અર્વાચીન કવિતા/કેશવરામ હરિરામ ભટ્ટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કેશવરામ હરિરામ ભટ્ટ
[૧૮૫૧ – ૧૮૯૬]
(કેશવકૃતિ ૧૮૯૯)

કેશવરામ હરિરામ ભટ્ટ આ ગાળાના એક અચ્છા પદલેખક છે. તેમની ‘કેશવકૃતિ’નાં ૫૦૦ પૃષ્ઠમાં તેમની આધ્યાત્મિક અને લૌકિક બંને રીતિનાં કાવ્યો જોવા મળે છે. તેમનાં આધ્યાત્મિક કાવ્યો પ્રમાણમાં વધારે છે, પણ બંને પ્રકારનાં કાવ્યો તેમણે સરખી સફળતાથી લખ્યાં છે. દલપતરીતિની સફાઈ તથા અર્થચાતુર્ય એમનાં કાવ્યોમાં સર્વત્ર જોવામાં આવે છે. તેમનામાં કટાક્ષ કરવાની પણ સારી શક્તિ છે. ‘હાય હાય રે હિંદુપણું જાય હાલ્યું, બૂટ પાટલૂને ઘર ઘાલ્યું રે’ એ પંક્તિથી શરૂ થતું તેમનું કાવ્ય જાણીતું છે. પણ તેમનો કટાક્ષ સુધારાનાં કેટલાંક અપલક્ષણો વિશે વિશેષ છે. ‘સદ્‌ગુણની મેળવણી’ વિનાની ‘કોરી કેળવણી’ ઉપરનો કટાક્ષ એમનાં આ પ્રકારનાં કાવ્યોમાં સૌથી સારું કહેવાય તેવું છે. કેશવરામનું ખરું મહત્ત્વ તેમનાં આ કાવ્યો પર નહિ પણ આધ્યાત્મિક વિષયનાં પદો ઉપર છે. વૈરાગ્ય, ઈશ્વરસ્તુતિ તથા આધ્યાત્મિક વિચારો એ મથાળાં હેઠળ તેમણે સંખ્યાબંધ પદો લખેલાં છે. દરેક વિભાગમાં અમુક એક જ વિચાર કે ભાવ જુદી જુદી રીતે આવ્યા કરે છે, પણ તેમ છતાં કેટલાંક પદો સુંદર કળાત્મક બની શક્યાં છે. તેમનાં ઈશ્વરસ્તુતિનાં પદોને ભોળાનાથનાં પદોની સાથે સરખાવી શકાય. આ કવિએ દૈન્યભાવ ઘણો સારી રીતે ગાયો છે. ભોળાનાથ કરતાં એમનાં પદોમાં લાવણ્ય વિશેષ છે અને હૃદયની આર્દ્રતા વિશેષ પ્રમાણમાં વ્યક્ત થયેલી છે. કવિની ભાષામાં તળપદા અંશો આવવાથી તેમાં એક જાતની તાજગી દેખાય છે તથા લોકવાણીનું બળ પણ પ્રગટે છે. દલપતરીતિની યમકાદિની જંજાળમાં કવિ ક્યાંક ક્યાંક દયાજનક રીતે સપડાઈ પડે છે. છતાં તેની વાણીની શિષ્ટતા અને સફાઈ બહુ ધ્યાન ખેંચે તેવી છે. કવિમાં વર્ણસંગીત તથા અર્થના ચારુત્વનો ઘણી વાર સુંદર મેળ જોવા મળે છે. જેમકે,

કનકના રંગનાં કમળના કુંજમાં, હેતુથી હંસની સાથ સૂતો,
કનકની પાંખ ને કનકની ચાંચને નિત્ય માણિક્યની માંહિ લૂતો.
માનસરમાં થયો માનસરમાં રહ્યો, પ્રકટ છે પુષ્ટતા તાત ત્યાંની,
હંસ થઈને કરે કાગડાનું અરે કામ, નાદાન એ રીત ક્યાંની?

ઘરગથ્થુ બોલીના પ્રયોગથી કવિ કેટલીક વાર સારું અર્થબળ દાખવે છેઃ

લખૂડી લખલખ કર મા, ભજ ભાવે ભગવાન,
તર આવી છે તક આ તુંને મેલ સલૂણી માન,
વિવિધ વિષયનાં વર્ણન વખતે ભૂલ ન ભોળી ભાન,
નવ બોલ્યામાં નવ ગુણ એવું કેમ ન સમજે સાન?

કવિની આખી કૃતિ કળાત્મક એકાગ્રતાવાળી હોય એવું થોડું બને છે. માત્ર ટૂંકાં ભજનોમાં એ બની શક્યું છે. આવાં ટૂંકાં ભજનો આ કવિનાં ખૂબ લોકપ્રિય થયેલાં છે. એમાં જૂના રૂઢ વિચારોને તથા ભાવોને કવિએ નવી શૈલીથી તાજા બનાવી મૂક્યા છે એ કવિની મોટી સફળતા છે.