અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/વૃષભાવતાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વૃષભાવતાર

ઉમાશંકર જોશી

પૃથ્વી આ જ્યારે વસવા માંડી,
                           — આદી કાળની વાત, —
પ્હેલવ્હેલાં જે માનવી ભોળાં
                           ના જાણે રીત કે ભાત.

                  કેટલું ખાવું, ક્યારે ન્હાવું,
                  કોને એ બધું પૂછવા જાવું?
                  એક શાણો કહે, ‘શીદ મૂંઝાવું?
                           જાચીએ જગનો તાત.’

કૈલાસ પર્વતે શિવ ને ગૌરી
                  બેઠાં ગોઠડી કરે,
ગૌરવ નિજ વાગોળતો દ્વારે
                  નંદી પ્હેરો ભરે.

         હાલકહૂલક માનવટોળું
         આવી તહીં ઊભરાયું બ્હોળું
         ‘જય ભોળા! જય!’ — નાદથી ડ્હોળું
                  આભ જાણે થરથરે.

કંપાવી કાંધ ને પૂછ ઉછાળી
                  નંદી સૌને પૂછેઃ
‘આટલો શોર તે શાને મચાવો?’
                  એવું કારણ શું છે?

         ‘અમે ન જાણીએ ક્યારે ખાવું,
         ક્યારે ન વળી ધોવું-ન્હાવું.
         પ્રભુ વિના દુઃખ ક્યાં જઈ ગાવું?
                  આંસુ બીજું કોણ લૂછે?’

‘શિવજીનો તો ગૌરી સાથે
                  ચાલે છે સંલાપ;
કહો તો હું જઈ પૂછી આવું.’
                  ‘પૂછી આવોને બાપ!’
         ગૌરીની ચાલતી દલીલઃ ‘હરજી!
         વળી આ માનવસૃષ્ટિ ક્યાં સરજી?’
         વચ્ચે નંદીની સુણીને અરજી,
                           દેવે દીધ જબાપઃ

         ‘ત્રણ વાર ન્હાય,
         એક વાર ખાય.’
પૂછ ઝુલાવતો, માથું હલાવતો,
                  નંદી ગૌરવભાવે
સંદેશો દેવનો ગોખતો ગોખતો
                  ડોલતો ડોલતો આવેઃ

         ત્રણ વાર ન્હાય,
         એક વાર ખાય.
         ત્રણ વાર ન્હાય,
         એક વાર ખાય.
         એક વાર ન્હાય,
         ત્રણ વાર ખાય.

ઊલટાસૂલટી બોલ થઈ જાય,
                  બોલતો બોલતો આવેઃ

         એક વાર ન્હાય,
         ત્રણ વાર ખાય.

         એક વાર ન્હાય,
         ત્રણ વાર ખાય,
પૂછવા માનવટોળું સામે ધાય,

         ‘બોલો શો સંદેશો ક્‌હાવે?’
                  ‘એક વાર ન્હાય,
                  ત્રણ વાર ખાય.’
                           — નંદી બોલ્યો વાણી;

સુણીને માનવી સંતોષ પામ્યાં
         પ્રભુની આશા જાણી,
સાંજ સમે થઈ ગોઠડી પૂરી,
         શિવ ને ગૌરી બેય
બ્હાર આવ્યો, સૌ સૂનું દીઠું,
                  નંદી બેઠો છેય.

શિવના મનમાં જરા અંદેશો—
‘નંદી તેં શો દીધ સંદેશો?
‘દીધો બીજો હોય ઉત્તર મેં શો?
                           પૂછવાનું શું એય? —
                  એક વાર ન્હાય,
                  ત્રણ વાર ખાય.’
‘માનવીની તે જિન્દગી, નંદી,
                  કરી દીધી શી ઝેર?
ખાઈ ખાઈ બધું ખુટાડશે ને
                  વસ્તીનો વધશે કેર.
અરે ભોળા, તેં આ શું કીધું?
એક વેળાનું જ અન્ન મેં દીધું.
ત્રણ વેળા સુધી એટલું સીધું
                           પ્હોંચે તે કઈ પેર?’

આંખો મીંચીને ડોલતો નંદી
                  થઈ ગયો ઊંચે કાન,
ખોંખારી શિવે ન્યાય સુણાવ્યોઃ
                  ‘ના તેં રાખ્યું કૈં ભાન.

તો હવે જા, ધરતી પર અવતર,
ધૂંસરી કાંધે ઉપાડી, ખેતર
ખેડ, મનુજના કોઠડા ભર.
                  પોષજે એના પ્રાણ.’

તે દીથી નંદી ભૂતલ ઉપર
                  બળદ થઈને ફરે,
શિવદ્વારે મસ્ત ડોલવું છોડી,
                  ધૂંસરી ઊંચકી મરે.

ત્રણ ત્રણ વેળા ખાતાં માનવ
વધ્યાં, ધરામાં ન માતાં માનવ,
ખાઉં ખાઉં કરે ન ધરાતાં માનવ,
                  એને કંઈ દાણો પૂરે.

અમદાવાદ, ૧૨-૩-૧૯૫૯
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૬૯૯)


આસ્વાદ: ‘વૃષભાવતાર’ વિશે — રતિલાલ બોરીસાગર