અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મકરન્દ દવે/ભીતર ભગવો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ભીતર ભગવો

મકરન્દ દવે

ભીતર ભગવો લ્હેરે છે
         મારા હરિવરની મ્હેરે.

જીવતેજીવ વ્હાલે ચિતા જલાવી
         ને હોમ્યાં અંગેઅંગ,
જ્યાં જોઉં ત્યાં ઝળહળે હવે
         ગુપત ગેરુ રંગ :
                  દુનિયાને સબ ડેરે રે —
         મારા હરિવરની મ્હેરે.

કાળનો એક કબાડી ઊભો
         હાટવાટે વિકરાળ,
કોઈ ધ્રૂજે, કોઈ ધ્રુસકે, હું તો
         તાળી દઉં તત્કાળ :
                  ઈ તો ખોટુકલો ખંખેરે રે —
         મારા હરિવરની મ્હેરે.

અમી વરસે મેહુલા, જ્યારે
         ભીતર થાય ભસમ,
ભડકામાં મેં તો ભાળ્યું, વીરા!
                  લીલું લીલુંછમ :
                           હું હેરું, કોઈ હેરે રે —
                  મારા હરિવરની મ્હેરે.




આસ્વાદ: વજન કરે તે હારે મનવા, ભજન કરે તે જીતે — જગદીશ જોષી

વસ્ત્રો બદલવાં કે વસ્ત્રોના રંગ બદલવા તે તો સંન્યસ્તની બાહ્ય નિશાની છે, માત્ર જાહેર ખબર છે. પરંતુ જેના ભીતરમાં ભગવાનનું અસ્તર લાગ્યું હોય તેણે બાહ્ય ઉપકરણો લહેરાવવાની જરૂર જ શી? અને એ તો ભગવો પોતે જ લહેરે એવી ‘પ્રેમદીવાની’ વ્યક્તિનું આખુંય વ્યક્તિત્વ, અસ્તિત્વ થનગનતું બને છે, નાચતું રહે છે, લહેરાતું રહે છે. જેણે પોતાના અંતરમાં ભગવાની અને ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા કરી છે તેને માટે તો ત્યાગમાંથી જ ફૂટે છે અકળ આનંદની સરવાણી. ભીતરમાં સાચા ભગવા અને ભગવાનની સ્થાપનાને ન ઓળખનાર અને બાહ્યાડંબરને જ પોતાનો ટ્રેડમાર્ક બનાવીને ફરનારા ધર્મના અખાડિયનોને આદિ શંકરાચાર્યે આપેલો શાપ જેટલો ક્રોધમાંથી તેટલો જ બોધમાંથી જન્મેલો હશે.

અકર્તા રહીને કર્મ કરવાનો ગીતાબોધ એક માનસિક અને ભાવનાત્મક અવસ્થા માગી લે છે. એ તો ઇન્દ્રિય-વિસ્મરણનું પાંચ-દસ મિનિટનું નહીં પરંતુ આજીવન શવાસન છે. જીવનનું સર્વસ્વ – અરે, ખુજ જીવન જ – કૃષ્ણાર્પણ કરીને न ममની ભાવના હિમાલય પાસે ન્યોછાવરીની વીરતા પણ નાની ટેકરી જેવી લાગે! પરંતુ આ યજ્ઞને દાનવતા અને દાનવોથી બચાવીને એને સાંગોપાંગ પાર પાડવા માટે તો વિદ્યામિત્ર જેવાને પણ રામ અને લક્ષ્મણ જેવાનાં રખવાળાંનો ખપ પડે. હરિવરની મહેર હોય તો જ આ ભીતરનો ભગવો મોરે. હરિવરને પણ ‘મારો’ કરીને રાખે એવી મીરાંની પગલાઈ અને પુન્યાઈ જોઈએ.

