અમાસના તારા/પોલ રિશાર : ત્યારે અને આજે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પોલ રિશાર : ત્યારે અને આજે

ન્યૂયોર્કમાં એક શુક્રવારે સાંજે પાંચ વાગે ભાઈ હરિ ગોવિલનો ટેલિફોન આવ્યો કે શનિ-રવિ મારે એમની સાથે ‘ગ્રાન્ડ વ્યૂ’ નામના ગામડામાં એમને ઘેર ગાળવાના છે. સાથે સાથે એ પણ સમાચાર આપ્યા કે એ વખતે શ્રી પોલ રિશાર પણ શનિ ને રવિ બન્ને દિવસો અમારી સાથે જ રહેશે. આ ખબરે મારા મનમાં કલ્પનાનો ઘુમ્મટ રચ્યો અને ઘણાં વર્ષોથી દબાયેલી સ્મૃતિ આપોઆપ ઊપસી આવી.

પોલ રિશારને પહેલાં જોયા હતા ઈ. સ. 1921ની અમદાવાદની કોંગ્રેસમાં. હું મળ્યો ત્યારે શ્રી શ્રીમતી સરોજિની નાયડુ સાથે વાતો કરતા હતા. સફેદ ટાગોરિયન ઝભ્ભો, લાંબા વાળ અને દાઢીમૂછો અને આંખોની શાંત તેજસ્વિતા. એ બધું જોતાં મને પ્રથમ તો રવીન્દ્રનાથ ટાગોરની જ ભ્રાંતિ થઈ. છબીનું આટલું બધું સામ્ય અજાણ્યાને આશ્ચર્ય પમાડે એવું હતું. મેં તો સરોજિનીદેવીને પણ પહેલીવાર જ જોયાં, એટલે એ વખતે મારી આંખો વિમાસણમાં પડી હતી. સરોજિનીદેવીનું ચારુ લાવણ્ય જોવું કે પોલ રિશારની શાંત તેજસ્વી પ્રતિભાને નમન કરવું એ તાત્કાલિક તો સૂઝ્યું પણ નહિ. અણઘડ જુવાનની જેમ હું તો સૌંદર્યનાં બન્ને સ્વરૂપોને માત્રજોઈ જ રહ્યો હતો.

પછી તો પોલ રિશાર, જૈન તપસ્વી શ્રીકેસર વિજયજી મહારાજને મળવા આવ્યા ત્યારે એમના વધુ પરિચયમાં આવવાનો લાભ મળ્યો. પોલ રિશારનું ત્યારે બેવડું આકર્ષણ હતું. પહેલું એમનું પોતાનું વ્યક્તિત્વ જ અસામાન્ય હતું. એમની તેજસ્વી, સૂક્ષ્મ ને ચંચળ પ્રજ્ઞા આંજી નાખે એવો સ્વૈરવિહાર કરતી. અને એમની ભાવોદ્રેકતા ગમે તેવા કઠણ હૃદયને પણ ભક્તજન બનાવી દે એટલી સમર્થ અને તીવ્ર હતી. બીજું આકર્ષણ એઓ શ્રીઅરવંદિ પાસે થોડાંક વર્ષ રહીને એમની સાથે સાથે ‘આર્ય’નું સંપાદન કરીને પોંડિચેરીથી પૂર્ણયોગનું રહસ્ય લઈને કદાચ આવ્યા હશે એવી માન્યતા હતી. આ ઉપરાંત તે વખતે એમનાં પત્ની શ્રીમતી મીરા રિશારે પણ શ્રીઅરવંદિની પૂર્ણયોગની સાધના સ્વીકારી હતી. વળી એવી અફવા પણ આવી હતી કે પતિપત્ની વચ્ચે સાધના વિષે મૂળગત મતભેદ થવાથી હવે બન્ને જણાં કાયમ માટે છૂટાં થવાનાં હતાં. આમ એમના નામની આસપાસ કૌતુકપ્રિયતાનો એક એવો અંચળો વીંટળાયલો હતો કે એને કારણે એમનું વ્યક્તિત્વ રહસ્યમય ને રંગદર્શી બની ગયું હતું.

