અભિમન્યુનો રાસડો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અભિમન્યુનો રાસડો

કંઠસ્થ લોકસાહિત્યમાં મળતી આ કથનાત્મક કૃતિ (મુ.) ૫૦ જેટલી કડીએ અધૂરી રહી કથાપ્રસંગો પરત્વે ગુજરાતી આખ્યાન-પરંપરાનું અનુસંધાન જાળવે છે. કૃતિ સુગેય ઢાળોના વૈવિધ્યથી તેમ જ મહત્ત્વના પ્રસંગબિંદુઓને માર્મિક સંવાદો ને પાત્રોદ્ગારોથી બહેલાવી કથાને વેગપૂર્વક આગળ લઈ જવાની લોકકાવ્યની લાક્ષણિક શૈલીથી ધ્યાન ખેંચે છે. — રમણ સોની
(‘ગુજરાતી સાહિત્યકોશ’ (ખંડ ૧)માંથી સાભાર)



અભેમન્યુનો રાસડો

ગીત : ૧૨૮૭

સંપાદિકા : બહેન યશોમતિ મહેતા


સરસત સ્વામિને વિનવું રે, ગણપત લાગુ પાય રે :
અયોધ્યા નગરીમાં દૈત્યનો વાસો, તેનાં તે મસ્તક છેદાય રે :
દૈત્ય કાજે કૃષ્ણે કજિયો રે માંડયો :
દૈત્યો નાઠાં, દૈત્યાણી નાઠાં, ગયાં ગયાં વનમાં ગયાં રે!

વનમાં જઈ અહિલોચન જનમ્યા :
સોના કામઠડીને રૂપાના ભાલા, અહિલોચન રળવા નીસર્યા રે.
જઈ રહ્યા વગડાની રે વચ્ચે :
વન રે વગડામાં એક પંખી જનાવર :
તે રે જનાવર અહિલોચને મારિયા :
ડોશી તે મહેણાં બોલી રે :
‘બહું છે તું બળિયો બળવંતો :
તો તાર બાપનું વેર જ લેને’

ત્યાંથી અહિલોચનનો ઝાળો રે લાગી :
આવી રહ્યા ઘર આંગણે રે :
‘કોહો મારી મા! મારો બાપ કોણે માર્યો?’
‘બાર બાર વર્ષે દીકરા બાપ કેમ સાંભર્યો?’
‘ડોશી તે મેહેણાં બોલી રે'
‘તાહારો તે બાપ કાળા કૃષ્ણે માર્યો!’
ખભે કો’ડ, લઈ અહિલોચન ચાલ્યા, જઈ રહ્યા વન વચ્ચે રે.
વન રે વગડાના લીલા વૃક્ષો રે વાઢ્યાં :
કુંળાં કુંળાં ડાળાં તે પડયા મૂક્યા; જાડાં તે થડિયા ઉપાડિયાં રે.
એ રે લાકડાની ભારી રે બાંધી,
ત્યાંથી અહિલોચન સુતાર-ઘેર આવ્યો :
‘ભાઈ રે સુતારી, તુ માહારો વીરો, પેટી ઘડી મને આલ રે :
બોંતેર ખાનાને એકજ કોઠો’—

ત્યાંથી અહિલોચન લુવાર-ઘેર આવ્યો :
‘ભાઈ રે લુવારી! તું માહારો વીરો, આરે પેટી જડી આલ રે :
છત્રીસ તાળાંને બત્રીસ કુંચીઓ, પેટીમહીં જડી આલ રે.’

ત્યાંથી અહિલોચન ચિતારા ઘેર-આવ્યો :
‘ભાઈરે ચીતારા! તું માહારો વીરો, પેટી મારી ચીતરી આલ રે.’

ત્યાંથી અહિલોચન દરજી ઘેર આવ્યો :
‘ભાઈ રે દરજીડા, તું માહારો વીરો, ગાદી આની સીવી આલરે.’

પેટી ઉપાડી અહિલોચન આવ્યો :
જૈ રહ્યો જૈ રહ્યો વગડા રે વચ્ચે, વડલા છાંયે પેટી મૂકી રે.

