અભિમન્યુ આખ્યાન/કડવું ૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડવું ૫
[ માતાએ અહિલોચનને સત્ય હકીકતથિ પરિચિત કર્યો. અહિલોચન કૃષ્ણને હણવા તત્પર બન્યો. માતાનો વાર્યો ન રોકાતાં કૈલાસ પર્વત પર જઈ હઠયોગ આદર્યો. મહાદેવને પ્રસન્ન કરી, એમની પાસેથી વજ્ર-પિંજર મેળવી અહિલોચન સ્વસ્થાને પાછો ફર્યો.]


રાગ રામગ્રી

પુત્ર કાંઈ દીઠો અતિશે રોતો જી,
હૃદયાફાટે, આંસુ લોહતો જી.
‘અરે અહિલોચન! મારા વહાલા જી!
કોણે કષ્ટિયો? કહેને કાલા જી.          ૧

ઢાળ
કોણે, કાલા! કષ્ટિયો જે પીડા પામ્યો તુંય?
આંખડીએ આંસુ ભર્યાં છે, સનમન્યો તે શુંય?’          ૨

પુત્ર વળતું બોલિયો : ‘માતાજી, અવિધારો;
સર્પ માત્રે મહેણું દીધું, મુને કહ્યો નઠારો.          ૩

કોણ સ્થાનક આપણું રે? કોણ મારો તાત?
ઉદર ભરવા અહીં વસ્યાં તે કોણ કારણ, માત?’          ૪

વચન સુણી કુંવર કેરાં ગળગળી થઈ નાર,
સ્વામીનાં સુખ સાંભર્યાં, નયણે વહે જળધાર :          ૫

‘પુત્ર! મુજને શું પૂછે છે? મેં કહ્યું કઈ પેરે જાય?
પેટ ભરો પરવશ થઈ, લખ્યું ફોક નવ થાય.          ૬

બાપ તારો મહા બળિયો, પ્રસિદ્ધ તેનું નામ,
ચૌદ લોક ચરણે નમ્યાં, પણ કૃષ્ણેે ફેડ્યો ઠામ.’          ૭

સાંભળી સુત બોલિયો : ‘મેં આજ જાણી પેર;
હવે કૃષ્ણના કટકા કરું, પછી વસું બાપને ઘેેર.’          ૮

જનુની કહે : ‘જગદીશ મોટો, તું નોહે તેની જોડ;
તું છે જાતે એકલો, હરિને જાદવ છપ્પન ક્રોડ.          ૯

તાત તારો જીતતો તે મહાદેવને વરદાન;
તુજને કો ઓળખે નહિ, બેસી રહે આ સ્થાન.’          ૧૦

વળતો અહિલોચન ઓચરે : ‘જઈ ઈશ્વરને આરાધું;
અમર થઈને સંઘારું હું જાદવનું કુળ બાધું.’          ૧૧

એવું કહી ઊભો થયો, મા મૂકી મામા પાસ;
વાર્યો કોનો નવ રહ્યો, જઈ પરવર્યો કૈલાસ.          ૧૨

નવે દ્વાર જ રૂંધિયાં ને બાંધ્યો શ્વાસોચ્છ્વાસ;
જમણા પગને અંગૂઠે ઊભો રહ્યો ખટ માસ.          ૧૩

પછે પંચવદન પધારિયા, હુવા તે તુષ્ટમાન :
‘માગ માગ રે, બાળકા!’ મહાદેવ કહે : ‘વરદાન.’          ૧૪

અહિલોચન આવી નમ્યો ત્યારે સદાશિવને ચર્ણ :
‘વરદાન આપો એટલું, હુંથી કૃષ્ણ પામે મર્ણ.’          ૧૫

મહાદેવે મન વિમાસિયું જે મરે નહિ જગદીશ;
પછે વિચારીને આપિયું વજ્રપંજર શ્રીઈશ.          ૧૬

પિપીલિકા પેસી નવ શકે, સાંચરે નહિ પવન,
એવી પેટી આપીને પછે બોલ્યા પંચવદન :          ૧૭

‘જે કો પેસે પંજર વિષે’ એમ કહે પિનાકપાણ,
‘દ્વાર દેતામાં તેહના જશે નીસરી પ્રાણ.’          ૧૮

ઈશ્વર કહે : ‘હો અહિલોચન! જો હોય તુજમાં આય,
તો કંઠે ઝાલી કૃષ્ણજીને ઘાલ પેટી માંય.’           ૧૯


એવું કહીને અવિનાશી હવા અંતર્ધાન;
પુત્રે પેટી લીધી મસ્તક, આવિયો નિજ સ્થાન.          ૨૦

વલણ
સ્થાન નિજ માતા તણું, પાતાળમાં મોસાળ રે;
પેટી મૂકી માતા આગળ : ‘મુને શિવ થયા કૃપાળ રે.’ ૨૧