અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ ત્રિવેદી/પૂછીએ કોને જઈને ?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પૂછીએ કોને જઈને ?

ભાનુપ્રસાદ ત્રિવેદી

આ માટીમાંથી મ્હેક વૃષ્ટિની કેમ કરી ખોવાણી
         — પૂછીએ કોને જઈને?
આ કલ કલ ડૂંડે દૂધ ફૉરતી નગરીઓ રોળાણી
         — પૂછીએ કોને જઈને?

         રમતિયાળ એ આંગણ પંખિલ
                  વાતી લહર ખણકતી,
         સાકરની કિંકણીઓ ખિલ ખિલ
                  ઘરની કુંજ રણકતી;
આ આભ તણી પાંપણ મધરાતી શ્રાવણ થઈ તોળાણી
                           — પૂછીએ કોને જઈને?

         થપ્પો રમતી હવા કેટલી
                  થાકી ગોતી ગોતી,
         દાવ-અધીરી ખડી એકલી
                  સાંઝ વાટ ર્‌હૈ જોતી;
આ અચમચ છોડી રમત, પાંખડી કયે દેશ પ્રોવાણી?
                           — પૂછીએ કોને જઈને?

         ઊગતી આથમતી હરિણીઓ
                  ફેરફુદરડી ફરતી,
         કલરવ કરતી સૌ પંખિણીઓ
                  નીડ વિશે જઈ ઠરતી;
આ હજીય ઊભી બારસાખમાં આંગળીઓ કોરાણી
                           — પૂછીએ કોને જઈને?