બ્રાહ્મણને વેશે કાળો કૃષ્ણજી આવ્યા :
‘કયાં જાઓ છો જજમાન રે માહારા?’
‘કૃષ્ણનું વેર વાળવા જાઉં રે’—

‘કહો ગુરૂજી? કાળા કૃષ્ણ હશે કેવા?’
‘તુજ સરખાને તાહારા રે જેવા, દેહીનું પરમાણું આણો રે.’

‘લ્યો માહારા ગુરૂજી! દેહીનું પરમાણું.’
ત્યાંથી અહિલોચન પેટીમાં સમાણા, કાળાં કૃષ્ણે તાળાં ચડાવિયા રે.

‘ગુરૂ! માહારા ગુરૂ! મને બહાર કાઢો.’
‘કોણ તાહારો ગોર? ને તું કોનો જજમાન? હું કાળો કૃષ્ણ રે!’

પેટી હતી તે આકાશે ઉડાડી :
આકાશના દેવતા રે જગાડ્યા : આ જુધ્ધ કેણે માંડિયા રે!’

અહિલોચન ને કાળા કૃષ્ણજીએ માંડિયા :
પેટી હતી તે પાતાળે પછાડી, પાતાળના શેષ નાગ ડોલિયા રે.

આવાં તે જુધ્ધ કોણે માંડ્યા રે?
અહિલોચનને કાળા કૃષ્ણજીએ માંડ્યા : તેનો થયો ખળભળાટ રે—

ત્યાંથી અહિલોચન મૃત્યુ રે પામ્યા :
ખભે પેટી ને કાળો કૃષ્ણજી ચાલ્યા જઈ રહ્યા દ્વારકા ગામ રે.

પેટી હતી તે સુભદ્રાને આપી :
‘જો જો રે બહેની આ પેટી ઉઘાડતાં! સાચવી રાખજો પાસે રે.’

નણંદ ભોજાઈ બે તડમાંથી રે જુએ :
‘નણદલ! તમારા ભાઈ શું લાવ્યા? એ મુજને દેખાડો રે.’

પેટી હતી તે સુભદ્રાએ ઉઘાડી :
ભાઈનું કહ્યું સુભદ્રાએ ન માન્યું : શ્વાસમાં શ્વાસ સમાઈ ગયો રે.

પહેલો રે માસ તો એળે રે ચાલ્યો :
બીજે તે માસે સહીયરને સંભળાવ્યું : ત્રીજાનો મર્મ ન જાણ્યો રે.

ચોથે માસે માતાને સંભળાવ્યું :
પાંચમે માસે બાંધીરે રાખડી : છઠ્ઠે તે કઢીયલ દૂધ રે.

સાતમે તે માસે ખોળો ભરાવ્યો :
ખોળો ભરાવ્યો ને મહીયર વળાવ્યા : આઠમાનો મર્મ ન જાણ્યો રે.

નવમે તે માસે અભિમન્યુ જનમ્યા :
સોનાની શળીએ નાળ વધેર્યો રે : પાણી સાટે દૂધડે નવરાવિયા રે :

ચીર ફાડીને બાળોતિયાં કીધાં :
જાદવ ઘેર પારણિયાં બંધાવ્યા : ચોખા સાટે મોતિડે વધાવિયા રે.

પાંચ વરસના અભિમન્યુ થયા :
લેઈ પાટીને ભણવા રે ચાલ્યા : ભણીગણીને નવચંદારે થયા.

