અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જગદીશ ત્રિવેદી/પ્રભુ જાણે કાલે —

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પ્રભુ જાણે કાલે —

જગદીશ ત્રિવેદી

પ્રભુ જાણે કાલે દિવસ ઊગતાં ક્યાં હઈશ હું?
પરોઢે પંખીના કલરવ થકી સ્વપ્ન સરતાં,
ઊઠી, આંખો ચોળી, અલસ ગતિથી કુંજ ત્યજીને
શીળી રેતીશય્યા પર પડીશ આવી, નીરખતો
ઉષાતેજોવર્ષા જલધિસલિલે નૃત્ય કરતી?

વળી બપ્પોરોના પ્રખર તણખા અંગ ભરતા,
પહાડો-મિત્રોની મધુર મિજબાની ગ્રહી હશે?
અજાણી કો’ દેરી નિકટ સરતી ગ્રામ્ય સીમની —
મહીં ઝીણી ઝીણી કવનરટણામાં વિરમીશ?

ઢળી ક્ષેત્રે ખાટે કૃષિકમઢૂલી પ્રાંગણ વિશે
નમેલી સંધ્યાની સુરભિઝર પાની ચૂમીશ?, કે
પછી, ગાડીમાંથી કનકનળિયાં ગ્રામ્ય ઉટજો
તણાં જોતો જોતો મુજ સફરનામું લખીશ હું?

નિશાને ઘેરીને અલકલટ ઉતારી લઈને
રૂપાળી ચન્દ્રિકા — મુજ પ્રિયતમા —ને ધરીશ? કે
ઊંડા અંધારામાં મણિધર ગળે વીંટી લઈને
પ્રકાશે એના હું
રહસ્યો રાત્રીનાં સુલભ કરતો ખૂંદીશ વનો?
પ્રભુ જાણે કાલે સમય સમયે ક્યાં હઈશ હું?