અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/આત્માનાં ખંડેર સૉનેટમાલા: ૬. કુંજ ઉરની

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આત્માનાં ખંડેર સૉનેટમાલા: ૬. કુંજ ઉરની

ઉમાશંકર જોશી

શ્વસે શૃંગે શૃંગે યુગ યુગ તણા શ્રાન્ત પડઘા,
અને વ્હેતી તાજી ઝરણસલિલે આદિકવિતા,
તળાવોનાં ઊંડાં નયન ભરી દે કાલની દ્યુતિ,
રચે બીડે ઘાસે પવન ઘૂમરીઓ સ્મિત તણી;
દ્રુમે ડાળે માળે કિલકિલી ઊઠે ગીતઝૂલણાં,
લતા પુષ્પે પત્રે મુખચમક ચૈતન્યની મીઠી;
પરોઢે-સંધ્યાયે ક્ષિતિજઅધરે રંગરમણા,
— મને આમંત્રે સૌ પ્રણય ગ્રહવા વિશ્વકુલનો.

નહીં મારે રે એ પ્રકૃતિરમણીનાં નવનવાં
ફસાવું રૂપોમાં, પ્રણય જગને અર્પણ કર્યો.
મનુષ્યો ચાહે કે કદી અવગણે, કૈં ન ગણના;
રહું રાખી ભાવો હૃદય સરસા, સૌ મનુજના.
મને વ્હાલી વ્હાલી કુદરત ઘણી, કિંતુ અમૃતે
મનુષ્યે છાયેલી પ્રિયતર મને કુંજ ઉરની.

મુંબઈ, ૨-૯-૧૯૩૫