પોતાના કાકા સગાઈઓ રે લાવ્યા :
‘ઉત્તરા અભિમન્યુ! તાહારી રે નારી : વિરાટની તે કુમારી રે.
લીલા ને પીળાં વાંસ વઢાવો, નવ ‘ગી ચોરી ચીતરાવો રે :
ત્યાંથી અભિમન્યુ પરણવાને ચાલ્યા : સારા તે શુકન થાય રે.
ત્યાંથી અભિમન્યુ સરોવરિયે લાવ્યા : સૂકાં સરોવર લીલાં થયાં રે.
ત્યાંથી અભિમન્યુ ભાગોળે આવ્યા : ભાગોળે ભેળો વગડાવો રે,
ત્યાંથી અભિમન્યુ ચઉટામાં આવ્યા : ચઉટામાં ચમ્મર ઢળાવો રે.
ત્યાંથી અભિમન્યુ જાનીવાસે આવ્યા : સાસુજી પોંખવા આવ્યા રે.
ત્યાંથી અભિમન્યુ તોરણે આવ્યા : ‘મામાજી! કન્યા પધરાવો રે.’
ત્યાંથી અભિમન્યુ ચોરીમાં આવ્યા : ‘મામાજી! દ્યો કન્યાદાન રે’
પહેલું તે મંગળ હરતું ને ફરતું : ‘દાદાજી! દ્યો કન્યાદાન રે :
દાદાએ આપ્યાં ઘોડીલાનાં દાન : દાદાજી દે કન્યાદાન રે!
બીજું તે મંગળ ચોરીમાં વરત્યું : ‘માતાજી! દ્યો કન્યાદાન રે’ :
માતાએ આપ્યાં ગાવડીઓનાં દાન : માતાજી દે કન્યાદાન રે.
ત્રીજું તે મંગળ ચોરીમાં વરત્યું : ‘વીરાજી! દ્યો કન્યાદાન રે’ :
વીરાએ આપ્યાં વેહેલડીઓનાં દાન : વીરાજી દે કન્યાદાન રે
ચોથું તે મંગળ ચોરીમાં વરત્યું : ‘ભાભીજી! દ્યો કન્યાદાન રે :
ભાભીએ આપ્યાં ઝોટડીઓનાં દાન : ભાભીજી દે કન્યાદાન રે.
ત્યાંથી અભિમન્યુ પરણીને ઊઠ્યાં : માતાને પાયે લાગિયા રે.
પોતાની માડીએ આશીશો રે આલી :
‘ઘણું જીવો દીકરા : ઘણું રે આવરદા : ઉત્તરા તાહારી નારીને રે :
જો જે અભિમન્યુ! તાહારી રે ગોરી : ગોરી છે ગુણવંતી રે :
અમારા કુળમાં એવી રે રીતો : વર સાથે કન્યા ન હોય રે’—
‘પહેલેરા પહોરનાં શમણાં રે લાધ્યાં :
આ રે શમણામાં કોરાં કાંકણ નંદ્યાં!
‘એ રે શમણાં દીકરી! આળમ’પાળ : તારાં શમણાં પડો સૂકે લાકડે રે :
બીજેલા પહોરનાં શમણાં રે લાધ્યાં :
આ રે શમણામાં કોરાં ઘરચોળાં પહેર્યાં :’
‘એ રે શમણાં દીકરી! આળપંપાળ : તે શમણાં પડો રાંકે રેંડિયે રે.’

ત્રીજેરા પહોરનાં શમણાં રે લાધ્યાં :
આ રે શમણાંમાં રાયકો આણે રે આવે :
‘આ રે શમણાં દીકરી! આળપંપાળ : તે શમણાં જજો સમુદ્ર બેટમાં રે.

બાબુડો અભિમન્યુ જધ્ધે ચઢે છે : ઉત્તરાને આણાં આવિયાં રે :
ઉત્તરાના બાપની ઊંચી હવેલી :
સોના-કચોલાં ને રૂપાના દોરા : ઉત્તરા માથડાં ગૂંથે રે.
હીરૂડી વીરૂડી સાંઢે રતનો રબારી, વેગે આવતો દીઠો રે :
‘માહારી રે માતા! તમે પોઢેલાં જાગો : મા! માહારે આણલાં આવ્યાં રે.’
‘ઘણુ રે જીવો દીકરી! એશું બોલ્યાં!’

બારીએ રહી ઉત્તરાએ પૂછિઉં :
‘ક્યાંથી આવ્યા, વીરા! ક્યાં તમે જાશો?’
‘બાલુડો અભિમન્યુ જુધ્ધે ચઢે છે : ઉત્તરાને આણે આવિયો રે’—

બારીએથી ઉત્તરાએ પડતાં રે મૂક્યાં : ના રહી શુધ્ધને સાન રે :
ઉત્તરાને દાદે દોશીડા જગાડ્યા : ચુંદડી કઢાવે આજે સારી રે :
સારી સારી કાઢે ને નુકસાન નીસરે : દાદે દોશીડાને લીધો મારવા રે!
‘ઓ મારા દાદા! શીદને મારો છો? ઉત્તરાના કર્મનો વાંક રે!’

ઉત્તરાને દાદે મરૂડીયા જગાડ્યા : ચૂડલા કાઢે કાંઈ રૂડલા રે :
સારા સારા કાઢે ને નંદાયલા નીસરે : દાદે મરૂડીયાને લીધો મારવા રે!
‘ઓ મારા દાદા! શીદને મારો છો? ઉત્તરાના કર્મનો વાંક રે!’

ઉત્તરાને દાદે સોનીડા જગાડ્યા : વાળીઓ કઢાવે ગજમોતીની રે :
સારી સારી કાઢે ને તૂટેલી નીસરે : દાદે સોનીડો લીધો મારવા રે!
‘ઓ મારા દાદા! શીદને મારો છો? ઉત્તરાના કર્મનો વાંક રે!’

ઉત્તરાને દાદે માળીડા જગાડયા : ગજરા કઢાવે મોંઘા મૂલના રે :
ખીલ્યા કાઢે ને કરમાયેલા નીકળે : દાદે માળીડો લીધો મારવા રે :
'ઓ મારા દાદા ! શીદને મારો છો : ઉત્તરાના કર્મનો વાંક રે !”

ઉત્તરાને દાદે મોચીડા જગાડ્યા : મોજડી કઢાવે મોંઘા મૂલની રે :
રાતી રાતી કાઢે ને કાળી કાળી નીકળે : દાદે મોચીડો લીધો મારવા રે!
‘ઓ મારા દાદા! શીદને મારો છો? ઉત્તરાના કર્મનો વાંક રે!’

ઉત્તરાને દાદે સરયા જગાડ્યા, સારાં સારાં કંકુ કઢાવે રે.
કંકુ કાઢે ને કાજળ નીસરે દાદે સરૈયો લીધો મારવા રે.
ઓ માહારા દાદા! શીદને મારો છો? ઉત્તરાના કર્મનો વાંક રે.
ટાઢે સાસરવાસે ઉત્તરા વળાવ્યાં : રાયકો તેડીને જાય રે.

બાળો અભિમન માડી સુભદ્રાને કહે છે
‘મને બાળુડો ન કહેશો મારી માવડી રે —

મા! બાળે તે કહાને જળમાં પેંશી, નાથ્યો કાળિનાગ રે.
મા! બાળો વીંછી કેટલો, બાધે અંગે ઉઠાડે આગ રે!
બાળુડો ન કહેશો૦

મા! બાળો મેઘ જ કેટલો, તે તો નીર ભરે નવ ખંડ રે.
મા! બાળ વજ્ર કેટલું, તે તો પર્વત કરે શત ખંડ રે.
બાળુડો ન કહેશો૦

મા! બાળો દિનકર કેટલો, બાધો અંધકાર પામે નાશ રે!
મા! બાળો સિંહ જ કેટલો, તેથી હસ્તિ પામે ત્રાસ રે!
બાળુડો ન કહેશો૦

મા! બાળો મંકોડો કેટલો, તે તો ખીજયો કરડી ખાય રે!
મા! મૂકાવ્યો મૂકે નહીં, તે તો તાણ્યો તૂટી જાય રે!
બાળુડો ન કહેશો૦

મા! બાળો હીરો કેટલો, પત તે તો એરણને વેધે રે!
મા! બાળો નોળ જ કેટલો, તે તો વડા વશિયરને છેદે રે!
મા! બાળો અગ્નિ કેટલો, તે તો દહે બાધું વન રે.
મા! બાળો તે નવ જાણિયે, જે આખર ક્ષત્રિય તન રે.
બાળુડો ન કહેશો૦

“તમે ચાલો તો રામજીની આણ રે, હો સુભદ્રાના જાયા!
તમે ચાલો તો કાઢું મારા પ્રાણ રે, હો સુભદ્રાના જાયા!
વિરાટ મારો પિતા કહીએ, સુદર્શના માહારી માત :
મેં તો ઓળખિયા, જ્યારે ઝાલ્યો ચોરીમાં હાથ રે,
હો સુભદ્રાના જાયા!

