અર્વાચીન કવિતા/હરગોવનદાસ દ્વારકાદાસ કાંટાવાળા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
હરગોવનદાસ દ્વારકાદાસ કાંટાવાળા

પાણીપત અથવા કુરુક્ષેત્ર (૧૮૬૭), વિશ્વની વિચિત્રતા (૧૯૧૩) જેમના નામની સાથે કવિતાનો બહુ સંબંધ જોડાયો નથી એવા જાણીતા સાક્ષર હરગોવનદાસ દ્વારકાદાસ કાંટાવાળાને નામે બે કૃતિઓ અને તે ય એકબીજાની વચ્ચે છેતાળીસ જેટલાં વર્ષોના ગાળા પછી જોવા મળે છે : ‘પાણીપત અથવા કુરુક્ષેત્ર’ અને ‘વિશ્વની વિચિત્રતા’. અંગ્રેજી લેખકોના ઇતિહાસ પરથી આધાર લઈને લખાયેલા પહેલા પુસ્તકમાં કુલ છ લડાઈનાં વર્ણન છે અને સાતમી વહેમ સુધારાની લડાઈ જે હજી થવાની છે તેની આગાહી છે. લેખકની શૈલી ઝડઝમકથી મુક્ત અને સીધી હોઈ તેનામાં સ્વતંત્ર નિર્મળ વ્યક્તિત્વ છે. તેમની ભાષા રુક્ષ છે, ક્યાંક ક્યાંક ગ્રામ્ય પણ છે. શૈલી સફાઈ વગરની બરછટ છે છતાં તેમાં તાકાત છે. ગુજરાતી ભાષાની અતિ તળપદી ઉક્તિઓ કાવ્યને હિંદની વિશાળ ઐતિહાસિક ભૂમિમાંથી ખસેડી ગુજરાતમાં લઈ આવે છે. તોપણ આ આખું કાવ્ય હૃદયંગમ છે અને ઇતિહાસના વર્ગોમાં વિદ્યાર્થીઓને વંચાવવા જેવું છે. સદાશિવ ભાઉ અને અબદલ્લીના યુદ્ધવર્ણનમાં લેખકની બધી લાક્ષણિક શક્તિ દેખાય છેઃ

પડ્યા રજપુતો તુટી જોરથી લિધા ઘેરી શત્રુઓ રણે,
ઉરાડિ મુક્યાં થોર દીંગલાં, જેમ વાઘ બોકડાં હણે
જેમ પાળિએ કાપે કોળાં તલવારો ઝટ ઝટ્ટ ફરે,
જેમ દૂધિને છૂંદે પાળી ભાલા ભછોભછ પડે.

કાવ્યની વચ્ચે વચ્ચે પાણીપતને ખૂબ સંબોધનો છે; હિંદુઓના દોષો, કુસંપ વગેરે ઉપર સખત કટાક્ષભર્યા ફિટકાર છે. હારેલા રજપૂતોનું અફીણશૂરત્વ બહુ અદ્‌ભુત કટાક્ષથી કવિ વર્ણવે છે :

કાળિ ઘોડિ જે અમલ કહાવે સ્વાર થવાને હવે લહી,
ખાય બગાસાં ખરે હણહણે વખતસરે જો મળે નહી!
તંબાકુ તે ગોળિ સમજીએ ગડગડ બોલે થાય અવાજ!
પલંગ રણ પર કરે લઢાઈ ધૂણી ગોટેગોટ જણાય.
બુદ્ધી રણમાં પડી ગોળિયે, શૌર્ય થયું દીસે ઘાયલ!
માથું રે’ ધડ પર ચોટ્યું પણ પડે પાઘડું ડફ હેઠળ!

અબદલ્લી સાથેના યુદ્ધને અંતે યમુનાને કરેલા સંબોધનમાં કવિની વાણી આર્દ્ર બને છે :

ખરે તું જમના સહુ જાણે છે, પાણીપત્તની પાસ રહી,
કેવું હિંદુને દુઃખ પડ્યું છે, વાત કહે નવ જાય કહી.
કે’ બે વાનાં પાણિપત્તને બાળકને છે’ નવ દીજે,
વાંક કદાપિ હોય તથાપિ સમજાવી ચલવી લીજે.

પોતાના બીજા પુસ્તકમાં લેખક ધાર્મિક-સામાજિક વિષયો પર કટાક્ષાત્મક વિવેચન કરવા ઇચ્છતા લાગે છે, પણ કટાક્ષ એકધારો નથી રહ્યો. વિગતો ખૂબ લીધી છે, પણ તેમાંથી કોઈ એક વિચાર પ્રધાન રૂપે નીપજતો નથી.