એટલે એમની બધી વાતચીત વખતે, ચર્ચાઓ વખતે કે ધ્યાન વખતે હું જિજ્ઞાસુની મુગ્ધ વૃત્તિથી એમના વ્યક્તિત્વની પ્રતિભા પીતો. મને પણ એમનું આકર્ષણ બહુ જ ઊંડું હતું, એટલે વડોદરાથી એમની સાથે ભરૂચ અને ઝાડેશ્વરનો પ્રવાસ પણ માથે લીધો. આજે આ અનુભવોને પા સદી જેટલો સમય થયો છે, છતાં મારી સ્મૃતિનો ઢગલો વિખેરીને હું સ્પષ્ટ જોઉં છું કે મારા સમગ્ર માનસ ઉપર એમની અસર એક મનોજીવી મરમીની હતી. એમણે જ મારા અંતરનાં કમાડ ઉઘાડીને એમાં શ્રીઅરવંદિ વિષેની જિજ્ઞાસા રોપી હતી. એમાંથી જ આખરે ભક્તિનો છોડ ઊગ્યો અને હું શ્રીઅરવંદિની જીવનદૃષ્ટિનો કંઈક પ્રસાદ પામ્યો. મારે મન મીરા રિશાર જે તે વખતે એક ફ્રેન્ચ સાધક સન્નારી હતાં તેમણે મારા પોંડિચેરીનિવાસ દરમ્યાન માતાનું પાવનકારી સ્થાન લીધું. મારા જીવનમાં આવેલા એ અતિ સૂચક સમયરંગનો યશ શ્રી પોલ રિશારને છે.

આમ, મારા ભૂતકાળનાં સ્મરણોની પોટલી લઈને હું એ શુક્રવારની વરસાદ વરસતી સંધ્યાએ ‘ગ્રાન્ડ વ્યૂ’ પહોંચ્યો. ન્યૂયોર્કથી ગ્રાન્ડ વ્યૂ લગભગ પંદરેક માઈલ હશે. જ્યોર્જ વોશંગ્ટિન પુલ ઉપર થઈને જતી બસનો એ આખોય રસ્તો બહુ જ રમણીય છે. જીવન નિચોવી નાખનારા ન્યૂયોર્કના ભયંકર ઝડપભર્યા અને ધમાલિયા વાતાવરણમાંથી પુલ ઓળંગીને જ્યારે આ બસ ન્યૂજર્સી સ્ટેટની હદમાં થઈને હડસનને કિનારે કિનારે ચાલી જાય છે ત્યારે તે શાંતિ અને નિર્જનતાને માટે મન તલસી રહ્યું હોય છે તેનો જ સાક્ષાત્કાર થાય છે. મુક્ત આકાશ નીરખવા ટેવાયેલી મારી દૃષ્ટિની વચ્ચે આવતા ન્યૂયોર્કના આકાશી મહેલોનો અહીં સદંતર અભાવ જોઈને મારું હૈયું હરખાતું હતું. પિયરમોન્ટ ગામથી સહેજ આગળ તો મલપતી હડસન વિશાળ પટ ધારણ કરીને જાણે સાગરની સખી હોવાનો ગર્વ કરે છે. આ માનિની સરિતાને હું જરા દૃષ્ટિ ભરીને નીરખું ન નીરખું ત્યાં તો હરિ ગોવિલનો સફેદ મહેલ આવી પહોંચ્યો.

ટેકરી ઉપર ઊભેલો આ સફેદ મહેલ કંઈ હરિ ગોવિલનો પોતાનો નથી. હરિ તો અહીં સ્વજન તરીકે રહે છે એટલું જ. એના માલિક તો છે શ્રી વાસુદેવ ભટ્ટાચાર્ય. એમનું લાડનું નામ તો પંડિત આચાર્ય, અને એ જ નામે એ આખા અમેરિકામાં વિખ્યાત છે. હિંદના આદિ ક્રાંતિકારોમાંના એક શ્રી ખુદીરામ બોઝના સાથીદાર આ વાસુદેવ ભટ્ટાચાર્ય પાંત્રીસ-ચાળીસ વર્ષ પહેલાં અમેરિકા નાસી આવ્યા હતા. આજે તો એ અમેરિકાના નાગરિક છે. પ્રાણાયામના આચાર્ય છે, ઘણા અમેરિકન રાજપુરુષો અને સંસ્કારી શ્રીમંતોના મિત્ર છે. પણ સૌથી વધુ તો એ અમેરિકા આવતા હિંદીઓનું મોટું આશ્વાસન છે. એમને વિષે જુદો લેખ લખી શકાય એટલી રોમાંચક એમના જીવનની કથા છે.

