અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયા મહેતા/માણસ મરી જાય છે પછી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
માણસ મરી જાય છે પછી

જયા મહેતા

થોડા દિવસ કરુણ શબ્દોની ઊડાઊડ.
થોડા દિવસ
હૉસ્પિટલની લૉબીમાં ફરતાં સગાંવહાલાં જેવી
ઠાલાં આશ્વાસનોની અવરજવર.
થોડા દિવસ ગીતા ને ગરુડપુરાણની હવા.
પછી બૅન્ક-બૅલેન્સની પૂછપરથ.
પછી મરનારના પુરુષાર્થનાં
ગુણગાનની ભરતી અને ઓટ.
પછી રૅશનકાર્ડમાંથી નામની બાદબાકી.
છેવટે રોજની જેમ સૂર્ય ઊગે છે,
રોજની જેમ સૂર્ય આથમે છે,
અને કંકુની ડબી પણ જાણે કે
શબની ચાદર ઢંકાઈ જાય છે.
કંકણોની પાંપણો ટપક્યા કરે છે
અને
મંગલસૂત્ર ઝૂર્યા કરે છે.



આસ્વાદ: મૃત્યુ : ભાવના અને વિભાવના — જગદીશ જોષી

ઘણાં માણસો મૃત્યુને રોમૅન્ટિક ખ્વાબોથી પંપાળ્યા કરે છે. મૃત્યુના ખ્યાલને જરીકસબથી ઓટેલી શાલ ઓઢાડીને બંગાળીબાબુની જેમ પોતાની આસપાસ ફેરવ્યા કરે છે. પોતાના સ્વજનના મૃત્યુ પછી ઘણાં એ મૃત્યુને ફોર-કલર (four colour) પ્રિન્ટિંગની આભા આપે છે. છતાં જીવનનો દ્રોહ કરીને પણ મૃત્યુને રંગદર્શિતાની ખીંટી આપીને ભીંત પર અને દિમાગમાં ઝુલાવ્યા કરે છે. ઘણાં જીવનની જવાબદારીઓ પ્રત્યે બેહાલ ને માંદલી ઉદાસીનતા બતાવીને, મૃત્યુને પ્રાધાન્ય આપીને, જીવન ‘તરી’ જવાના અને વફાદારીના પાંડુરોગી ખ્યાલની પ્રતિષ્ઠા આપવા મથે છે.

પણ મોટા ભાગનો વાહન-વ્યવહારિયો સમાજ મૃત્યુને, બીજા અંતિમથી, વ્યવહારકુશળતા દાખવવાના એક અવસર પૂરતું જ મહત્ત્વ આપે છે. ઘણાં કુટુંબો મરેલા સ્વજનને નિમિત્ત બનાવીને મૃત્યુના આળાથી જ આંગણું લીંપેગૂંપે અને એ રીતે ભવિષ્યની પેઢીને એ વાતાવરણના ભારણ નીચે ઠુંગરાવી મૂકે, તો ઘણાં કુટુંબો જાણે માણસ મરી ગયું ન હોય… પણ જાણે લાકડું ભાંગી ગયું હોય એટલું જ મહત્ત્વ આપે. કહેવત છે ‘મૂએલી ભેંસના ડોળા મોટા…’ પણ આપણો આ યુગ કદાચ કહેવતને પણ ખોટી પાડે એવો ચબરાકિયો છે.

