અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/નક્કી અહીં આ હું રહું છું ?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નક્કી અહીં આ હું રહું છું ?

પ્રિયકાન્ત મણિયાર

નક્કી અહીં આ હું રહું છું?
નક્કી અહીં હા, હું રહું છું.
આ જ સરનામે મને મળતા બધા પત્રો,
ભોંયતળિયે, છેક નીચે,
પોસ્ટના પરબીડિયાના જેટલી તો છે જગા;
ને ઉપરથી કોક નાની ટિકિટ સરખી એક બારી,
એ થકી સૂર્યે કદી જોકે મનો જોયો નથી.
એ થકી ના ચંદ્રને મેં યે વળી જોયો કદી;
એ બારી તો
અહીં તહીં બધે ઉપર નીચે વાંકાચૂકા
ર્‌હેતા પડોશીના બજંતા રેડિયોની રેકર્ડોને ચાલવાનો માર્ગ,
એ જ બારી પાસ વીત્યાં
આજ પ્હેલાંનાં બરાબર વર્ષ મારાં વીસ ઝૂલે,
ઝાંખી છબીમાં વર્ષ મારાં વીસ ઝૂલે,
એમાં રહેલી આંખ જુએ
કે અહો શું આજ મારું રાચવાનું?
રાચરચીલું?
ચાલીસ લગ પથરાયલી આ જિંદગી...
આજ ઊઠતાંવેંત હું તે ક્યાં વિચારોમાં વહું છું?
િદવસ જન્મ્યો ને છતાં ના દર્પણે દેખાઉં હું,
દિવસ રાતે એનું એ છે તેજ હ્યાં તો!
સ્વિચમાં સઘળું સમાયું,
સ્હેજ કટ —
કેવું પલકમાં તો બધું પ્રગટી ગયું!
પ્હેલાં પ્રથમ મુજને વિહંગો બહુ ગમે,
કેટલાં વર્ષો પરે મેં એ વસાવ્યાં,
આ પડ્યાં ટેબલ ઉપર
જેનું નહીં પીછુંય તો ફરક્યું કદી તે રંગહીન રૂનાં કબૂતર.
ને કોણ એવું માનવી કે ફૂલ જેને ના ગમે?
ખીલ્યાં ન તે કરમાય ક્યાંથી ફૂલદાનીમાં?
એની તૂટે ના દાંડલી, એ કાગદી,
કઈ રીત એ કુંતલ ભરાવું કોઈને?
એની નજીક બે ગાય નાની ધાતુની
જાત્રા વિશે માને ગમી ગઈ એ હતી,
કોને સ્મરણ સ્તન્યપાનનું?
ને મેં કદી ચાથી અલગ તો દૂધને પીધું નહીં!
ત્યાં કૃષ્ણ કરતા સ્મિત, વેજિટેબલ કંપની કૅલેન્ડરે,
ત્યારે મને પણ આવતું હસવું;
શિવ-તાંડવ-નૃત્ય ચાલે આશ્રયે ડ્રગ સિન્ડિકેટ ઉપક્રમે!
છાજલી ભરચક ભરેલી,
રાયતાં, કેરી, અથાણાં,
આડુંઅવળું કેટલું બીજું બધું,
થોડી દવાની શીશીઓ,
એકાદ-બે ખાલી પડ્યાં ઇન્જેક્શનો,
ને બ્લેડ ઝાઝી વારની વપરાયલી;
ત્યાં પથારી આસપાસે ‘ચિત્રલેખા’
બીજગુપ્તે જે ચહી, ને મેં નહીં;
ગીતા સમશ્લોકી,
આવ્યું બધું જેની મહીં તે સાંજનું છાપું,
અહીં શું નથી? પણ શાં સ્વરૂપે!
ત્યાં જ પડતી બૂમ ચાની,
હું પેન શોધું —
ધર્મપત્નીને બધું બસ ગોઠવી દેવું —
‘તૈયાર હું.’
તો એ કહે, ‘તૈયાર હું,
આજ વ્હેલું છે અમારે બાલમંદિર
શનિવારનું!’
બાલમંિદર? આપણું એકે નહીં જેની મહીં!
‘આ લ્યો તમારી પેન.’
પેન —
મારે હરઘડી એનું પડે છે કામ —
હું જન્મ-મૃત્યુ નોંપોથી રાખતો.