અર્જુન સરખા સસરા મારે, સુભદ્રા સરખાં સાસુ :
કૃષ્ણ સમા મામાજી મારે, રણવટ જાઓ તે ફાંસુ રે,
હો સુભદ્રાના જાયા!

તમે અર્જનના તનુજ કહાવો, વસુદેવના પુત્રીજ :
કૃષ્ણના ભાણેજ કહાવો, ભીમ તણા ભત્રીજ રે,
હો સુભદ્રાના જાયા!

સોળ કળાએ ચંદ્ર શોભે, તેવી શોભા તમારી :
જેવું હસ્તિનાપુર બેસણું, તેવી હું અર્ધાંગા નારી રે.
હો સુભદ્રાના જાયા!

રાજહંસ તમને જાણીને મેં, કર્યો તમારો સંગ!
જો જાણત બગ બાપડો, તો કેમે ન અર્પત અંગ રે,
હો સુભદ્રાના જાયા!

‘મને મારીને રથડા ખેડ રે, બાળા રાજા રે!
મને જુથે તે સાથે તેડ રે, બાળા રાજા રે!
આપણી સરખાસરખી જોડ રે, બાળા રાજા રે!
મને જુથ જોવાના રસકોડ રે, બાળા રાજા રે!
લાવો હું ધરૂં હથિયાર રે, બાળા રાજા રે,
કરૂં કૌરવનો સંહાર, રે, બાળા રાજા રે!
છાંડી જુધ્ધ વળો ઘેર આજ રે, બાળા રાજા રે!
મારા બાપનું અપાવું રાજ રે, બાળા રાજા રે!
રથ હાંકો તો રામજીની આણ રે, બાળા રાજા રે!
રથ ખેડો તો કહાવું પ્રાણ રે, બાળા રાજા રે!
નારી કેશ સમૂળા કાઢે રે, બાળા રાજા રે!
રથ ઉપર દેહ પછાડે રે, બાળા રાજા રે!

“તારૂં રૂપ દેખી જુધ્ધે ન ચઢત રે, ઉત્તરા રાણી રે!
મેં તો નથી દીઠી પગની પાહાની રે, ઉત્તરા રાણી રે!
મેં તો નથી દીઠી નાકની દાંડી રે, ઉત્તરા રાણી રે!
મને પાટા બાંધીને પરણાવ્યો રે, ઉત્તરા રાણી રે!
મામો કૃષ્ણ મને ઘેર લાવ્યો રે, ઉત્તરા રાણી રે!”
મને સમરથ સાસરી દેખાડ રે, બાળા રાજા રે!
મને સાસરી જોવાના રસકોડ રે, બાળા રાજા રે!
મને સમરથ સસરો દેખાડ રે, બાળા રાજા રે!
મને ઘૂંઘટ તાણ્યાના રસકોડ રે, બાળા રાજા રે!
મને સમરથ સાસુજી દેખાડ રે, બાળા રાજા રે!
મને પાય પડ્યાના રસ કોડ રે, બાળા રાજા રે!
મને નાની શી નણદી દેખાડ રે, બાળા રાજા રે!
મને ઢીંગલી રમ્યાના રસ કોડ રે, બાળા રાજા રે!
મને દીયર દીવડો દેખાડ રે, બાળા રાજા રે!
મને હોળી રમ્યાના રસ કોડ રે, બાળા રાજા રે!
મને જોડની જોઠાણી દેખાડ રે, બાળા રાજા રે!
મને જોડે હીંડયાના રસ કોડ રે, બાળા રાજા રે!
મને વાદુલી દેરાણી દેખાડ રે, બાળા રાજા રે!
મને વાદ લીધાનો રસ કોડ રે, બાળા રાજા રે!
મારૂં માથું વાઢીને દડો ખેલ રે, બાળા રાજા રે!
તારી કેડની કટારી અહીં મેલ રે, બાળા રાજા રે!
‘તારી જમણી કુખે ન ધરેશ રે, ઉત્તરા રાણી રે!
તારી કુખે મોતીગર દીકરો રે, ઉત્તરા રાણી રે!
સારી રાખશે બાપનું નામ રે, ઉત્તરા રાણી રે!
તેથી સરશે તમારૂં કામ રે, ઉત્તરા રાણી રે!
‘તારી ઢાલડીના ઓથે મને રાખ રે, બાળા રાજા રે!
તારાં આવતાં ઝીલીશ બાણ રે, બાળા રાજા રે!
મેં તો ઝાલી ઘોડીલાની વાગ રે, બાળા રાજા રે!
રથ થંભાવો નહિ દઉં માગ રે, બાળા રાજા રે!

