અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/મહીડાં
Jump to navigation
Jump to search
મહીડાં
ન્હાનાલાલ દ. કવિ
હલકે હાથે તે નાથ! મહીડાં વલોવજો,
મહીડાંની રીત ન્હોય આવી રે લોલ.
ગોળી નન્દાશે, નાથ! ચોળી છંટાશે, નાથ!
મોતીડાંની માળા તૂટશે રે લોલ;
ગોળી નન્દાશે ને ગોરસ વહી જાશે,
ગોરીનાં ચીર પણ ભીંજાશે રે લોલ :
હલકે હાથે તે નાથ!
નાની-શી ગોરસીમાં જમનાજી ઊછળે
એવી ન નાથ! દોરી રાખો રે લોલ;
નાની-શી ગોરસીમાં અમૃત ઠારિયાં,
હળવે ઉઘાડી નાથ! ચાખો રે લોલ :
હલકે હાથે તે નાથ!
(ન્હાના ન્હાના રાસ, ભા. ૨, પૃ. ૪૪)