અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગજેન્દ્ર બૂચ/અધૂરું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અધૂરું

ગજેન્દ્ર બૂચ

અધીરી આંખોમાં ક્યમ પરમ સૌંદર્ય ભરવાં?
અધૂરી પાંખો આ ગગન મહીં મારે વિહરવાં;
ઘડીમાં મીંચાતાં નયન, મુજ પાંખે, પ્રબળ ના—
સમાવું શી રીતે જીવન સઘળાં એક પળમાં?

અમીના કૈં પ્યાલા અધર અડકીને ઢળી જતા,
તરંગોના રંગો ઊડી ઊડી ઉષા-શા ગળી જતા;
મરુભૂમિમાં જો મૃગજળ રહ્યાં દૂર દમતાં—
અધૂરાં એવાં કૈં જીવન સમણાં જેમ શમતાં.

પ્રભો! દીધાં તેં શું રસજીવનનાં દાન અમને?
પ્રભો! તેં પાયા શું તુજ પરમ પીયૂષ અમને?
અમી એ ચાખ્યાં ને તરસ ઉરની જાય વધતી—
હવે કાં ઝંખાવે? — અમૃત તણી તૃપ્તિ નહિ થતી.

પ્રભો! ના જો નિભાવે તો લગની ન લગાડતો;
લગાડી શોખ સ્વપ્નાંનો, જગમાં ન જગાડતો.

(ગજેન્દ્રનાં મૌક્તિકો, સંપા. રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક, ૧૯૨૮, પૃ. ૬)