અપરાધી/૭. બારી બિડાઈ ગઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૭. બારી બિડાઈ ગઈ

“સરસ્વતી!” શિવરાજથી બોલાઈ ગયું; બોલ્યા પછી એ છોભીલો પડ્યો. બે વર્ષ વહી ગયાં હતાં. આ અનુભવ નવો હતો. ડેપ્યુટીસાહેબના મકાન પાસેથી એ રોજ નીકળતો ને રોજ રાહ જોતો હતો કે ઉનાળાની લાંબી રજાઓ ક્યારે આવશે? મકાનમાં નેવાં નીચે કબૂતરો તરણાં ગૂંથતાં હતાં, ને ચકલાંની ચાંચો માળા નાખતી હતી. ‘ચૈત્ર-વૈશાખ ચાલ્યા આવે છે: છાંયો દેખીને બેસી જાઓ: ઘર કરી લ્યો: જલદી વિસામો શોધી લ્યો!’ એવી એવી પંખીવાણીનો એ ફાગણ મહિનો હતો. ગુલમોરનાં ઝાડવાં પાન ખેરીને પુષ્પોને ધારણ કરી રહ્યાં હતાં. પણ હજુ એ મકાનની મેડીની એક બાજુની નાની ઓરડીની જાળી ઊઘડી નહોતી; હજુ એને કાંઈ ઝાડઝૂડ પણ થતી નહોતી. શિવરાજની ઉત્સુકતા હજુ લાંબી મુદત નાખી રહી હતી. પણ આજે એણે ઓચિંતી નજર નાખી તો ઉઘાડી બારી પર સરસ્વતી ઊભી હતી. એણે ‘સરસ્વતી!’ ઉદ્ગાર કાઢ્યો, તેની વળતી જ ક્ષણે બારી બિડાઈ ગઈ. બારી શા માટે બિડાઈ ગઈ? શિવરાજનું દિલ કોઈ એક ઘરના આંગણા જેવું બની ગયું. વિચાર-પારેવાં ત્યાં ટોળે વળીને ચણ ચણવા લાગ્યાં. સરસ્વતીએ મારું કાંઈ હીણું સાંભળ્યું હશે? એને કોઈ ચાહનારું જડી ગયું હશે? એનો ગુમ થયેલો ભાઈ પાછો આવ્યો હશે? એનો સ્નેહ એ ગેરહાજર ભાઈની અવેજીમાં જ શું મારા પર ઢળ્યો હતો? એ પ્રેમને એનો પોતાનો જ સ્વતંત્ર પાયો નહોતો શું? બંધ થયેલી બારી સામે ઊભા રહેવું શરમભર્યું હતું. ચાલતાં ચાલતાં એણે ગુસ્સો કર્યો: નથી જોવું એ બારી સામે. જે બારી ફાવે ત્યારે ઊઘડે ને ફાવે ત્યારે બિડાય, પોતાની ક્રિયાનું કશું કારણ ન બતાવે અને ઉપર જાતી પાછી જોશથી બારણાં ભભડાવીને માથામાં અપરાધનો ટોણો મારતી હોય, તે બારી જીવતરમાં ન ઊઘડો! – ન ઊઘડો એ જ ભલું. પણ જુવાન માણસનું જ્ઞાન કોઈ સ્ટોપર વિનાના કમાડ જેવું છે: પવનના ઝપાટા એને બંને બાજુ ધકાવે છે. શિવરાજ થોભ્યો; એણે ફરીથી બારી સામે નજર કરી: બંધ બારી મોં-માથા વિનાની ચુડેલ જેવી લાગી. “કેમ, ભાઈ!” પટાવાળો અજાણ્યો હતો: “ત્યાં શું ટરપરટોયાં મારો છો?” “કેમ, ભાઈ,” શિવરાજે સામે પૂછ્યું: “રસ્તા ઉપર ઊભા રહેવું એ ગુનો છે તમારા સાહેબનો?” અને મનમાં ઉમેર્યું: ‘– ને તમારા સાહેબની દીકરી સરસ્વતીબાઈનો?’ “કાયદો જાણતા લાગો છો!” આજકાલના સરકારી-દરબારી નોકરોને મન પ્રિય સૂત્ર થઈ પડેલો આ પ્રશ્ન ડેપ્યુટીના પટાવાળાની જબાન પર પણ વગરશીખવ્યો ચડી ગયો. “તું પરીક્ષક નથી, એટલે મને નાપાસ કરી શકે છે. વાત છે તારી!” શિવરાજે એ પટાવાળાને, આગળ ઉપર વકીલ બનીને એની ખબર લઈ નાખવા માટે, ઘડીભર આંખોના ચીપિયામાં દબાવી રાખ્યો. “તારો પટાનો નંબર શું છે?” “નંબર નોંધી રાખવો છે?” કહીને પટાવાળો સામો ચાલ્યો: “નંબર છે આ પાંચ આંગળાંનો; હમણાં એક અડબોત ભેગો ગાલને માથે છપાઈ જાશે નંબર!” વાઘા ખેડૂતને ડારનાર શિવરાજ આ ચપરાસીનું પાણી માપતાં વાર ન લગાડત. પણ એકાએક બીજી બાજુનું બારણું ઊઘડ્યું ને સરસ્વતી પ્રગટ થઈ. શિવરાજ શ્યામ બન્યો. પટાવાળા જેવા પોતાની વડ્ય વગરના માણસ સાથે એક પાકવા આવેલા વકીલનો ઝઘડો એ ગર્વિષ્ઠ પ્રેમીજન – તે પણ પાછી એક કન્યા – જોઈ જાય એ વાત પર જેને નફરત ન આવે તે પુરુષ શાનો! મર્દાઈ એક મહા કરડી વસ્તુ છે. એને ઉપાસનારો પગલે ને પગલે વિમાસણ પામે છે. એને સો જણા હજાર ગાળો ને અપમાન આપી જાય; એમાંની એકની પણ જો એ વસૂલાત કરવા રોકાય તો લોકો કહેશે કે, ‘અરે ભાઈ, તમારા જેવા સશક્ત અને સમજુ માણસ આવી હલકી પાયરીએ ઊતરે છે?’ એમાંય જો કોઈ રેલગાડીમાં ડાકણ જેવી એકાદ ઓરતનાં પનારાં પડી જાય, તો તો પછી છેલ્લા સ્ટેશન સુધી મર્દાઈનાં પીંછડાં જ પીંખાતાં આવે. ન દલીલ, ન અપીલ, ન રાવ, ન રાહત: ‘અરે મિસ્તર, તમે ઊઠીને એક બાઈમાણસની સાથે...’ – એ એક જ ઠપકાની વાવાઝડી, અને ઠપકો દેનારાઓ પોતાની સગી બાયડીઓને પાછા રાતે ઘેર જઈ ગાળોની તડાપીટ કરનારા હોય છે. “આ મે’રબાન કાયદાબાજ આપણા બંગલાની પાસે ટરપરટોયાં મારતા’તા, બાઈ! ને ઉપર જાતા કજિયો કરવા આવે છે!” પટાવાળાએ શિવરાજને વધુ પામર બનાવ્યો. સરસ્વતીએ શિવરાજને જ સીધું, સ્મિતનાં ગુલાબો વેરતાં વેરતાં કહ્યું: “આવવું છે અંદર?” પટાવાળાના મોં પરથી રામ ગયા. ને શિવરાજે પણ પોતાનો તેજોવધ અનુભવ્યો: હજુ તો પૂછે છે – ‘આવવું છે અંદર?’ “ના - હા - હું તો સહેજ—” એવાં ગળચવાં ગળતો શિવરાજ પગથિયાં ચડ્યો. એના પગમાંથી પણ રામ ગયા હતા. દીવાનખાનાનું બારણું બહાર જ પડતું હતું. એ ખુલ્લું મૂકીને સરસ્વતીએ સ્ટોપર ચડાવ્યા. શિવરાજ એક બેઠક પર બેઠો. એ બેઠક ખુરસી નહોતી – એક લાકડાની પાટ હતી. તેના ઉપર કિનારીભરેલી ચાદર હતી, ને અઢેલવાનો તકિયો હતો. “ખુરસીઓની બેઠક મને નથી ગમતી; બાપુની સાથે કજિયો કરીને મેં કઢાવી નાખી છે,” સરસ્વતીએ કહ્યું ત્યારે શિવરાજ જોડાં સહિત બેઠક લેવાની કઢંગાઈ અનુભવી રહ્યો હતો. જોડાં પર સુજાનગઢથી કેમ્પ સુધીની પગપાળી મજલે ઝીણી ધૂળના થરોનું પાલીસ ચડાવ્યું હતું. સરસ્વતીને શિવરાજે છૂપી રીતે નખશિખ નિહાળી. છેલ્લી ખમીસ અને ચડ્ડીમાં દીઠેલી તે વાતને એક વર્ષ પૂરું નહોતું વીત્યું; આજે એણે સાડી પહેરી હતી. સરસ્વતી એકાએક કંઈ આવડી મોટી નહોતી થઈ ગઈ. એના દેહના પરિમાણને છોકરાશાહી જૂનો લેબાસ છુપાવી જ રાખતો હતો. સાડી, ચોળી ને ચણિયો – એ સ્ત્રી-પોશાક ચાડિયો છે; જોબનને ઢાંકવાનો ઢોંગ કરતાં કરતાં એ તો જાણે કે સિસકારા કરી કહી આપે છે કે જુઓ, શિકારી, તમારું હરણું આ બેઠું અમારી ઓથમાં લપાઈને! શિવરાજની આંખોમાં હજુ શિકારી-ભાવ નહોતો ઊઠ્યો, એ તો હજુ અજાયબીના ભાવ-હિંડોળે જ ઝૂલતો હતો: સરસ્વતી આવડી મોટી ક્યારે થઈ? એ હવે પોતાના ગુમ થયેલા ભાઈની છબીઓની વાતો બબડવાને બદલે ખુરસીની વાતો કેમ કરવા લાગી છે? એ વાતો કરવા ઉત્સુક હોય તે કરતાં વાતો છુપાવવાનાં આવાં બહાનાં કાઢવા કેમ લાગી છે? એની વાતો ભૂસુંભરેલ ઢીંગલીઓના જેવી નિષ્પ્રાણ લાગી. “તમે વકીલ ક્યારે થવાના છો?” એણે એક ધંધાર્થીના સૂરો કાઢ્યા. “છ મહિના પછી. કેમ?” “મારે આ પ્રદેશમાં એક મોટું કામ ઉપાડવું છે.” “એમ? મારી જરૂર છે?” “હા, તમારી વકીલ તરીકે જરૂર છે; તમે સ્ત્રીજાતિના વકીલ બનો.” શિવરાજ ફૂલીને ઢોલ થયો. સરસ્વતી તપેલા લોઢા પર હથોડા-પ્રહાર કરવા લાગી. “સ્ત્રીને પુરુષોએ જુગજુગોથી ચગદી છે, એને સતાવી છે, એના જીવનમાં હજારો બેડીઓ પહેરાવી છે. એ બેડીઓ અમારે ભાંગવી છે...” સરસ્વતી જાણે હજારો માણસોની સભાને કોઈ ભાષણ સંભળાવતી હતી; એક હથેળીમાં બીજા હાથનો મુક્કો પછાડતી હતી. ભાષણ કરનારા પુરુષો જેટલા દેવ લાગે છે તે કરતાં ભાષણો કરનારી છોકરીઓ વિશેષ પ્રમાણમાં દિવ્ય દેખાય છે. જુવાન શિવરાજ, આ ભાષણ સરસ્વતીના ભેજામાં કોઈકે સીસામાં ‘સોડા-વૉટર’ની પેઠે ઠાંસેલું છે, એવું ન સમજી શક્યો. “અમારી બહેનો ઉપર તમે – તમે...” “મેં?” શિવરાજ સરસ્વતીનાં સળગતાં નેત્રોને નિહાળી હેબતાયો. “તમે જ તો! – તમારી આખી જાતિએ જ તો! – મનુમહારાજથી માંડી તમારી આખી ઓલાદે જ તો! રામે, હરિશ્ચંદ્રે, કૃષ્ણે, ઋષિઓએ, મનુઓએ...” આ દોષમાં તો સરસ્વતી મને ઇતિહાસના મહાપુરુષોની જોડે સહભાગી બતાવે છે, એવું જોઈ શિવરાજને દિલાસો જડ્યો. “આ તમામ અન્યાયોના ઢગલામાં સુરંગ મૂકવા અમે આજની – નવા યુગની – નારીઓએ કમર કસી છે.” શિવરાજને છાપાંનાં મથાળાં સાંભર્યાં. સરસ્વતી વર્તમાનપત્રો પણ વાંચે છે ને શું! કેટલું બહોળું જ્ઞાન! કેટલી અબૂઝ આગ! “એ સુરંગ મૂકવામાં તમે સામેલ થાઓ – તમારા પૂર્વજોએ કરેલા મહાપાપનું પ્રાયશ્ચિત્ત મેળવો; મારી સાથે જોડાઓ.” શિવરાજને માટે તો એ એક જ વાક્ય અગત્યનું હતું. નારીજાતિના પ્રારબ્ધમાંથી જુગજુગોના જુલમો ભૂંસવાવાળું વાક્ય? ના, ના, ‘મારી સાથે જોડાઓ’ – એ વાક્ય. આખી સ્ત્રીજાતિ એક આ કુમારિકાનો અવતાર ધરીને એની સન્મુખ ખડી થઈ હતી. શિવરાજ ઝડપાયો. “અમે છ મહિનાની મુસાફરી પર ગયાં હતાં.” સરસ્વતીએ પોતાને જે નશો ચડ્યો હતો તેનો ઇતિહાસ કહ્યો: “અમે ઉત્તર હિંદનાં શહેરે-શહેર ઘૂમ્યાં. અમે અક્કેક દિવસમાં પાંચ-પાંચ સભાઓ કરી ભાષણો કર્યાં. મારાં ભાષણોની તો આગ લાગી ગઈ છે.” “લાગ્યા વિના ન જ રહે.” શિવરાજ પોતે જ આ નાનકડા ભાષણથી સળગી ઊઠ્યો હતો તે પરથી ત્રિરાશિ બાંધી શક્યો. “આ બાપુજી આવ્યા.” “તમારી જાતથી તો તોબાહ, બાઈ!” બુઢ્ઢા ડેપ્યુટીએ બેઠક પર પોતાનો દેહ પડતો મૂકતાં કહ્યું. “તમારી જાતથી દસ હજાર વાર તોબાહ!” સરસ્વતીએ પિતાને સંભળાવ્યું. “આજનો કેસ સાંભળવા તું આવી હોત તો જોઈ શકત.” “શું જોઈ શકત?” “— કે તારી જાત કેટલી ઘાતકી ને ખૂની બની શકે છે. શિવરાજ, તમે વકીલાત માટે તૈયાર થઈ રહ્યા છો, ને આવો રસભર્યો મુકદ્દમો સાંભળવા ન આવ્યા? એક કણબણે પોતાના ધણીને ખોરાકમાં કાચ ખવરાવીને તરફડાવી-તરફડાવી માર્યો.” “ને એનો ધણી તો સાવ સોજ્જો હશે? કાચ ન ખવરાવે તો બીજું શું