અમાસના તારા/પગચંપીનું પુણ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પગચંપીનું પુણ્ય

સાલ, મહિનો અને દિવસ મારા સ્મરણમાં સ્પષ્ટ છે, એ પ્રસંગ જેટલા જ. અમે મુંબઈમાં તાજમહાલ હોટલમાં ઊતર્યા હતા. નરેન્દ્રમંડળની એક સભા હતી. અમારા નીલમનગરના મહારાજા એ વખતે એની વ્યવસ્થાપક સમિતિમાં હતા. સવારસાંજ ધમાલ વધારે ને કામ ઓછું. રોજ રાતે મોટા ખાણાના મેળાવડાઓ, શરાબ અને સંગીતની મજલિસો. એટલે એક રાતે લગભગ મધરાત પછી હું મારા ઓરડામાં આવીને બહારનાં કપડાં બદલીને સૂવાની તૈયારી કરતો હતો. આખા દિવસનો થાક, જે કંઈ થતું હતું તેની ગમગીની અને મજલિસોનો કંટાળો. મન એમ કહેતું હતું કે કંઈ એવું કરવું કે આ બધું ભૂલી જવાય. રાતે ઊંઘ આવી નહીં. સવારમાં વહેલા ઊઠીને મહાદેવભાઈને સેવાગ્રામ ટેલિફોન કર્યો. બાપુને મળવાનો દિવસ અને સમય માગ્યો. એમણે તરત જ બાપુને પૂછીને મને બોલાવ્યો. આખી રાત જે કલકત્તા-મેલમાં વિતાવી તે હોટલ કરતાં ઓછી ખરાબ હતી. સવારે વર્ધા ઊતર્યો. સેવાગ્રામ જવા માટે એક આશ્રમવાસી બહેનનો સંગાથ મળી ગયો. વર્ધાની ઘોડાગાડી ધીરે ધીરે સેવાગ્રામ લઈ તો આવી. મને વિશ્વાસ નહોતો કે એ સલામત પહોંચાડશે. અગિયાર વાગ્યાનો ગાંધીજીને મળવાનો સમય હતો. પણ એ તો જમવાનો સમય નીકળ્યો. હું ગભરાયો એવો દોડ્યો મહાદેવભાઈ પાસે. એમણે કહ્યું કે તમારે જમતાં જમતાં જ બાપુ સાથે વાતો કરવાની છે. મારો જીવ હેઠો બેઠો. બાપુ આવ્યા. પ્રાર્થના થઈ. બેઠા જમવા. બાપુએ પોતાના વાડકામાંથી ડુંગળીનો એક દડો મને આપવા માંડ્યો. હું કાંદાનો દુશ્મન. નમ્રતાથી ના પાડી. ત્યારે ડોસાએ સંતરાની છાલની ચટણી આપી. કડવી લાગી એટલે રહેવા દીધી. દરમિયાન વાતો ચાલુ હતી. હું બોલતો જાઉં, બાપુ સાંભળતા જાય. જમી રહ્યા. ત્યાં દરેકે પોતપોતાની થાળીમાં એંઠું એકઠું કરીને થાળી સાથે ઊઠવાનો મનોરથ કર્યો. બા ત્યારે હયાત હતાં. એમણે મારા પહેરવેશ પરથી ધાર્યું કે હું કોઈ રાજા નહીં તો રાજકુમાર અથવા આખરે દીવાન કે એવું કંઈક તો છું જ. મેં કાળી શેરવાની અને સુરવાળ પહેરેલાં. શરદી સખત થઈ હતી એટલે ગરમ મફલર વીંટાળેલું. બાએ એક બીજી નોકર જેવી બાઈને આજ્ઞા કરી કે એણે મારી થાળી લઈ જવી. આ આજ્ઞા સાંભળીને બાપુ જે માત્ર મારી વાત સાંભળતા હતા તે બોલ્યા : “આ બા તમને રાજકુમાર ધારે છે. એટલે તમારી એંઠી થાળી પેલી બાઈ પાસે હવે ઉપડાવશે.” મેં તરત જ આજીજીભર્યા સ્વરે કહ્યું : “બાપુ, આ ગેરસમજણ પાંચ મિનિટ ચાલવા દો, પછી સત્ય કહેજો. નહીં તો મારા આ પહેરવેશ સાથે થાળીવાડકો અજવાળવાં પડશે.” બાપુ જોરથી હસી પડ્યા ને બોલ્યા : “હજી તમે જેવા હતા તેવા જ ખરાબ માણસ છો. પાંચ વરસમાં જરાય સુધર્યા નથી.” મેં હસતાં હસતાં આ અભિનંદન સાંભળી લીધાં.

જમીને અમે બાપુની ઓરડીના આંગણામાં ગયાં. ત્યાં એઓ આરામ કરવાના હતા. બાપુ સૂતા એટલે કુમારી અમતુલ સલામે પગ દબાવવા માંડ્યાં. ગાંધીજીએ મારી સામે જોયું. મેં ઇશારાથી કહ્યું કે આપણી વાતચીત વખતે કોઈ ના હોય તો સારું. એટલે ગાંધીજીએ પોતાના મીઠા સ્મિતથી અમતુલબહેનને કહ્યું : “અમતુલ, આ રજવાડી માણસ પાછો હાથમાં નહીં આવે માટે એને જ પગ દબાવવા દે. તું તારે નિરાંતે જા અને તારું કામ કર.” પગચંપી કરતાં કરતાં અમારી વાતો પૂરી થઈ. બાપુને આરામ થયો પણ એમની ઊંઘ ગઈ. બપોરની ઊંઘ એ ગાંધીજીની તબિયતને દૃષ્ટિએ જરૂરી વસ્તુ હતી. એ જતી કરીને એમણે સ્નેહભાવ બતાવ્યો. અંતરની ઉદારતાની એમની સખાવતને મર્યાદા નહોતી. આ દરિયાવદિલના સખાવતીએ સત્યને કાજે જિંદગીની પણ ખેરાત કરી દીધી.