અમાસના તારા/અભિનવ સાક્ષાત્કાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અભિનવ સાક્ષાત્કાર

ફાગણ મહિનો હતો. હોળી આવી નહોતી ગઈ, આવતી હતી. હું લખનૌથી કલકત્તા જતો હતો. કયા સ્ટેશને સુમેરગઢના દરબાર અમારા પહેલા વર્ગના ડબ્બામાં આવ્યા તે આજે યાદ નથી. એ વખતે અમારા ખાનામાં અમે બે જ જણ હતા–હું અને મારા સાથી કૅપ્ટન જંગબહાદુરસંહિ. દરબારની સાથે એમના મિત્ર હતા કર્નલ ગિરિરાજસંહિ. બપોર આથમતા હતા પરંતુ હજી સંધ્યાના ઓળા ઊતર્યા નહોતા. જંગબહાદુરે એમના સ્વભાવ પ્રમાણે શરાબની બાટલી કાઢી. ઠાઠથી પ્યાલાઓ જમાવ્યા અને બેઠકની નીચેની એક ખાસ પેટી કાઢીને એમાંથી સોડાની બાટલીઓ બહાર મૂકી. બરફથી ભરેલા એક મોટા થરમોસને પણ બહાર આણ્યું. સાચા શરાબીને મન એકલા શરાબ પીવા જેવી બીજી ગમગીની નથી અને સાચા સાથીદારો સાથે પીવા જેવો બીજો આનંદ નથી. જંગબહાદુરે પેલા દરબાર અને એમના મિત્રને પ્યાલા નજર કરીને ઓળખાણ કરી લીધી. એ બન્ને જણે પ્યાલા પાછા મૂકીને જ્યારે શરાબ પીવાની ના પાડી ત્યારે મારા આશ્ચર્યનો અવધિ ન રહ્યો. દરબાર દારૂની ના પાડે એ મારે મન અજાણ્યો અને અણધાર્યો પ્રસંગ હતો. જંગબહાદુર નિરાશ થયા. એમણે પણ આખરે એમ નક્કી કર્યું કે બનારસ ગયા પછી પીવાનું શરૂ કરીશું. પરંતુ ચોંકાવનારી વાત તો એ બની કે દરબારે શરાબ નહીં લેવાનું જે કારણ આપ્યું તેણે મારી જિજ્ઞાસાને હલાવી દીધી. મારું આશ્ચર્ય પળ વાર થંભી ગયું.

દરબારે કહ્યું : “અમે વિદ્યાધરીનું ગીતગોવંદિ સાંભળવા બનારસ જઈએ છીએ. મહા મુશ્કેલીએ એણે ગાવાની હા પાડી છે. શરાબ પીને આવેલા માણસો આગળ એ ગીતગોવંદિ ગાતી નથી. બાટલી તો અમે પણ લાવ્યા છીએ; પણ કાલે વાત. આજે તો એના વિના ઉપવાસ કરવો પડશે.”

વિદ્યાધરીનું નામ મશહૂર ગાનારી તરીકે મેં સાભળ્યું હતું, પરંતુ ગાનારી એ ગુણકા, શરાબ પીને આવનારની આગળ ગીતગોવંદિ ગાતી નથી એ વાત મારે માટે સાવ નવી હતી. એટલું જ નહીં પણ એણે મારા મનમાં કુતૂહલનાં ગૂંચળાં ઉપજાવ્યાં–અગરબત્તીના ધૂપમાંથી એકમાંથી અનેક ગૂંચળાં ઉત્પન્ન થાય છે તેમ. બનારસ પાસે આવતું જતું હતું. મેં તરત જ નિર્ણય કરી લીધો કે જો દરબારને વાંધો ન હોય તો હું બરનાસ ઊતરી જઈશ એ બીજે દિવસે એ જ ગાડીમાં પાછો કલકત્તા ચાલ્યો જઈશ. મારી ઇચ્છા મેં દરબારની આગળ નમ્ર વિનંતીના ભાવથી મૂકી. એમણે એ ખુશીખી સ્વીકારી. જંગબહાદુર સાથે નક્કી કર્યું કે એમણે તો એ જ ગાડીમાં કલકત્તા જવું; કારણ કે હાવરા સ્ટેશને નીલમનગર દરબારના માણસો વ્યવસ્થા મુજબ રાહ જોશે. જંગબહાદરુને એક જ રંજ હતો કે એમને હવે એકલા જ શરાબની લિજ્જત લૂંટવી પડશે, જે લિજ્જત વિના બીજું બધું જ હશે. મેં આશ્વાસન આપ્યું કે બનારસ અથવા મીરજાપુર સ્ટેશનેથી કોઈ સંગાથી જરૂર મળી જશે.

આથમતા બપોરે અમે બનારસ ઊતરી પડ્યા. સુમેરગઢના રાજાસાહેબ સાથે રસાલામાં માત્ર એક જ માણસ હતો, એ વસ્તુસ્થિતિએ પણ મારા આશ્ચર્યમાં વધારો કર્યો. બનારસમાં રાજાસાહેબનો પોતાનો બંગલો હતો. સ્ટેશને એમની મોટર હાજર હતી. આગળ થઈ ગયેલી વાતચીતથી હું એટલો બધો આશ્ચર્યમુગ્ધ હતો કે સભ્યતાને ખાતર કરવી જોઈએ તેટલી વાતચીત પણ મારાથી થઈ શકી નહીં. જે થતું હતું તે જોતો હતો અને થવાનું હતું તેની કલ્પના કરતો હતો.