કરે નિરાધાર સ્ત્રી? તમારો કાયદો એને પતિની પૂંછડીએ જકડી રાખે છે તેનું કેમ?” સરસ્વતી પાસે ગોખેલી ભાષા હતી. “કાચ ખવરાવીને!” શિવરાજને કમકમાં આવ્યાં. “મારી સામે જે જુબાનીઓ પડી છે તેમાંથી તો એક જ છાપ મારા મન પર પડી છે – એ નામર્દ હતો, મેંઢા જેવો હતો. બાયડીનો મદ માતો ન હતો. બીજા સાથે પરણવું હતું. ધણીને કહેતી કે, મને લખણું કરી દે તો હું બીજે જાઉં. ધણીનો બાપ કહે કે, મફત લખણું નથી કરી દેવું; પૈસા આપે. બસ, એટલા ખાતર કાચ ખવરાવી માર્યો!” “તમે એની શી સજા કરવાના છો?” સરસ્વતીએ પૂછ્યું. “સેશન્સમાં મોકલીશ.” “શિવરાજભાઈ!” સરસ્વતીએ કહ્યું: “તમારી સનંદ ઝટ લઈ લ્યો. સેશન્સમાં જઈ તમે એનો બચાવ કરો.” “શિવરાજને ચેલો મૂંડ્યો જણાય છે!” બાપે અંતરના ઊંડાણમાં પ્રસન્નતા અનુભવી. “તમે જોજો તો ખરા – અમે બેઉ થઈને તમારા કાઠિયાવાડમાં આગ મૂકશું.” ‘આગ મૂકશું’ એ પ્રયોગ સરસ્વતી એવી તો છટાથી ને દાઝભરી બોલી કે શિવરાજ એના હોઠ પર ધુમાડાની શેડ્ય કલ્પતો થયો. “હું મારા ગુરુજીની પાસે પહોંચીશ, એમને કહી મુંબઈથી બૅરિસ્ટરો ઉતારીશ. હું તૈયાર થાઉં છું.” એમ કહેતી એ ત્યાંથી ઊઠી ગઈ. મકાનના એક છેડાથી બીજા છેડા સુધીની ધરતી ગાજી રહી. “શિવરાજ,” ડેપ્યુટીએ સિગારેટ ખેંચતાં ખેંચતાં કહ્યું: “સરસ્વતી નવી ધૂનો લઈને આવી છે. મને તો જૂની આંખે નવો જમાનો સમજાતો નથી. તમે એની રક્ષા કરજો, હો! એ પૂરપાટ ઘોડા પેઠે ક્યાંક ઠોકર ખાઈને ભાંગી ન પડે.” સરસ્વતીના પિતાના શબ્દોમાંથી શિવરાજને મીઠા ભાવિના ભણકારા સંભળાયા. સંધ્યાકાળ થયો. છાપું આવ્યું. ધ્રૂજતે હાથે ડેપ્યુટીએ છાપેં ખોલ્યું. દર અઠવાડિયે આ વાર અને આ સંધ્યાકાળ એનું લોહી શોષી લેતો. છાપામાં પોતાનું શું નીકળી પડશે! એ વાતનો અનેકનાં દિલો પર મોટો ધ્રાસકો હતો. અધિકારીવર્ગનાં તો લોહી થીજી જતાં. પોતાને વિશેના આક્ષેપથી રહિત અંક દેખાવો એ તો એક વિરલ આનંદની વાત હતી. “લ્યો, ભાઈ!” વાંચતાં વાંચતાં ડેપ્યુટીએ કેમ્પના વર્તમાન મોટેથી સંભળાવ્યા: “આંહીંનો એક ધારાશાસ્ત્રનું શિક્ષણ લેતો જુવાન, એક નજીકના રાજ્યના મોટા અધિકારીનો સંબંધી, ગરીબ કિસાનની બહેન-દીકરીઓને ફસાવી રહ્યો છે. વિશેષ હવે પછી.” વાંચી ગયા પછી જ ડેપ્યુટીને ભાન આવ્યું કે પોતે ભૂલ કરી છે: જેને આ ફકરો લાગુ પડે છે તે તો સામે જ બેઠો છે. એના મોં પરથી નૂર ઊડી ગયું હતું. ચુપચાપ ડેપ્યુટીએ છાપું બીડીને મૂકી દીધું. શિવરાજના મોં પર જાણે રૂની પૂણીઓ વળવા લાગી. “જાવ, તમે તમારા અભ્યાસમાં ડૂબી રહો. સરસ્વતીને જાણ નહીં થવા દઉં.” દીકરીના બુઢ્ઢા બાપે શિવરાજને પોતાના ભાવિ માટે સલામત રાખવા ફાંફાં માર્યાં. શિવરાજ બેઠો હતો ત્યાં જ સુજાનગઢથી એના પિતાની ગાડીનાં પૈડાં બોલ્યાં. બેઉ બુઢ્ઢાઓએ એકલા પડવાની ઇશારત કરી લીધી. ડેપ્યુટીએ સરસ્વતીને હાક મારી. સરસ્વતી આવી. બાપે કહ્યું: “તું શી ધમાચકડ કરી રહી છે?” “અમદાવાદ જવાની.” “કોની પાસે?” “ગુરુજીની પાસે. એમને જઈને આ કેસની વાત કરીશ.” “વારુ જા, પણ અત્યારે તો શિવરાજને કાંઈ નાસ્તો કરાવીશ કે નહીં? છોકરો ભૂખ્યો થયો હશે. જા, બહાર બગીચામાં બેસારી કાંઈક ચવાણું પીરસ.” સરસ્વતી શિવરાજને બાગમાં લઈ ગઈ અને શ્વાસ પણ છોડ્યા વિના કહેવા લાગી: “હું ખાવાનું લાવું છું. પણ તમે ખરું કહો, આ ખૂન કરનાર બાઈને આપણે બચાવવી જોઈએ કે નહીં? એનો શો અપરાધ? એ મારી ન નાખે તો શું કરે? હું તો સહી શકતી નથી.” શિવરાજનું દિલ છાપાના સમાચારથી વિકળ હતું. વળી એને સરસ્વતીની ધૂનમાં વધુ ને વધુ શુષ્કતા લાગી. વળી એના પેટમાં ભૂખ પણ હતી. ભૂખ્યા માણસને સ્ત્રી-સેવાના ધમપછાડા ભાગ્યે જ ગમે. નાસ્તાની રકાબી ભરવા જતાં જતાં ચારેક વાર પાછી ફરીને સરસ્વતી એ–ના એ બબડાટ કરી ગઈ. રકાબીમાં ચવાણું પૂરતાં પૂરતાં એણે ચેવડાની બરણીને બદલે મીઠાની બરણીમાં ને મેવાના ડબાને બદલે કોકમના ડબામાં હાથ નાખ્યા. અંતરના એકાદ સ્નેહબિંદુની વાટ જોતો શિવરાજ નિરાશ થયો. સરસ્વતીનાં નેત્રોમાં, મોં-માથે, ચેષ્ટામાં – ક્યાંય એણે ઉરની ઊર્મિની કિનાર પણ ન દીઠી. એની એ જ વાતો: આંહીં ગયા’તાં: ત્યાં આવું ભાષણ કર્યું’તું: પેલે ગામ અમને માનપત્ર મળ્યું’તું: સ્ત્રી-જાતિને અમે ખળભળાવી મૂકી’તી: નાટ્યપ્રયોગમાં મારો બંડખોર કન્યાનો પાઠ આવ્યો ત્યારે તાળીઓના ગડગડાટ થયા હતા, વગેરે વગેરે. શિવરાજને ખાતરી થઈ કે પોતે શોધતો હતો તે બારી તો બિડાઈ ગઈ હતી.