અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/વિહંગરાજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વિહંગરાજ

ન્હાનાલાલ દ. કવિ

તરસ્યા એ વાદળીને તીર,
         વિહંગરાજ તરસ્યા ઊડે રે;
સંધ્યાના સાગરને નીર,
         વિહંગરાજ તરસ્યા ઊડે રે.

આભમાં પ્રચંડ પૂર ઊછળે છે પાણીડાં;
મનોવેગી વાય ત્યાં સમીર;
         વિહંગરાજ તરસ્યા ઊડે રે.

ઘેરાં ઘેરાં ડોલતાં હિન્ડોલ મેઘહોડલાં;
ગર્વઘેલાં, ઘટા શાં ગંભીર;
         વિહંગરાજ તરસ્યા ઊડે રે.

સાન્ધ્યરંગી સાળુ, મહીં મેઘશ્યામ વાદળી;
રૂપેરી પાલવનાં ચીર :
         વિહંગરાજ તરસ્યા ઊડે રે.

આંખડીનાં કિરણ કિરણ વરસે કંઈ ફૂલડાં;
વીજળીની વેલ શા અધીર :
         વિહંગરાજ તરસ્યા ઊડે રે.

ઊડો રાજ! પાંખમાં ભરી અનન્ત પ્રેરણા;
સાગરને નથી સામા તીર;
         વિહંગરાજ તરસ્યા ઊડે રે.
વીજળીની વેલ શા અધીર,
         વિહંગરાજ તરસ્યા ઊડે રે.



આસ્વાદ: આત્મખોજની યાત્રા – વિનોદ જોશી

કાવ્યમાં અલૌકિકતાનો મહિમા છે. પરિચિતથી અપરિચિતની દિશામાં લઈ જવાનું અને અપરિચિતમાં પ્રવેશ કરવાનું કામ કવિતા કરે છે. નેત્રો વિસ્ફારિત થઈ જાય. વિચારો અનહદની દિશામાં ગતિ કરવા લાગે. કદી ન અનુભવાયો હોય તેવો વિસ્મયલોક ઊઘડી જાય. બૃહદ કે અપરિમેય એવા ફલક પર આપણે વિહરવા લાગીએ ત્યારે એ અનુભવ આધ્યાત્મિક કોટિનો અનુભવ હોય છે. કવિતા એવો અનુભવ આપવા સક્ષમ એવી કળા છે. અહીં અર્વાચીન ગુજરાતી ભાષાના મહાકવિ ગણાયેલા કવિ ન્હાનાલાલની કંઈક એવી જ રચના પસંદ કરી છે. કવિના કૅમેરામાં જેનું પ્રતિબિમ્બ ઝિલાય છે તે વિહંગરાજ અહીં કાવ્યના કેન્દ્રમાં છે. આ વિહંગરાજનું ઉડ્ડયન નિહાળતાં કવિને એ પણ ખબર છે કે તે તૃષાતુર છે. વળી એ તરસ પોતે ‘વાદળીને તીર’ હોવા છતાં છે. સંધ્યાનો સમય છે. દિવસ અસ્ત થવાની તૈયારી છે. વાદળીનાં નીર વરસતાં અને સાગરનાં નીર પી શકાય તેવાં નથી. આ સ્થિતિમાં વિહંગરાજ પોતાની તરસ છિપાવી શકે તેવાં કોઈ ચિહ્નો નથી. એનું ઉડ્ડયન જાણે મિથ્યા છે. જીવનના અસ્તાચળે પહોંચેલા કોઈ મનુષ્યની વૃથા શોધનો જાણે કે અહીં વિહંગરાજના માધ્યમથી કવિ સંકેત કરતા હોય તેવું લાગે છે. કદાચ આ ઉડ્ડયન મોક્ષની દિશામાં આત્માની ગતિનું સૂચક પણ હોય. એક મુમુક્ષુની સંસારમાંથી વિરક્ત થઈ પરમતત્ત્વને પામવાની તૃષાનો અણસાર પણ અહીં જોઈ શકાય તેમ છે. પક્ષીરાજને આ ઉડ્ડયનમાં જે કાંઈ દેખાય છે તે કોઈ અદ્ભુત સૃષ્ટિની સામગ્રી છે. તે અસામાન્ય છે. પ્રચંડ પૂર રૂપે આભમાં પાણી ઊમટે એ વૈચિત્ર્ય કવિની કેવળ ચતુરાઈ નથી. સાંધ્યરંગી આકાશમાં પૂર ઊમટી રહ્યાનું દર્શન કોઈને પણ થઈ શકે તેમ છે. કવિએ પળવારમાં સાગરની ભરતીને આકાશે ચડાવી દીધી. એ પાણી કેવાં ઊછળતાં હશે તેનું નિદાન ‘મનોવેગી વાય ત્યાં સમીર’ એ શબ્દોમાં થાય છે. કેવળ હવાના સેલારાથી નહીં પણ મનની ગતિ જેવા અતિદ્રુત પ્રહાર થકી એ મોજાં ઊછળે છે પણ તે છતાં તેનો પ્રભાવ વિનાશક નથી. અહીં ‘સમીર’ શબ્દ પ્રયોજાયો છે તે આ પ્રભાવ અભિજાત હોવાનો સૂચક છે. આકાશમાં ઊછળી રહેલાં ‘મેઘહોડલાં’નું ચિત્ર રચી આપી કવિ આપણી આંખોને સાનંદાશ્ચર્ય પૂરું પાડે છે. આ મેઘહોડલાંનું ડોલન ઘેરું, ગંભીર, ગર્વિલ અને પ્રશિષ્ટ છે. જાણે જીવનસમગ્રનો અર્ક સંપ્રાપ્ત કર્યા પછી ચિત્તને જે શાતા સાંપડી હોય કે સ્વસ્થતા સાંપડી હોય તેવો પાશ એને વળગ્યો ન હોય!

