત્યારે ભો કેવો? આ તો શ્રાવણ મહિનો છે. સીમમાં તો આજ મનખ્યો ઊમટ્યો હશે. માંડને હાલવા! ખેડૂતની છોકરી થઈને હારી શું જાછ?” અજવાળીને આ શબ્દોથી શાતા વળી; શૂરાતન પણ ચડ્યું. સાત મહિનાનો મુંબઈનો વાસ વટાવી જઈને એનો દેહ ખડતલ ખેડુ-જીવનના ગરમ લોહીનો સંચાર અનુભવવા લાગ્યો. સાત મહિનાથી જાણે પગ અકડાઈ ગયા હતા. આખી રાત જેમ પોતે શરીર સંકોડીને ગાડીમાં બેઠી હતી તેમ જ જાણે કે છેલ્લા છ મહિનાનું જીવન જકડાઈને મુંબઈના એક મકાનમાં કેદ પુરાયું હતું. પગરસ્તે ચાલવા માંડી. શ્રાવણના ધૂપછાંયા એની વાટમાં અને પાસેની ટેકરીઓ પર, જાણે કે સાતતાળી દા રમતા એકબીજાની પછવાડે દોડતા હતા. ખેતરોના ઝૂલતા લીલા મોલ પર નાસભાગ કરતા સોનેરી તડકા ને વાદળિયા છાંયા રંગોની રમતો રમતા હતા. રંગોના ગોફ ગૂંથાતા હતા ને પાછા ઉખેળાતા હતા. એ ક્ષિતિજ સુધીના મેદાન પર ઘૂમાઘૂમ કરી રહેલાં કુદરતનાં સત્ત્વોની પાછળ દોટ કાઢવાનું અજવાળીને પણ દિલ થતું હતું. એણે અનાયાસે અંતરપ્રેરિત દોટ કાઢી પણ ખરી. પરંતુ એના ડેબામાં ને પેડુમાં દુખાવો થવા લાગ્યો. એકાદ ગાઉ ચાલ્યા પછી એને વધુ કષ્ટ કળાવા લાગ્યું. પ્રથમ તો એ ભય પામી. આ પેટમાં જીવ છે તેનું શું થશે? એનો સળવળાટ કેમ બંધ પડતો જણાય છે? એને નુકસાન થશે તો? તો શું ખોટું છે? મૂએલું બાળક આવશે તો મારો છુટકારો થઈ જશે. જીવતા જીવને લઈ હું કયા જગતમાં રહી શકીશ? મા શું કહેશે? બાપ શાનો ચૂપ રહેશે? મા પોતે જ જીવતા જીવને ટૂંપી નાખવા કહેશે તો? તે કરતાં તો એ જગત પર ઊતર્યા પહેલાં જ મરી જાય એ વધુ સારું. એ જીવતું હશે તો પછી મારો જીવ નહીં ચાલે. એના હાથપગ ઊછળતા જોયા પછી, એની ‘ઊંઆં-ઊંઆં’ વાણી સાંભળ્યા પછી, એની આંખોના તારલા જોયા પછી મારું હૈયું ભાંગી પડશે. માટે આ ઠીક લાગ મળ્યો છે. ટિકિટ-માસ્તરનો ઉપકાર થયો છે. ચાલવા જ માંડું. ...ઊપડતે પગલે, જોશીલે પગલે, ઊંચીનીચી ટેકરીઓ ઉપર, નદી, નાળાં ને વોંકળા વટાવતી, ખેતરોનાં કાદવઢેફાં ખૂંદતી, સાથળ સુધીના પાણીને પાર કરતી, શ્રાવણનાં સરવડિયાંમાં શરીર છંટકાવતી, લદબદ કપડે, માથાબોળ શરીરે શરદીમાં ધ્રૂજતી એ ચાલી ગઈ. સાત મહિનાનો પૂરો ગર્ભ ઉપાડીને અજવાળીનું આવી રીતનું ચાલવું જોખમભર્યું હતું. પોતાને જાણ નહોતી, પણ શરીર એની જાણે જ પુકાર કરવા લાગ્યું. ગતિ ધીરી ને વધુ ધીરી પડતી ગઈ. રૂંવાડાં ખડાં થઈ ગયાં. સાંજ પડ્યે ગામડું આવ્યું. પાદરમાં હોટલ હતી. હોટલને ચૂલે તાપણું દીઠું. દેવદારના ખોખા પર ફળફળતા ચાના પ્યાલા જોયા. તાપણે જરીક બેસીને તાપી લેવા, ને ગરમ ચાનો એકાદ પ્યાલો પેટમાં નાખવા દિલ તલસી ઊઠ્યું. ઠંડીમાં દાંત ડાકલી બજાવતા હતા, પણ પાસે પૈસા નહોતા. ભાગેડુ ઓરતને ટપારનારા પોલીસનો ભય હતો. ભીખ માગીને થોડી વાર ચૂલા પાસે બેસી લેવાની ઇચ્છા થઈ, પણ આગગાડીની અંદર ટિકિટ-ચેકરે કરેલું અપમાન એને યાદ આવ્યું. એ આગળ ને આગળ ચાલી. સાંજ ઝપાટાભેર નમતી હતી. ગામડાનાં ખેડુ-ઘરોમાંથી રાંધણાના ધુમાડા નીકળતા હતા. એકાદ ઘરમાંથી કોઈક મને બોલાવીને આશરો આપે તો ઝટ અંદર જઈને એક ખૂણામાં ઊંઘી જાઉં: અરે, કોઈક તો મને ઊંઘવાની જગ્યા આપો! આ મારાં પોપચાં ઢળી પડે છે.