અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચિનુ મોદી `ઈર્શાદ'/'વિ'નાયક' (પસંદગીના શ્લોકો)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


'વિ'નાયક' (પસંદગીના શ્લોકો)

ચિનુ મોદી `ઈર્શાદ'

તળેટીની ટોચે નિતનિત જવું ને ઊતરવું
અને પાછા, થાકી, શિખર ચડવું એ જ અઘરું,
ચડાવો હાંફીને કઠણ પથરો પ્હાડ પર, ત્યાં
તમારી સામે એ તરત પડતો કારણ વિના;
તમારા હાંફ્યાના શ્રમિતપડઘા, પથ્થર થતા
તમે તે શાપેલા સ્વજન વહતા કષ્ટ બમણાં. ૫

તમારે શા માટે ઊતરચડના દાવ રમવા?
તમારે શા માટે જડસજડ આ બોજ ખમવા?
નિરાંતે બેસીને પગ પર ચડાવો પગ તમે
થયું શિક્ષા જ્યારે જીવતર, જીવ્યું કેમ જ ગમે?
હજી, ઠંડું લોહી ત્વરિત કરવા ચાબુક થશો?
ફરે શ્વાસે શ્વાસે કરવત છતાંયે ધબકશો? ૬

ફરે ધોળા દા’ડે જનવિજનમાં ફાનસ લઈ
કરે ખાંખાખોળા સુજન, પણ, ના ક્યાંય જ જડે,
મળી ત્યારે તાજા-ખબર, અખબારી ઢબછબે
હણાયો હત્યારો હિટલર, હવે ઈશ્વર નથી,
નથી એક્કે જૂનાં નડતર છતાં કંપિત તમો
હજી આ રોજિંદી ઊતરચડનો બોજ જ ખમો? ૯

તમે પ્રાણીબાગે અપરિચિત જોઈ ઝઘડજો,
ચડાવી, ઉશ્કેરી ધસમસ ધસે એમ કરજો,
છરાને ખોસાવી સરલ કરજો મોત, પણ આ
ચમત્કારોભૂખ્યું મન ફગવજો કેમ કરતાં?
ગળે પટ્ટો, પીઠે વજન વહશો? માલિક કરે
તુમાખીમાં આજ્ઞા, અમલ કરશો શેષ સમયે? ૧૧

વધે રોગે સંખ્યા ત્વરિતગતિમાં શ્વેતકણની
તમે મૂકી રાખ્યું શબ પણ વધે એમ કદમાં,
વિચારોની પેઠે તડતડ તૂટે ભીંત ઘરની
હવાને ચીરી એ ધસમસ ધસે છે નગરમાં.
મકાનો, શેરીઓ, સડક પણ નાસે ઊડકીને
ઝળૂંબે જામે કે બધિર નભ બીજું, શિર પરે. ૨૫

ખભે બેસે, કૂદે, કપિવત્ કરે કૈંક નખરાં
કટાક્ષે વીંધે છે ખડખડ હસી ન્યાયસરનાં
ભરે પહેરો રાત્રિ-દિવસ, શઠવૈતાલ કડક
જુએ ઝીણી આંખે ગુપિત વલયો, સર્વ વલણ.
તમે બેચેનીમાં અવિરત રહો છો ભીતરથી,
તમે જોવાતા ને પલપલ મપાતા ઇતરથી. ૩૧
તમે જ્યારે જાગ્યા, અફસર દીઠા છેક ઘરમાં

તમારી સામે એ ધરપકડ વૉરંટ ધરતા,
તમે ઊંચાનીચા, પડપૂછ કરો રોષિત બની
‘ગુનો મારો શું છે?’ જડભરત કહે, ‘જાણ જ નથી.’
રજાના દા’ડાએ, હુકમસર માથે ચડવતા
કચેરી લેખાતા હવડ ઘરમાં અંદર જતા. ૩૨

રજોટી ચોંટેલો પવન ફરતો મંથર પગે
તૂટેલી જ્યાં ને ત્યાં કરચ તડકાની તગતગે.
પરાના મહોલ્લામાં ખખડધજ માળે સુનવણી
પડે લાંબી લાંબી મુદત પણ, માગ્યા વગરની,
ગરાજે, ગોદામે, વિધવિધ સ્થળે એમ જ, સખા
બધાં માથે ચાલે સતત ખટલો કારણ વિના. ૩૩

તમે પોતાને શું કમલવત્ નિર્દોષ ગણશો?
તમારો વીતેલો સમય પણ ના યાદ કરશો
હણ્યો, ખીલા ઠોકી જનસમૂહ સામે પુરુષને
તમે ત્યારે ડૂબ્યા સતત દુખતી દાઢ જ વિશે.
ખીલાઓ ઠોકાતા ઠકઠક નહીં રક્ત વહતું
તમારી પીડાના ચલિત પડઘાને થીજવતું. ૩૪
હતો વર્ણ કાળો, મુખ સખત, વાણી સમજણી
વિચારે તેજાબી, નગરજન સાથે રસ લઈ
બજારે, શેરીમાં, સડક પર એ વાત કરતો.
સવાલો પૂછીને જડસુ મન સાથે ઝઘડતો,
ડરેલા કંપેલા, કપટ કરતા શાસક, અહો
ખલાસીને સોંપે વિધિવત્ પછી ન્યાય કરવો. ૩૫

ખલાસીનાં ટોળાં, અણસમજ મહોરાં, જગજૂની
તુલાના પલ્લાની ગડમથલ છોડે અટપટી,
ચુકાડો આપે છે કપટ કરતાં શાસક વતી
‘કરે જાદુ એવી જીભ પર મૂકો ઝેર જલદી.’
પ્રભાતે અંધારાં નગર પર જોયાં ઊતરતાં
તમે મીંચી આંખો અનુકૂલ કરી એય ઘટના. ૩૬

હતો જેનો ધંધો હુકમ મળતાં ખૂન કરવાં,
ભરાયા એ બંને સદધજ થઈ ભોંય-તળિયે;
જરી ફિક્કું પાંડુ શ્રમિત અજવાળું સ્થિર અને
પ્રતિક્ષા-કંટાળો-તરલ મન ને લિફ્ટ ગતિમાં.
ભરેલી પિસ્તોલે સજગ, જણ બે, ખ્યાલ કરતા
બુલુટે વીંધીશું, કમનસીબને, નામ મળતાં ૩૭

અને ત્યાં સન્નાટે ખટકખટ્ ને લિફ્ટ અટકે
તમે આવી, ઝૂકી નમન કરતા, પત્ર ધરતાં,
લખેલું વાંચી લે અમલ પણ એકાદ પળમાં
બુલેટે સાથીને સહચર હણે, શાંત હૃદયે.
ધડાકો ને હત્યા તરત કરતા ગાયબ તમે
વળો પાછા ત્યારે સહજ નમતા, ખૂબ વિનયે. ૩૮