અરૂપસાગરે રૂપરતન/કૃતિ-પરિચય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અરૂપસાગરે રૂપરતન

હવે પછીનાં પાનાંમાં એક નિબંધ-સર્જકના અંતરંગમાં આપણે પ્રવેશ કરવાના છીએ. આ 30-40 ટૂંકા ગદ્ય-આલેખોમાં મોટી સમૃદ્ધિ ભરેલી છે. અહીં પ્રકૃતિનો ઊંડો આહ્લાદ છે, પંખીઓ અંગેનું કુતૂહલ અને જાણકારી છે, અહીં વ્યિક્ત-સંબંધોની ઉષ્મા અને ધન્યતાના અનુભવો છે.

બાળકની સામે પહેલી વાર ખૂલતા વિશ્વનું વિસ્મય એક કવિએ ‘નાની મારી આંખ એ જોતી કાંક કાંક, એ તો કેવી અજબ જેવી વાત છે!’ એને શીર્ષક તરીકે લઈને યજ્ઞેશ દવેએ એક નિબંધમાં આ વિરાટ વિસ્મયજગતનાં નકશીદાર મનોરમ ચિત્રો આલેખ્યાં છે. બીજા ઘણા નિબંધોમાં પણ એ સૂર રેલાયો છે – એમાં આપણે પણ એવા જ વિસ્મયાનંદથી દાખલ થઈ શકીએ.

શિયાળા-ઉનાળાનાં રૂપો આલેખનાર આ નિબંધકારે સવાર-બપોર-સાંજના રૂપવૌવિધ્યને પણ કવિના સંવેદનથી – પણ કવેતાઈ કર્યા વિના – આલેખ્યું છે. લેખકની અંગતતા પાંચે ઇદ્રિયોના સ્વાદથી ઊઘડી છે. પ્રકૃતિના જેવી જ ચાહના લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતની પણ છે, સ્પર્શની ને સ્વાદની પણ છે. આ પુસ્તકમાં વરિષ્ઠ લેખકો સાથેના વ્યિક્ત-સંબંધો વિશેના નિબંધો આગવા છે – લેખકની ચેતનામાં ઝિલાયેલા ઉમાશંકર જોશી, સુરેશ જોષી, મધુસૂદન ઢાંકી સાથેના સંબંધ-પ્રસંગો તાદૃશ બને છે અને લેખકની સંપ્રજ્ઞતા સાથે એમાં ભાવાદ્રર્તા પણ ઊપસે છે.

સર્જકનું અનેક રૂપવાળું સંવેદન-જગત અહીં ઉપમાઓ અને કલ્પનોથી મૂર્ત થયું છે અને સુષમ ગદ્યથી રજૂ થયું છે.

વાચકને એમાં પ્રવેશવા એ નિમંત્રણ આપી રહ્યું છે.