આ સફેદ મહેલના બગીચામાં ચારછ ખુરશીઓ પર જુદાં જુદાં સ્ત્રીપુરષો બેઠાં છે. વરસાદ રહી ગયો છે અને હડસનની પેલે પાર ઝૂકી રહેલી ક્ષિતિજમાંથી ચંદ્ર નીકળીને ઊંચે આવ્યો છે. તારાઓ વિનાના નિરભ્ર નિરંકુશ આકાશમાં ચંદ્રની એકલતા પૃથ્વી ઉપર શૂન્યતા બનીને ટપકી રહી છે. એ શૂનકારને વેધતો હરિનો અવાજ આવ્યો : ‘આવો આવો, પોલ રિશાર ક્યારના તમારી વાટ જુએ છે.’ જોયા પૅલ રિશાર. હાથ મેળવ્યા. ચાંદનીના અસ્પષ્ટ અજવાળામાં આંખો પણ મળી. તદ્દન જુદું જ સ્વરૂપ. દેહ તો એ જ, પણ એનો ઘાટ જ જુદો. છેલ્લામાં છેલ્લી ઢબનાં કોટપાટલૂનમાં સજ્જ થઈને, બહુ જ ખૂબીથી બાંધેલી રંગીન ટાઈની નોટની ઉપર ઝૂકી રહેલા ચિબુકને આંગળી અડકાડીને જીવંત નરદેહ ઊભો છે. એ જ અણિયાળું નાક, વિશાળ કપાળ, નાના વાળ, સફેદ ભરાવદાર મૂછો અને ચમકતી ચકોર આંખો. એ જ મૃદુ મોહક અવાજ. 1921માં જોયેલા ઋષિ જેવા, કવિ જેવા અને કંઈક અસામાન્યતાની છાપ પાડનારા પોલ રિશાર, અને આજે સૌમ્ય, સજ્જન અને તદ્દન સામાન્યતાનો પડઘો પાડનાર પોલ રિશાર! પણ માણસથી ઓછું કંઈ ભૂતકાળમાં જિવાય છે? જીવવાનું તો એને વર્તમાનમાં જ ને? એટલે હું ગઈ કાલ છોડીને આજમાં ઊતરી આવ્યો.

પછી તો સાથે જમ્યા અને આખી રાત ગુફતેગો કરી. હરિ ગોવિલ તે મધરાતે હારીને સૂઈ ગયા. પશ્ચિમનાં સાહિત્ય, કલા અને ફિલસૂફીનો એમનો જીવંત અભ્યાસ, પૂર્વની વિચારણા સાથેની એમની મહોબ્બત, પૂર્વ અને પશ્ચિમની સંસ્કારિતાનો વિવેકભર્યો સમન્વય, – ઈશ્વર એ વ્યક્તિ નથી પણ સત્ત્વ છે એ સિદ્ધાંતના પાયા ઉપર રચાયેલી આખી ચંતિનધારા, અને આ માન્યતાનું પ્રતિપાદન કરવા મથતી સૂક્ષ્મ બુદ્ધિ, એ બધું અનુભવીને બાહ્ય સ્વરૂપે બદલાયેલ પોલ રિશાર અંતર સ્વરૂપે તો હતા એવા જ લાગ્યા : બુદ્ધિના વર્ચસ્વથી મનોજીવી મેધાવી; મરમી થવા મથતા જીવનના અનુભવી લડવૈયા, સંઘર્ષમાંથી સંવાદિતા સર્જાવવાની કોઈ અંતરપ્રેરણાની ચાવી શોધતા, હૃદયશાંતિ માટે આકાશપાતાળ એક કરવું પડે તો કરવાની મુરાદ સેવતા આ બુદ્ધિના બાઉલે મારા અંતરમાં પડેલા શ્રીઅરવંદિ વિષેના પ્રેમને પણ છેડી જોયો. જે જિજ્ઞાસા એમણે પા સદી પહેલાં વાવી હતી તેમાંથી એમણે આસ્થા ઊગેલી જોઈ. એમની જે શંકા હતી તે જ મારી શ્રદ્ધા હતી.

આ શ્રદ્ધાપૂર્વક મારા અંત:કરણે શ્વાસ હેઠો મૂક્યો. પોલ રિશાર ત્યારે હતા તેવા જ આજે છે.