‘ગોરી! મેહેલો ઘોડીલાની વાગ રે, કુંવરી રાવતણી!
ખસો, રથતણો દો માગ રે, કુંવરી રાવતણી!
મારૂં માંસ શિયાળ ન ખાય રે, કુંવરી રાવતણી!
ગોરી! હવે રહ્યું કેમ જામ રે, કુંવરી રાવતણી!
હું તો અર્જુન કેરો તન રે, કુંવરી રાવતણી!
કેમ જુધ્ધેથી ફેરવું મન રે, કુંવરી રાવતણી!
મારો લાજે અર્જુન તાત રે, કુંવરી રાવતણી!
મારી લાજે સુભદ્રા માત રે, કુંવરી રાવતણી!
મારે શુકને કો નવ જાય રે, કુંવરી રાવતણી!
ગોરી! લોક-હસારત થાય રે, કુંવરી રાવતણી!
મારી જાણત આવી નાર રે, કુંવરી રાવતણી!
નવ જાત હું રણમોઝાર રે, કુંવરી રાવતણી!
એકવાર લાવે પાછો, જુગદીશ રે, કુંવરી રાવતણી!
તો હું છેદું મામા કેરૂં શીશી રે, કુંવરી રાવતણી!
મને ખોટી કહી’તી નાર રે, કુંવરી રાવતણી!
આપણ મળીશું પેલે અવતાર રે, કુંવરી રાવતણી!

મારૂં જોબનીયું ભરપૂર રે, બાળા રાજા રે!
મને મહેલીને ચાલ્યા દૂર રે, બાળા રાજા રે!
મેં તો શોરે કીધો અધર્મ રે, બાળા રાજા રે
મારાં કીયા જનમનાં કર્મ રે, બાળા રાજા રે!
મેં તો વેલ્યો વાધતી તોડી રે, બાળા રાજા રે!
મેં તો ધાવતી ધેન વછોડી રે, બાળા રાજા રે!
મેં તો વહેતી નીકે દીધો પાગ રે, બાળા રાજા રે!
મેં તો લીલા વનમાં મેહેલી આગ રે, બાળા રાજા રે!
મેં તો સૂતાં ગામ બળાવ્યાં રે, બાળા રાજા રે!
મેં તો કુંડાં કલંક ચડાવ્યાં રે, બાળા રાજા રે!
મેં તો દીવે દીવા કીધા રે, બાળા રાજા રે!
મને તેહેનાં પ્રાશ્ચિત લાગ્યાં રે, બાળા રાજા રે!
(ખંડિત)



સ્રોત:
ગુજરાતી લોકસાહિત્યમાળા (મણકો ત્રીજો)
પ્રકાશક: ગુજરાત રાજ્ય લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
પહેલી આવૃત્તિ: માર્ચ ૧૯૬૩
પૃષ્ઠ: ૧૧૫–૧૨૪