અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/ફૂલ હું તો ભૂલી
Jump to navigation
Jump to search
ફૂલ હું તો ભૂલી
ન્હાનાલાલ દ. કવિ
વેણી ગૂંથી ને મહીં ફૂલ હું તો ભૂલી;
ભૂલ્યું ભુલાય કેમ એમ? અલબેલડી!
વેણી ગૂંથી ને મહીં ફૂલ હું તો ભૂલી.
ઊગી આષાઢ કેરી વાદળી આકાશ;
દીઠો મહીં ભર્યો પ્રેમ, અલબેલડી!
વેણી ગૂંથી ને મહીં ફૂલ હું તો ભૂલી.
વાડીમાં વીજળીની વેલડી ઝબૂકે,
દીઠી મહીં રસઆંખ, અલબેલડી!
વેણી ગૂંથી ને મહીં ફૂલ હું તો ભૂલી.
વાડીમાં મોરલા કલા કરી રહ્યા’તા;
દીઠી મહીં રૂપપાંખ, અલબેલડી!
વેણી ગૂંથી ને મહીં ફૂલ હું તો ભૂલી.
મીઠું શું આભનીયે પાર કાંઈ ગાજ્યું;
સુણ્યા મહીં મુજ કાન્ત, અલબેલડી!
વેણી ગૂંથી ને મહીં ફૂલ હું તો ભૂલી.
અંગુલિના સ્પર્શના સમાં ફોરાં અડ્યાં, ત્ય્હાં
નાઠી હું ઓરડે એકાન્ત, અલબેલડી!
વેણી ગૂંથી ને મહીં ફૂલ હું તો ભૂલી.
(ન્હાના ન્હાના રાસ-1)