નમું નમું થતી સંધ્યા આખરે નમી પડી. ફાગણ સુદ બારસના ચન્દ્રે વસંતની એ રાત્રિને પોતાની મીઠી જ્યોત્સ્નાથી હસીને અજવાળી હતી. જમીપરવારીને દસ વાગ્યાના શુમારે અમે ગંગાઘાટે પહોંચી ગયા. બે નાવડીઓ તૈયાર હતી. રાજામહારાજાની ખાસ બંધાવેલી અને સજાવેલી નાવનો ખ્યાલ મને કંઈક હતો. પરંતુ આ નાવને જોઈને પ્રસન્નતા થાય એમ હતું. એનો ઘાટ, એની સજાવટ, એનું રૂપ, એની સ્વચ્છતા એ બધું સુઘડ હતું. અને એના માલિકના ઐશ્વર્યનો ખ્યાલ આપતું હતું. પૌરસ્ત્ય ઢબે અને ઠાઠથી શણગારેલા કોઈ નાના શા દીવાનેખાસમાં બેઠા હોઈએ એવી લાગણી અંદર બેઠા પછી થઈ આવી. પરંતુ એ લાગણીને તો વહેતી ગંગાએ અને નીતરતી ચાંદનીએ કલ્પનાની પાંખો પર બેસાડીને અધ્ધર કરી દીધી. હું તો હજી આ વાતાવરણની મોહકતા માણતો હતો ત્યાં એક અંતેવાસીએ આવીને કહ્યું :

“મહારાજ, બીજી નાવ વિદ્યાધરીને માટે મોકલું છું. હજી એમનું ગંગાસ્નાન બીજે ઘાટે પૂરું નથી થયું. એમના બજવૈયા તો આવી ગયા છે.”

મહારાજાએ સંમતિ દર્શાવી એટલે બીજી નાવ ધીરે રહીને સરી ગઈ. પચાસેક મિનિટ પછી એ નાવડીએ આવીને અમારી બાજુમાં જ લંગર કર્યું. એમાંથી એક સૌમ્ય છતાં તેજસ્વી બાઈ ઊતરીને અમારી નાવડીમાં આવી. સૌએ એનું સન્માન કર્યું. એની પાછળ એના સાજિંદાઓ પણ આવ્યા. બીજી નાવડીમાં રાજાસાહેબના થોડાક માણસો બેઠા અને બન્ને નાવે ગંગાજળમાં ગતિ ધારણ કરી. બીજી નાવનું મુખ પહેલી નાવના અંતને સ્પર્શતું હતું. મધ્ય પ્રવાહમાં આગળ ગયા ત્યારે નાવનો આકાર ગંગાજળ ઉપર ઊપસી આવ્યો. હંસયુગલ જીવનયાત્રાએ નીકળ્યું હોય એવું સુરમ્ય ચિત્ર રચાઈ ગયું.

વિદ્યાધરીને નામથી અને એની કલાવંત પ્રતિભાને આધારે હું ઓળખતો હતો. પણ હું જો એ જ્ઞાનથી બેખબર હોત તો આ સ્ત્રીને મેં કોઈ યોગિની જ માની હોત. સુવર્ણચંપાના રંગની કિનારી વિનાની રેશમી સાડી પહેરી હતી. બન્ને હાથે મોગરાના ગજરા, જમણે હાથે એ જ કુસુમોનો બાજુબંધ, ગળામાં એ જ પુષ્પોની માળા અને અંબોડાની વેણીમાં પણ મોગરો જ મહેકતો હતો. વયે તો વિદ્યાધરી વન વટાવી ગઈ હતી પરંતુ ઘાટ રૂપે તો એ મધ્યાનું પણ માન હરે એવી શોભતી હતી. આ પ્રગલ્ભાને જોઈને મારા મનમાં શાયરીની એક પંક્તિ ઊગીને આથમી ગઈ :

“ખંડહર દીખા રહે હૈં. ઇમારત બુલંદ થી.”

પરંતુ સારંગીમાંથી ઊઠેલી સૂરાવલિએ મારી દૃષ્ટિને પાછી ગંગાલહરી પર આણી મૂકી. પછી તો કાનડો વહેતો થયો એટલે તો ત્યાં રંગદર્શી કુતૂહલ ઓસરી ગયું. કાનડાની અકથ્ય મસ્તીમાં જયદેવની કવિતાએ વહેવા માંડ્યું. બાગેસરી અને બિલાવલની સૂરછટાએ પણ જયદેવની ભાવસરિતાને લહેરાવી દીધી અને અંતે રામકલીમાં આરોહ તથા અવરોહ પામીને એ કવિતા જ્યારે ભૈરવીમાં સ્થિર થઈને છંદ:સિદ્ધ સુરાંગના બની ત્યારે તો જિજ્ઞાસા જીવી ગઈ, અને મારા અંત:કરણે અભિનવ સાક્ષાત્કારનો રોમાંચ અનુભવ્યો.

મૌન પથરાયું છે. ગંગાલહરી ઉપર ચંદ્રની મસ્ત ચાંદની વિસ્તરી છે. હંસયુગલ સમી બન્ને નાવ ધીરે ધીરે સરી રહી છે. સંગીત અવકાશમાં ડૂબી ગયું.

માત્ર પ્રવાહનો કલકલ નાદ જીવતો હતો.