અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રવીણ પંડ્યા/ઘેટાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઘેટાં

પ્રવીણ પંડ્યા

વાડામાં રહ્યે રહ્યે
એમને થાય છે કે
જ્ઞાન વધી રહ્યું છે
પણ
હકીકતમાં તો વધતું હોય છે ઊન.
જ્યારે
ઊન ઉતારીને
એમનાં શરીરને
બીજા પાક માટે તૈયાર થયેલાં ખેતર જેવાં
બનાવી દેવાય છે
ત્યારે પણ એમને એવું લાગે છે કે
પોતે નિઃસ્પૃહ બની મોક્ષ તરફ ગતિ કરી રહ્યાં છે.
સાંકડા વાડાઓમાં પુરાયેલા જથ્થાબંધ ઘેટાં
માથાં ઊંચકીને
સતત એકબીજાંને ઈજા પહોંચાડતાં રહે છે.
એમના માલિકો
એમની ઓળખાણ સરળતાથી થઈ શકે એ માટે
એમનાં શરીર પર
ગળી-મટોડી
કે લાલ-લીલા રંગ સત ચોપડતા રહે છે.
જેને ઘેટાં પોતાની ચેતના પર ધારણ કરી
શ્રદ્ધાપૂર્વક નિભાવ્યે રાખે છે.
સૂર્યોદય થતાં જ
તેઓ શિસ્તબદ્ધ સંયમી
મૂલ્યબોધની સભાનતાવાળાં
આન્દોલનકારીઓની આગવી છટાથી
નીકળતાં હોય છે
અને
ત્યારે
જાણે સમગ્ર સૃષ્ટિ ઊંધું ઘાલીને એમની સાથે
ચાલી રહી છે
એવો ભ્રમ સર્જી જતાં હોય છે ઘેટાં.
એ ખુલ્લામાં ચરતાં હોય છે ત્યારે
હવા એમના કાનમાં કશુંક કહેતી હોય છે
ખળખળ વહેતી નદી એમની નજરે ચડવા ઉત્સુક હોય છે.
ઉન્નત પર્વતમાળાઓ
એમનાં ઝૂકેલાં માથાંઓને પ્રેરવા તૈયાર હોય છે
સૂર્ય આથમવા સુધી પ્રયત્નશીલ હોય છે
એમની દૃષ્ટિનો વ્યાપ વધારવા.
પણ ઘેટાં!!
એ મરતાં નથી.
વધેરાય છે
માલિકોની જરૂરિયાત માટે
અને
ગુણાંકમાં વધારતાં રહે છે પોતાની સંખ્યા.
ક્યારેક
સપનામાં પણ
આખેઆખા પૃથ્વીના ગોળા પર
ઘેટાં જ દેખાય છે
અને
મને લાગે છે કે
ઘેટાંથી ડરવા અને ચેતવા જેવું તો છે જ!
(ગુજરાતી કવિતાચયન : ૨૦૦૦, સંપા. ધીરેન્દ્ર મહેતા, પૃ. ૫૪-૫૫)