પણ તે છતાં કોઈ અકળ તૃષા, કોઈ વણપ્રીછી અભિલાષાનું પીડન અવિરત સાલ્યા કરે છે. તેને કારણે તો આ ઉડ્ડયન અટકતું નથી. કવિ આ સૃષ્ટિ અને અલૌકિક નિસર્ગથી વચ્ચે ઊડતા વિહંગરાજને થતું દર્શન કેવું તો અદ્ભુત છે તેની સુંદર કલ્પના કરે છેઃ

‘સાન્ધ્યરંગી સાળુ મહીં મેઘશ્યામ વાદળી,

રૂપેરી પાલવનાં ચીર; વિહંગરાજ તરસ્યા ઊડે રે...’

ન્હાનાલાલ અદ્ભુત કલ્પનાશક્તિના ઉદ્ગાતા છે. આખીયે પૃથ્વીને એમણે સંધ્યાની સાડીમાં વીંટળાયેલી કહી. તના પરનાં મેઘશ્યામ વાદળીના ચિતરામણને ઓળખાવ્યાં અને તેના રૂપેરી પાલવને ચીંધતાં આવી રહેલા બીજા પ્રકાશનું આશાવાદી નિરીક્ષણ પણ આપ્યું. આટલી મોટી, વિરાટ, અનન્ય દર્શનની પ્રતીતિ બહુ લાક્ષણિક રીતે કવિએ આ પંક્તિમાં ગૂંથી લીધી છે. જે જોનાર છે તેણે આંખો ખોલવી જ રહી. જે જુએ છે તેને જ દેખાય છે. કવિ અહીં આ વિહંગરાજની આંખો જાણે કિરણે કિરણે પ્રસરતી ફૂલડાં વરસાવતી હોય તેવી લાગે છે. આ અનુભવ અસામાન્ય છે. એ સર્વગમ્ય કે સર્વવિદિત હોઈ શકે નહીં. પણ એ દૃષ્ટિની અધીરાઈ વીજળી સમી છે એ પ્રગટી ન પ્રગટી ત્યાં તો લુપ્ત થઈ જાય. વીજળીની વેલ એમ કહી ફૂલડાં અને વેલનો આશ્રયાશ્રયી સંબંધ જોડી આપતાં કવિ કોઈ ગૂઢ રહસ્યને તાકે છે. વીજળીની ક્ષણિકતાનો બોધ હોવા છતાં વીજળીની વેલ પરનાં ફૂલડાં જોઈ શકતા વિહંગરાજનો કવિ મહિમા કરે છે. વિહંગરાજનું આ ઉડ્ડયન કવિને સમુચિત લાગે છે. તેની શોધ તૃષાસંતૃષ્ટિ માટે તો છે જ, પરંતુ એટલાથી અટકી જવાય તેમ નથી. કવિ વિહંગરાજને પાંખમાં અનંત પ્રેરણા ભરીને ઊડવાનું આહ્વાન આપે છે. ‘સાગરને નથી સામા તીર’ એમ કહી આ અનંતતાને પ્રેરણામાંથી મુક્ત કરી સ્થળના વ્યાપમાં કવિ ઓગાળી દે છે. જેને સામો કિનારો છે તેને સર્વદા અંત છે. એવી સ્થિતિને પામવા માટે મથનારનું ઉડ્ડયન કદી પારગામી હોઈ શકે નહીં. ‘વીજળીની વેલ’ જેવી અધીરાઈ અને ‘ઘટા શા ગંભીર મેઘહોડલાં જેવું વિસ્મયભર્યું ઊંડાણ એ બેઉનું સામંજસ્ય હોય તો જ તૃષાતૃપ્તિ થાય. એક દાર્શનિક સત્યને પ્રકૃતિનાં તત્ત્વોનો સંદર્ભ લઈ કવિએ અહીં વિલક્ષણ રીતે પ્રયોજી બતાવ્યું છે. પક્ષીશ્રેષ્ઠ વિહંગરાજનો અન્યોક્તિ રૂપે ઉપયોગ કરી આત્માની શોધના ગૂઢ અધ્યાત્મવાદી સંકેતો તરફ કવિતા ફંટાઈ જાય છે.

આ જ કવિએ આવી જ ભવ્ય નૂતન કલ્પનાઓનો ચિતાર આપતું એક બીજું કાવ્ય પણ લખ્યું છે. તેના પ્રારંભની પંક્તિને મમળાવીએઃ

‘વિરાટનો હિંડોળો ઝાકમઝોળ

કે આભને મોભે બાંધ્યા દોર.’







ન્હાનાલાલ દ. કવિ • વિહંગરાજ • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: વિભા દેસાઇ