મરી ગયા પછી તો ચિતા સૌ સજાવે. પરંતુ અહીં તો વહાલાએ જીવતે જીવ ચિતા જલાવી અને અંગેઅંગની આહુતિ આપી. એણે તો જીવતાં જગતિયું કર્યું. પણ બધું બાળશું તો જ કશુંક અજવાળશું. અહીં તો નાશને બદલે હાશ નોતરવાની વાત છે. બધું બળવાને બદલે અહીં તો ‘ગુપત’ ગેરુવો ‘ઝળહળે’ છે. અને પછી તો મારું-તારું, મેરો-તેરો, હું, કંઈ રહેતું નથી. દુનિયાના સબ–સકળ ડેરાતંબૂ હવે તો મારા છે, મારા માલિકના છે અને હવે તો બધે જ પેલા રામદાસની ભગવી ધજા ફરકે છે.

કાળનો પેલો કબાડિયો વાટે વિકરાળતા ધારીને ઊભો છે. આ કઠિયારાનો દેખાવ બિહામણો જ લાગે. લોખંડના ધગધગતા થાંભલાને ભેટવાના વિચારે પ્રહ્લાદ જેવો પ્રહ્લાદ પણ થથરી ઊઠે તો કાચાપોચાનું તો શું ગજું? ધ્રુજારી-ધ્રુસકાનો આશરો લેનાર જીવનભર નિરાધાર રહે. પણ હરિવરની કૃપા હોય તો કીડીઓની લંગાર દેખાય અને હામ ભાંગતી અટકે: અને ભીરુ બાળક બાળક મટીને પ્રહ્લાદ બની જાય. જેનું ભીતર ભગવાનના ભગવાથી સમૃદ્ધ હોય તે તો આ કઠિયારાનેય તાળી દઈ દઈને ગોઠડી માંડે. કંપ કે કંપારી વગર આપણે વર્તીએ – એ તો તો જ બને જો આપણે સાચુકલા હોઈએ. અને આપણે સાચુકલા છીએ તેની અગ્નિપરીક્ષા કરવા પણ પેલો ‘ખોટુકલો’ બિરદાવે છે! દેખીતી રીતે એ આપણને ખંખેરે છે; પણ ખંખેરાઈ જાય છે એ; આપણા તાંદુલ નહીં પણ આપણાં કર્મનાં બંધનો જ!

ભીતર વાસનાથી ખદબદતું હોય તો મેહુલાની આંખમાં પણ અમી ક્યાંથી હોય? પણ ભીતર પ્રજાળીને ઉજાળ્યું હોય તો મેહુલો પણ અમી વરસે. કવિ કોઈને નહીં, પોતાની જાતને જ સંબોધે છે. વીરા! બધું બાળી મૂકવાની તૈયારીમાં જ ભીતરની લીલોતરી મોરી ઊઠે છે. અને આ ચમત્કાર સર્જાય પછી તો શું હું કે શું કોઈ, સૌ સદ્ભાગી જોઈ શકે છે, પામી શકે છે. જીવ અને શિવ મળ્યા દૃષ્ટોદૃષ્ટ એટલે દેખીતા ભડકામાં પણ લીલોતરી દેખા દે છે. આ મહાસુખ તો ‘માંહી પડ્યા’ને જ પ્રાપ્ત થાય.

આપણા મરમી કવિ મકરન્દ માટે ભજનના ભાવ અને ભાષા કેટલાં હાથવગાં છે! ભજનની, ધૂનની ભાષા કેવી ઢાળ ઊતરતી ઊતરતી આવે છે! જીવતે જીવ, વ્હાલે, ગુપત, સબ ડેરે રે, કબાડી, હાટવાટે, ખોટુકલો, ભસમ, ભાળ્યું, હેરું વગેરે શબ્દો કવિતાના તાનપૂરાના તાર પર આપોઆપ બેસીને મીંડ વાળે છે. કેવળ કસબના ખડિયામાં નહીં પરંતુ આત્માના ખડિયામાં ઝબોળાઈને લખતી આપણી થોડીક કલમોને મકરન્દ અને સુન્દરમ્ કેવું ગૌરવ આપે છે! (‘એકાંતની સભા'માંથી)