અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચિનુ મોદી `ઈર્શાદ'/ઓચ્છવલાલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઓચ્છવલાલ

ચિનુ મોદી `ઈર્શાદ'

કહી ગયા છે ઓચ્છવલાલ
જે નરનારી ખાય બગાસું
એના મુખમાં આવી પડશે
એક પતાસું.
તે, ઓચ્છવલાલ કંઈ કવિ ન્હોતા
કે માત્ર પ્રાસ માટે જ
‘બગાસું’ની સાથે ‘પતાસું’
શબ્દ લાવ્યા હતા,
એ તો તર્કમય થઈ તર્કાતીત
એ તો શાસ્ત્રમય થઈ શાસ્ત્રાતીત
એ તો અક્ષરમય ને અર્થાતીત.
સત્ય શોધવા એમને હવે યત્ન નથી કરવો પડતો.
સત્ય એમને શોધતું આવે છે.
ઓચ્છવલાલને શોધતાં શોધતાં બાપડા સત્યનો
તો દમ નીકળી જાય છે.
સત્ય એમને શોધવા ક્યાં ક્યાં નથી રખડ્યું?
આલમારીમાં પડેલાં પુસ્તકો પર ચડેલી રજમાંથી
એ એક વાર મળ્યા હતા. એટલે સત્ય તો
ઊધઈ બની પુસ્તકે પુસ્તકે જ ફરે અને
ત્યાં ન જડે એટલે નિરાશ થઈ,
લાઇબ્રેરીને નાકે ઊભું રહે રિક્ષા થઈ;
આમ તો ઓચ્છવલાલ રિક્ષા સિવાય ફરે નહીં
પણ, ઓચ્છવલાલ એટલે ઓચ્છવલાલ,
એ તો કોકની સાઇકલ પછવાડે બેસી પણ જાય
અને સત્ય બાપડું લાઇબ્રેરીને નાકે વાટ જોતું
ઊભું રહે.

સત્યને મનમાં સંદેહ ખરો
કે ઓચ્છવલાલને કલાકે કલાકે કડક કમસકર ચા
તો જોઈએ જ.
બાપડું સત્ય ચા થઈ, ગંદી તપેલીમાં,
પરસેવો પાડતા હોટેલના રસોઇયાના હાથે,
ગરમ થાય અને નહીં ધોવાતા કપમાંથી
રકાબી સુધી રેડાય
અને ઓચ્છવલાલે તો નવરાત્રના
ઉપવાસ ચાલતા હોય તો
બહારનું પાણી પણ ન પીવાનું
‘પણ’ લઈ લીધું હોય.
અને સત્ય બાપડું
ચાંપ બની, ભઠિયાર ગલીના ગરમ તવામાં
તાવડાના ઘીથી જાત શેકે
કે પાનમાં કાશ્મીરી કિમામ બનીને ચોપડાય
કે વિલ્સ કિંગ બની ધુમાય
કે રૂપિયાની નોટનું પરચૂરણ બને
ને તોય ઓચ્છવલાલ હાથ ન આવે
તો ન જ આવે.
ઓચ્છવલાલને એક ટેવ ખરી
કે દર દશ મિનિટે
એમને એક બગાસું તો આવે અને આવે જ.
અને સત્ય ‘વિકાસક્રમ’ના વિશ્વમાં
પરિભ્રમણ આદરે ત્યારે જ ઓચ્છવલાલ હાથ લાગે.
આમ તો ઓચ્છવલાલને ડઝનેકને હિસાબે
ઊંઘમાં પણ છીંક આવે જ.
પણ, શરદી થઈ હોય.
તો ઓચ્છવલાલ છીંક ન પણ ખાય
એટલે છેવટે સત્ય માટે એકમાત્ર ઉપાય
એ બગાસું જ રહે.
બે મોંફાડોમાંથી સત્ય ત્યારે જ
ઓચ્છવલાલમાં પ્રવેશતું.
આજ દિનના ઇતિહાસમાં
દરેક મહાન વ્યક્તિના મુખમાંથી સત્ય બહાર આવ્યું છે
પણ, કોઈ વ્યક્તિના મુખ વાટે સત્ય અંદર ગયું હોય
તો એ એક ઓચ્છવલાલના જ કિસ્સામાં,
અને જો આવા અજોડ ઓચ્છવલાલ કહી ગયા હોય
કે જે નર નારી ખાય બગાસું
એના મુખમાં આવી પડશે એક પતાસું
તો આ વાણી વિશે શંકા સેવવી
એ નરાધમ પાપ છે,
ઈશ્વર તો ઠીક
વહેતા પવનનો ઇનકાર કરવા જેવી વાત છે.
માટે, શંકા આશંકાના આજન્મ સેવકો
શંકા છોડો અને ખાવ બગાસાં
એક નહીં પણ લાખ પતાસાં.
પતાસાંથી ડાયાબિટીસ થશે એવું ઓચ્છવલાલે કહ્યું નથી
માટે મુક્ત મને ખાવ બગાસાં
ખાવ પતાસાં, ભય ન સેવશો.
બાકી મરતાં મરતાં મને તો ઓચ્છવલાલ
કાનમાં કહેતા જ ગયા છે
કે પતાસું પણ એક બગાસું તો રોજ ખાય છે.
આવી ઝીણવટભરી દૃષ્ટિના ઓચ્છવલાલ હવે
આપણી વચ્ચે નથી
ઓચ્છવલાલનો આત્મા પ્રભુને શાંતિ આપો,
શાંતિ જ આપો.
(શાપિત વનમાં, ૧૯૭૬, પૃ. ૬૯-૭૨)