અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રહલાદ પારેખ/એક દિવસ તો આવ પ્રભાત
Jump to navigation
Jump to search
એક દિવસ તો આવ પ્રભાત
પ્રહલાદ પારેખ
એક દિવસ તો આવ પ્રભાત?
એક દિવસ તો ખૂટે રાત. એક દિવસ.
જુગ જુગથી આવે જગ આરે,
કિરણોને તારાં વિસ્તારે;
હું તો માગું એક જ દિનને :
વરસોથી જોઉં વાટ. એક દિવસ.
વિહંગગણ ને મારાં ફૂલ
પડી રહ્યાં નીંદર-મશગૂલ;
જગાડ તેને, ભર મન મારે
ગીત અને પમરાટ. એક દિવસ.
અંધકારનું લોહ છે પડિયું,
જન્મ થકી જાણે એ જડિયું;
પારસ ઓ! અડ એક વાર, ને
પછી ન ચડશે કાટ. એક દિવસ.
અણખીલી મુજ કમળકળી આ,
પડી રાતને હાથ;
આવ આવ તું ખિલાવ એને
દે ને પૂરણ ઘાટ. એક દિવસ.
(બારી બહાર, પૃ. ૭૨)