અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જગદીશ જોષી/અરે, કોઈ તો…

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અરે, કોઈ તો…

જગદીશ જોષી

હું એકાગ્ર ચિત્તે વાંચું છું.

સામેની બારીનો રેડિયો
મારા કાનમાં કંઈક ગર્જે છે.
દીવાલ પરનું ઇલેક્ટ્રિક ઘડિયાળ
વર્તમાન સાથે ઘસાતું ચાલે છે.
ટ્યૂબલાઇટનું સ્ટાર્ટર
તમરાંનું ટોળું થૈ કણસ્યા કરે છે.
ઉઘાડા પડેલા દરવાજાની ઘંટી
ડચકાં ભરતી ભરતી રણકે છે.
ઘરનો નોકર દૂધવાળા જોડે
અફવાઓની આપલે કરે છે.
પડોશણનો અપરિચિત ચહેરો
કૂથલીનાં ડાયલ ફેરવે છે.
રસ્તા પરનો નાહકનો ઝઘડો
બારી વાટે મારા ઘરમાં પ્રવેશે છે.

ઓચિંતો ફ્યૂઝ જતાં, લાઇટ
અંધારું થઈને પથરાઈ જાય છે.
મારો આખો માળો અંધારોધબ્…

નીચલે માળથી વ્યાસ બૂમ પાડે છે :
`કાલિદાસ! તુકારામ! અલ્યા નરસિંહ! અરે, કોઈ તો
ઇલેક્ટ્રિશિયનને બોલાવો!'
બાજુવાળાં મીરાંબહેન સ્વસ્થ અવાજે કહે છે :
`અરે, ગિરિધર! સાંભળે છે કે, —
પહેલાં મીણબત્તી તો લાવ…'

અને —
મારી ચાલીમાં
મારા માળામાં
મારા ઘરમાં
મારા દેશમાં
મીણબત્તીની શોધાશોધ ચાલે છે……

(ધારો કે એક સાંજ આપણે મળ્યાં…, પૃ. ૩૬-૩૭)



આસ્વાદ: મીણબત્તી જેવી ધાર્મિકતા — મનસુખલાલ ઝવેરી

અત્યારનું આપણું જીવન તો જુઓ! કોઈને એકાગ્ર ચિત્તે કંઈ કરવું હોય તો કરી શકાય એમ પણ રહ્યું નથી. ઉપરનીચે, આડોશપાડોશ, ચારે તરફથી કર્કશ કોલાહલ ને કૂથલી, અફવાઓ ને નાહકના નાનામોટા ઝઘડાઓ – આ બધાંને લીધે નથી કાને પડ્યું કશું સંભળાતું, નથી નિરાંતે ને સ્વસ્થ ચિત્તે કંઈ થઈ શકતું. માણસ એવો તો બદલાઈ ગયો છે કે રોજના પડોશીયે અપરિચિત જેવા બની ગયા છે. ને માણસ પોતાનું કામ પડતું મૂકીને રસલીન બની ગયો છે અફવાઓ ફેલાવવા – સાંભળવામાં. ચારે તરફ, જાણે કે, ઘોર અંધકાર છવાઈ ગયો છે.

જીવનની આ અતંત્રતા અને અરાજકતા દૂર કરવાનો ઉપાય એક જ છે. જીવનધર્મી કોઈ કવિ પ્રગટે ને વિરવિખેર થઈ ગયેલા જીવનને સ્વસ્થ ને સુશ્લિષ્ટ બનાવે તેવાં મૂલ્યોનો બોધ કરીને જીવનપંથને ઝળહળાવે તે. પણ કવિ કે મહાકવિ આપણા વશવર્તી હોતા નથી. આપણા બોલાવ્યા એ આવે પણ ખરા ને ન પણ આવે.

પણ સાચી ધાર્મિકતા તો સુલભ જ છે સૌ કોઈને. એ છે, અલબત્ત, મીણબત્તી જેવી. એનો પ્રકાશ ઉગ્ર ને આંજી નાખે તેવો નથી, પણ આછો ને મંદ છે. પણ આછો ને મંદ હોવા છતાં એ પ્રકાશ સ્થિર ને શાંત તો છે જ. અને એ શોધવા બહાર ક્યાંય દોડાદોડી કરવાની પણ જરૂર નથી.

પણ એ સાચી ધાર્મિકતા, એ મીણબત્તી, પણ આપણે ક્યાં હાથવગી રહેવા દીધી છે? આપણે જે જરૂરી-બિનજરિરી ચીજવસ્તુઓના ખડકલા કર્યા છે, તેમાં આપણે તેને કોણ જાણે ક્યાં ખોઈ નાખી છે? આપણા જીવનને આપણે હાથે કરીને એવું અવ્યવસ્થિત કરી નાખ્યું છે કે એ પણ જોઈએ ત્યારે મળી જાય એવું રહ્યું નથી.

આ સ્થિતિ છે, ઘર ઘરની, આખા દેશની, આપણા આખા જીવનની.

મીરાં તો ભક્ત હતી એટલે એ ગિરિધરને બોલાવે એ સમજી શકાય તેવું છે, પણ વ્યાસ જે કવિ છે, કવિ જ નહિ દ્રષ્ટા ને ઋષિ છે તે – કાલિદાસ, તુકારામ અને નરસિંહ વગેરે પ્રમાણમાં ઊતરતી કક્ષાના કવિઓને બોલાવે તેમાં સ્વારસ્ય કેટલું તે પ્રશ્ન છે. (‘એકાંતની સભા'માંથી)



આસ્વાદ: નિરુત્તર પ્રશ્નનો વિસ્તાર — વિનોદ જોશી

આદર્શ અને વાસ્તવ મોટેભાગે તો સામસામા છેડા જ હોય છે. જે હોવું જોઈએ તે અને જે છે તે એવા બે સત્યો વચ્ચે જ કોઈ પણ પરિસ્થિતિ હોય છે. એટલે સુધી કે પરિસ્થિતિનું મૂલ્યાંકન પણ આ વચગાળે રહીને જ થઈ શકતું હોય છે. આ પણ નહીં અને તે પણ નહીં એવાં શાસ્ત્રવચન જાણ્યા પછી પણ બે છેડાનાં સત્યોમાંથી કોઈ એકાદને ઝાલવા આપણે મથામણ કરતા રહીએ છીએ. બીજા શબ્દોમાં એને જ જીવન કહેવાય છે. અહીં કવિ જગદીશ જોશીએ એવી એક મથામણનો હિસાબ આપ્યો છે. કાવ્ય ગદ્યમાં છે. પણ ગદ્યમાં છે એટલે તેમાં કાવ્યનું સૌંદર્ય ન હોય તેવું નથી. આ કાવ્ય ઊર્મિના પ્રદેશથી થોડું છેટે રહીને લખાયું છે. તેમાં વિચારનું બળ વધારે છે. વિચાર અને ગદ્ય એકમેકથી વધુ નજીક છે. એટલે કદાચ કવિએ આ કાવ્યને ગદ્યમાં ઉતાર્યું છે. અહીં શરૂઆત એક સ્થિતિના નિરૂપણથી થાય છે. કાવ્યનાયક ખુદ કવિ છે. ‘હું એકાગ્રચિત્તે વાંચું છું’ એવા આત્મકથનથી આપણને કવિની મુદ્રાનો તરત ખ્યાલ આવી જાય છે. પણ તરતની પંક્તિમાં જ સામેની બારીમાંથી સંભળાતા રેડિયોના ધ્વનિ પરત્વે કવિ આપણું લક્ષ દોરે છે. આ વિરોધાભાસ નોંધવા જેવો છે. વાંચવામાં એકાગ્ર બનેલું ચિત્ત વાસ્તવમાં એકાગ્ર હોય તો ધ્વનિ એમાં નડતરરૂપ ન બને. પણ સ્પષ્ટ છે કે ચિત્ત એકાગ્ર નહીં હોય સામે છેડે એવું પણ વિચારી શકાય કે ચિત્ત ગમે તેટલું એકાગ્ર હોય તોપણ તેમાં વિક્ષેપ ઊભો કરી શકે તેવી બહારની પરિસ્થિતિ છે. ‘એકાગ્ર ચિત્તની’ સામે ‘રેડિયોની ગર્જના’ જેવા બે વિરોધ પહેલેથી