અરૂપસાગરે રૂપરતન/તમારી સાથે થોડીક વાતો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


તમારી સાથે થોડીક વાતો

આપણો લોકવ્યવહાર ભલે ચાલતો હોય ગદ્યમાં પણ ગદ્ય લખવું સહેલું નથી તે તો કલમ ઉપાડી ત્યારે જ સમજાઈ ગયેલું, ગદ્ય એ કવિ માટે જ શું કામ કોઈ પણ માટે કસોટીરૂપ છે અને સર્જનાત્મક નિબંધોમાં તો તે વધારે. અહીં તો પરથમ પેલા મસ્તક મૂકવું પડે. કાચના ઘરમાં એકલા રહેવા જેવું છે આ. અર્થવહન કરવો, ચેતનાને ઝીલવી, રૂપ અને છટા વિકસાવવી, બેવડે ત્રેવડ દોરે નહીં અનેક દોરે કામ કરવું પડે. અને આ સર્જનાત્મક નિબંધો તો છે ય બેશરમ. તમનેય જાણ ન હોય તેમ તમારા વ્યક્તિત્વના કેટલાંય પાસાઓને ઉઘાડાં પાડી દે, છાપરે ચડી વગોવે. જાત ખીલવણી છે તો જાત વગોવણી પણ છે. આમાં સલૂકાઈથી સિફતથી કામ લીધે ન ચાલે આમાં તો જાત સાથે ચોખ્ખાં જ રહેવું પડે.

આવા બધાં જોખમોનો ખ્યાલ તો હતો જ. પણ કયો સાહસવીર રસ્તામાં આવનારી વિટંબણાઓને નજર અંદાજ કરી આંધળુકિયા ન કરતો હોય ? સાહસ તો કરવું જ પડે. હું જ મારી સામે વરસોથી બીડું ફેરવતો હતો. ઉપાડતો ન હતો. બકુલે ઇજન આપ્યું અને પાનો ચડ્યો. ગદ્યનું ગૌરીશિખર ભલે ન ચડ્યો હોઉં ગદ્યના અનેક જનપદો, ખીણોમાં, શિખર પછી શિખર પછી શિખર પછી ઉપત્યકામાં, વિહરવાની મજા પડી છે. નજર સામે છે ‘હજી નવા શૃંગો’. મારા જેવા અજાણ્યા લેખક માટે વર્તમાનપત્રમાં લખવું એટલે અંધારામાં તીર ફેંકવા જેવું કામ. ક્યાં કોને પહોંચે છે કોને ખબર ? હા, વચ્ચે વચ્ચે બકુલ મળે, લખે, ફોન કરે ત્યારે આનંદ પ્રગટ કરે. હું મારા કામથી અને તેનાથી જ સંતુષ્ટ. ચિત્તમાં કેટલું બધું ઝીલતું હોય છે, ધરબાયેલું પડ્યું હોય છે, અંદર જ આળસ મરોડતું બેઠું હોય છે તેનું આશ્ચર્ય તો આ બધું લખતી વખતે જ સામે આવ્યું. બ્રહ્મ જો બ્રહ્મ પાસે લટકાં કરતુ હોય તો આપણેય આપણી સામે શા માટે ન કરવાં ? મને તો આ નિબંધો લખવાની મજા આવી તે લટકામાં.

– યજ્ઞેશ