અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/આદિમતાની એક અનુભૂતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
આદિમતાની એક અનુભૂતિ

જયન્ત પાઠક

હું આવું છું પાછો, બહુ દિન પછી, ઘેર : વનમાં,
ઉતારી નાખું છું વસન પુરના સભ્ય જનનાં;
પહેરી લૌં લીલું પટ ઊડતું વાતા પવનમાં,
હું આદિવાસી-શો ફરું અસલ વાતાવરણમાં.

ફૂલોમાં ઊંડેરો ઊતરી મધુ પીતો ચશચશી,
રજોટાતો, પાવા વિહગગણ કેરા બજવતો;
મહેકી માટીમાં વૃષભ મદીલો શૃંગ ઘસતો;
હું તાડોમાં ડોલું અસલિયતનો આસવ ઢીંચી.

સ્તનો-શી ઘાટીલી અહીંતહીં ફૂટી ટેકરી પરે
તૃણોના રોમાંચે તરવરતી, મારા કર ફરે;
સુંવાળી ને લીસી દ્રુત ઝરણજંઘાગીતલયે
ખીણોમાં ઊંડેરી ઊતરું રતિના ગૂઢ નિલયે.

પુરાણું આ મારું વન-ઘર, નહીં છપ્પર-ભીંતો;
અહીં અંધારાથી, શરમ મૂકીને, સૂર્ય રમતો.

(ક્ષણોમાં જીવું છું, ૧૯૯૭, પૃ. ૧૯૭)