અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચન્દ્રકાન્ત ટોપીવાળા/ચીલ
Jump to navigation
Jump to search
ચીલ
ચન્દ્રકાન્ત ટોપીવાળા
(પૃથ્વી સૉનેટ)
ભૂરો પટ વિરાટ ચોતરફ વિસ્તર્યો આભનો
ન એક પણ વાદળી, નહિ જ નામનીયે હવા
ખસે ન તડકો પડ્યો તસુય, એમનો એમ છે
બધું જ બસ નિસ્તરંગ, નરી વ્યાપ્ત નિઃસ્તબ્ધતા!
ન કોઈ ચિચિયારી કે ન ફફડાટયે પાંખનો
અબોલ ચકરાય ચીલ બહુ એકલી એકલી
ઘૂમે વળી વળી ઘૂમે, વળી વળી ઘૂમે, વર્તુળો —
રચે, વળી વળી રચે, વળી વળી રચે વર્તુળો —
પડે અરવ આવીને અરવ આ પડે વર્તુળો
નીચે વિજનમાં ખડો બસ ખડો ઝીલું વર્તુળો
વીંટાય રવહીન આવી બહુ વર્તુળો, વર્તુળો
ભીંસાય મન, એકલાપણું અદમ્ય ચાકે ચઢે!
હજીય ચકરાય છે ઉપર ચીલ ત્યાં એકલી
અને અહીં હું એકલો પરિત ચક્રવાતો ઘૂમે!
શબ્દસૃષ્ટિ, એપ્રિલ