અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રેમશંકર હ. ભટ્ટ /ફૂલડાંની ફોરમને કેમ રે...?
Jump to navigation
Jump to search
ફૂલડાંની ફોરમને કેમ રે...?
પ્રેમશંકર હ. ભટ્ટ
ફૂલડાંની ફોરમને કેમ રે ઝલાય?
એ તો વાયરાની આંખે ઊડી જાય રે!
વીજળીનું તેજ થીર કેમ કરી થાય?
એ તો આભ કેરા હૈયે વેરાય રે!
નાનેરાં નવાણ દૈને ડૂબકી તગાય,
ઊંડા સમદર શેણેથી મપાય રે?
નીરના પિયાસી તરસ્યા કંઠ કેવી લાય,
ટોયે ઝાંઝવાનાં નીર ના બુઝાય રે!
ઊંચી મ્હોલાતો, મંદિર, માળિયા ઝરૂખડે,
ચાકળા ને ચંદરવા બંધાય રે!
આભ કેરા ટોડલે તોરણો ટિંગાડવાના
મનસૂબા કેમ પૂરા થાય રે!
અણજાણી લિપિ, ભાષા, કિતાબો પઢાય,
ગૂઢા ભાગ્યને શી વિધે વંચાય રે?
દર ને દાગીનો ઝીણું રેણ દૈ સંધાય,
તૂટ્યા આયખાને શેણેથી તુણાય રે?