પરંતુ આ તો થઈ સમાજના આ કે તે વિભાગની ભાવના કરતાંયે મૃત્યુ પ્રત્યેની વિભાવના. પરંતુ ખરેખર મૃત્યુની ઉપસ્થિતિમાં બને છે શું? ‘Words, words, words; what words can help?’ શબના સાન્નિધ્યમાં શબ્દનું તે શું જોર હોય? એટલે જ ‘થોડા દિવસ’ માટે ‘કરુણ શબ્દોની ઊડાઊડ.’ છપાયેલા શબ્દોમાં કદાચ ખ્યાલ ન આવે પણ આ શબ્દો ‘થોડા દિવસ’ પુન: પુન: બોલાયા કરે ત્યારે કેવા સપાટ લાગે છે! આ શબ્દો પણ ઊડી જાય એવા. એમાં સ્થિરતા કે નક્કરતા નહીં. હૉસ્પિટલની ‘લૉબી’માં ‘ફરતાં’ સગાંવહાલાંની વાત તો તેને જ સમજાય જેણે રજાના દિવસની સાંજે કહેવાતાં સગાં અથવા/ અને વહાલાંનાં ટોળાંને બજારની જેમ ટહેલતાં-માણતાં જોયાં હોય! આ બધાં લાગણીની ‘લૉબી’ઓમાં જ વિ-ચરે છે. ‘ઠાલાં’ આશ્વાસનો પણ અંતે તો દુભાયેલી વ્યક્તિના દિલ અને દિમાગની લૉબી સુધી જ પહોંચી શકે છે: આ આશ્વાસનો ખરેખર ઠાલાં ન હોય અને પ્રમાણિક હોય તોપણ. અને પછી ગીતા અને ગરુડપુરાણની પુરાણી આબોહવા… ભલભલા કઠોર હૃદયને પણ મૃત્યુની ભયાનકતા અને આત્માની ઉદાત્તતાના વિચારોથી પોચાં પાડી દે એવા પાઠને પણ સામાજિક-ધાર્મિકતાના ક્રિયાકાંડમાં આપણે ફેરવી નાખીએ છીએ. આ ઔપચારિક ‘કાર્યક્રમ’માં પણ આપણી અવરજવર જલકમલવત્…

પત્યું… પણ હવે શું? માણસના જીવનનું સરવૈયું એના બૅન્ક-બૅલેન્સથી મપાય. એના પુરુષ-અર્થનો નકશો પણ એના ‘બૅલેન્સ’ની આંકણીથી અંકાય. જીવનનાં મૂલ્યોની પણ હરાજી થાય. પછી તો ‘થોડા દિવસ’માં રૅશનકાર્ડમાંથી નામની બાદબાકી! વિપિન પરીખની કવિતામાં પણ રજિસ્ટરમાંથી નામની બાદબાકીનો સંકેત આવે છે.

આ બધાંને અંતે કુદરત તો – માનવસ્વભાવની જેમ જ — લાપરવા છે. ‘રોજની જેમ’ જ સૂર્ય ઊગે છે, આથમે છે. પરંતુ ઘરના ખૂણે પડેલા એક ડ્રેસિંગ ટેબલને ખૂણે પડેલી કંકુની ડબી કાયમ માટે ખૂણો ‘પાળે’ છે… શબની ચાદર ઓઢેલી કંકુની ડબી, ટપક્યા કરતી કંકણોની પાંપણો અને ઝૂર્યા કરતા મંગલસૂત્રને જાણવા અને નાણવા માટે તો જોઈએ કોઈક સંવેદનશીલ કવિની ઝીણી, તીણી અને ભીની નજર.

આપણે ત્યાં સ્ત્રી-કવિઓ(?)ની સંખ્યા જૂજ. હીરા પાઠક, ગીતા પરીખ, પન્ના નાયક અને જયા મહેતા અને — આધુનિક ચેતનાને ઢંઢોળતાં છેલ્લાં બેમાં પન્ના નાયક અંગત ભૂમિકા પર ઘણું લખે છે, જ્યારે જયા મહેતા કવિતા અલ્પ સંખ્યામાં આપે છે, પણ આપે છે તે બિનઅંગત ભૂમિકા પરથી, કવિ પાસે હોવો જોઈએ એવો જયા મહેતા પાસે અધ્યાસ પણ છે અને વિવેચનનો અભ્યાસ પણ છે, આપણે ઇચ્છીએ કે કવિ અને વિવેચકની આ સ્પર્ધામાં વિવેચક જ મેદાન મારી ન જાય! (‘એકાંતની સભા'માંથી)