જ સ્થાપી આપી કવિ એ સ્થાપનાનો વિસ્તાર પછીથી સાધે છે. દીવાલ પરનું ઘડિયાળ વર્તમાન સાથે ઘસાતું ચાલે છે એમ કહી ખરેખર તો કાળ ઘડિયાળને ઘસાઈને નીકળતો જાય છે તેમ સૂચવાયું છે. અહીં પણ ઘસાવાના અવાજનો નિર્દેશ છે. એકાગ્ર ચિત્તમાં ખલેલ પહોંચાડે તેવી આ બીજી વાત થઈ. તે પછી કવિ કહે છે: ‘ટ્યૂબલાઇટનું સ્ટાર્ટર તમરાંનું ટોળું થઈ કણસ્યા કરે છે.’ આ ત્રીજો અવાજ. અહીં પણ એક સાથે બે ઘટના બની રહી છે. એક તરફ પ્રકાશ પ્રસરાવનાર સ્ટાર્ટર અને બીજી તરફ અંધકારને વેઠી રહેલા તમરાં. હજી એક અવાજ બાકી રહી જાય છે અને તે છે ઉઘાડા પડેલા દરવાજાની ઘંટડીનો, જે ડચકાં ભરતી ભરતી રણકે છે. જોઈ શકાશે કે એક પણ અવાજ ચિત્તને મુદિત કરે તેવો નથી, પ્રસન્ન કરે તેવો નથી. એને વેઠવો જ પડે તેવી પરિસ્થિતિ છે. કારણ કે ઘડિયાળને, પ્રકાશને કે ઘંટડીને તો સાથે લઈને જ ચાલવાનું છે. ઇંગિત કંઈક એવું છે કે જે અનિવાર્ય બનીને સાથે આવે છે તેની સંગતિમાં એથીયે મોટું બીજું કશુંક અનિષ્ટ રૂપે પ્રવેશી જાય છે. અતિ સામાન્ય એવી રોજિંદી, ઘરેલું જિંદગીમાં સવાર ઊઘડવાની પૂર્વભૂમિકાના સમયે જે કંઈ થઈ રહ્યું છે તેમાં કશી જ વિશિષ્ટતા નથી. સવારના પ્રથમ સૂર્યકિરણના સ્વાગત માટેની તૈયારીને બદલે દૂધવાળાએ છેડેલી અફવાઓ પ્રસરવી શરૂ થઈ જાય છે. કુથલીના ‘ડાયલ’ ફેરવતી પાડોશણોનો પણ કવિ બહુ લાક્ષણિક નિર્દેશ કરે છે. રસ્તા પરનો ‘નાહકનો’ ઝઘડો બારી વાટે કવિના ઘરમાં પ્રવેશી જાય છે. એક એક પરિસ્થિતિને અવલોકતા ખ્યાલ આવશે કે એકેયમાં કશું વજૂદ નથી અને છતાં એ થાય છે. એને નથી કોઈ તર્કની પીઠિકા કે નથી કોઈ સમજણથી પ્રાપ્ત થતો ઉકેલ. જીવન જાણે આવા વાહિયાત તથ્યોમાં જ ઊકલે છે અને ફરી વીંટળાય છે. આ બધું જે કંઈ કવિને દેખાયું તે પ્રકાશમાં દેખાયું છે. આ કશું જ આંધળુકિયાં કરીને થતું હોય તેમ નથી. પણ હવે કવિતા કરવટ બદલે છે. ઓચિંતો ફ્યૂઝ ઊડી જતા લાઇટ અંધારું થઈ પથરાઈ જાય છે. કવિ લખે છે: ‘મારો આખો માળો અંધારોધબ્’ અહીં કેવળ અંધારું થઈ ગયું તેમ કહેવાયું નથી. અહીં તો એમ કહેવાયું છે કે અજવાળું અંધારું થઈ ગયું. આ અભિવ્યક્તિ સમજવા જેવી છે. જે છે તે પરિસ્થિતિમાં આવેલું પરિવર્તન અહીં અભિપ્રેત છે. કોઈ નવી પરિસ્થિતિ સર્જાઈ છે તેવું નથી. હવે આ અંધારામાં માર્ગ કેમ કરીને કાઢવો? કવિએ વ્યાસને ઉદ્ગાર કરતા કરી મૂક્યા છે. કાલિદાસ, તુકારામ અને નરસિંહને તેઓ ઇલેક્ટ્રિશિયનને બોલાવી લાવે તે માટે વીનવે છે. અંધકારમાંથી પ્રકાશમાં જવા માટે વ્યાસ જેવા વ્યાસની આ વિનવણીથી મોટી વર્તમાન સમયની વિભીષિકાની બીજી કઈ વિડંબના હોઈ શકે? આવા સમર્થ પ્રજ્ઞાવાન ઋષિ-પુરુષોએ મામૂલી ઇલેક્ટ્રિશિયનો પર આધારિત રહેવું પડે અને પોતે અત્યાર સુધી વહેતી મૂકેલી ઊર્જા નકામી સાબિત થઈ જાય ત્યારે સમય કેટલો બળવાન છે તેની પ્રતીતિ આ મનીષીઓને પણ થાય. પણ આ બધામાં એક આશ્વાસન બાજુવાળાં મીરાંબહેન છે. એમનો અવાજ સ્વસ્થ છે. કારણ કે એમણે ઝેર પચાવ્યું છે. એ તો સીધી ગિરધર પાસે જ ધા નાખે છેઃ ‘સાંભળે છે કે? પહેલાં મીણબત્તી તો લાવ...’ ગિરધર પાસે તો વાંસળી હોય. પણ એના સૂર આ ઘડીએ તો કામના રહ્યા નથી. મીણબત્તી તો એ ક્યાંથી જ લાવે? એ પણ લાચાર. અને કવિ સરવાળે, ચાલીમાં માળામાં, ઘરમાં, દેશમાં એમ સર્વત્ર મીણબત્તીની શોધાશોધ ચાલતી હોવાનો અહેવાલ આપી વાતને લટકતી જ છોડી દે છે. કોઈ ભાગ્યે જ કહેશે કે આધુનિકતાની ઉપલબ્ધિઓએ આપણને સુખો આપ્યાં છે તે કરતાં આનંદ વિશેષ આપ્યો છે. આનંદ ક્ષીણ કરીને આપણે સુખ પ્રતિ લોભાયા. સ્વયં પ્રકાશપુંજ જેવા સમર્થ મનીષીઓ પણ અંધકારગ્રસ્ત થઈ જાય તે વિધિવક્રતા જ નહીં, સમયની બલિહારી પણ છે. જેની શોધાશોધ ચાલી રહી છે તે મીણબત્તી ક્યાંય મળતી નથી. આ શોધ કોઈ એક સ્થળની નથી. સર્વત્ર એ શોધ ચાલે છે. ઊંડા અંધારેથી પરમ તેજની દિશામાં જવાની પ્રક્રિયા અવિરત ચાલુ છે પણ તેનું પરિણામ હજી સાંપડ્યું નથી. એક ફ્યૂઝ ઊડી જાય અને સર્વત્ર અંધકાર છવાઈ જાય તેવી પરાધીન પ્રકાશની સ્થિતિ કદી કાયમી ટકે નહીં. ઉપનિષદકારોએ ‘પરમ તેજ’ જેવી વ્યાપક સંજ્ઞા બાંધીને કેવળ બહારના જ નહીં, અંદરના પ્રકાશની પણ જિકર કરી છે તે અહીં ભૂલવું જોઈએ નહીં. કવિતા કેવી કટાક્ષભેર આપણી સામે આવીને ઊભી રહેતી હોય છે તેનું આ કાવ્ય એક ઉદાહરણ છે. એક આધુનિક કવિની સર્જક ચેતનામાં આપણી આંખો સામે રહેલો સમય કેવો વિલક્ષણ રીતે ઊઘડે છે તે અહીં અવલોકી શકાશે. સદા નિરૂત્તર રહેનારો પ્રશ્ન કે નિરૂપાય રહેનારો કોયડો કવિતામાં કેવો એકરસ થઈને આપણી ચેતનામાં ઊતરી જાય છે તે પણ અહીં જોઈ શકાશે.