અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ હ. પટેલ/ગામ જવાની હઠ છોડી દે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ગામ જવાની હઠ છોડી દે

મણિલાલ હ. પટેલ

બા-ની સાથે ગયું બાળપણ ગામ જવાની હઠ છોડી દે
વસતિ વચ્ચે વિસ્તરતું રણ ગામ જવાની હઠ છોડી દે
બન્યો ડેમ ને નદી સુકાઈ ગામ જવાની હઠ છોડી દે
ખેતર વૃક્ષો ગયાં કપાઈ ગામ જવાની હઠ છોડી દે
ચોરો તૂટ્યો ગયા પાળિયા ગામ જવાની હઠ છોડી દે
નથી ગોખલા બચ્ચા આળિયા ગામ જવાની હઠ છોડી દે
લોહી ખરું પણ નથી સગાઈ ગામ જવાની હઠ છોડી દે
નથી ઓટલે ભીંતે ઓકળી ગામ જવાની હઠ છોડી દે
સગપણ ભૂલી પ્રજા મોકળી ગામ જવાની હઠ છોડી દે
પાદર રસ્તા નામ પૂછશે ગામ જવાની હઠ છોડી દે
‘કૌનું છે ભૈ કામ?’ પૂછશે ગામ જવાની હઠ છોડી દે
સગા અને સગપણ સૌ છૂટ્યાં ગામ જવાની હઠ છોડી દે
ખેતર સાથે અંજળ ખૂટ્યાં ગામ જવાની હઠ છોડી દે
તને કોકનાં વેણ વાગશે ગામ જવાની હઠ છોડી દે
વાતવાતમાં દુઃખ લાગશે ગામ જવાની હઠ છોડી દે
આંબા રાયણ મહુડા ક્યાં છે? ગામ જવાની હઠ છોડી દે
નોંધારી ટેકરીઓ ત્યાં છે ગામ જવાની હઠ છોડી દે
ગયા સોબતી ના રહી શાળા ગામ જવાની હઠ છોડી દે
બધા લોક શીખ્યા સરવાળા ગામ જવાની હઠ છોડી દે
નથી નેળિયાં સડકો થૈ ગૈ ગામ જવાની હઠ છોડી દે
એક સીમ પણ ધોખો દૈ ગૈ ગામ જવાની હઠ છોડી દે
છાશ રોટલો ગયાં વસૂકી ગામ જવાની હઠ છોડી દે
માટીએ પણ માયા મૂકી ગામ જવાની હઠ છોડી દે.



આસ્વાદ: ‘ભૂંસાતાં ગ્રામચિત્રો’માં સ્મરણીય ‘મણિ’–કર્મ – રાધેશ્યામ શર્મા

ગીતકૃતિનું શીર્ષક સૂચવી દે છે કે કાવ્યનાયક ગામ છોડીને આવ્યો છે નગરમધ્યે. સ્થળાંતર – નાના પાયે પણ ‘માઇગ્રેશન’નો શિકાર બન્યો છે, પણ પોતે નગરથી પાકો હેવાયો થઈ ગયો છે. કહો કે ચેતનામાં વટલાઈ ગયો છે! એનું અપરાધ–જ્ઞાન અજ્ઞાત ચિત્તમાં સળવળ્યું હોય અને પછી સ્મૃતિમંજૂષામાં ગોપાયેલું માદરે વતન-ગામ સીમાડાના લંબાયેલા હાથો વડે બોલાવી રહ્યું હોય ત્યારની મનોદશા—

અને સાથે જ ચિત્તના બીજા ખાંચેથી ગામ પહોંચી જવાની હઠગ્રંથિનો ઉચ્છેદ કરવા માટેની વિષમ વાસ્તવિકતા પોકાર પાડી રહી હોય… ક્યાં જઈશ? કયા ગામ જવાની હઠ લઈ બેઠો છે? તારું હતું તેવું તાદૃશ્ય તારું ગામ રહ્યું છે? ગામની ગણાતી ચીજવસ, પરિસર એમની એમ સલામત અદબદ બચી છે? તારો ચહેરો ગામ ઓળખશે? અને ગામવતનનો ચહેરો તને ઓળખશે? તેથી તું ભોંઠો નહિ પડે?

હિન્દુસ્તાનથી વિદેશ વસવા ગયેલાઓને મળતી મનોવેદના અને સ્મૃતિસંવેદના ગ્રામજગતના ગુલશનમાંથી શહેરમાં રોપાયેલા જણની પણ હોય છે. શહેરમાં ગમતું અણગમતું પચાવી અથવા ‘આઈ ફસાયા ભૈ આઈ ફસાયા’ જેવી દશામાંથી છૂટી શકે તેમ નથી અને ‘હાલો ગોંમડે જઈંએ’ એમ બૅક–ટુ–નેચર પણ પ્રવર્તી શકે એમ નથી.

ફરજિયાત કે મરજિયાત હિજરત(diaspora)ની ચુસ્ત સ્થિતિમાં અગતિકતાનો સ્વાદ પણ ચાખવો પડ્યો હોય. યહૂદીઓની, અન્ય ઇતર દેશીઓની આવી જ દશા થયેલી છે. સમકાલીન વિવેચનમાં આ મહત્ત્વની થીમ આજે પણ ચર્ચાય છે.

કવિએ સ્થાનિક–ગ્રામકક્ષાએ, આ મહત્ત્વની બીનાને નિજી પ્રદેશના વાક્‌રૂપમાં સમર્થ સ્વરૂપે ઝીલી દેખાડી છે. ખૂબી એ છે કે તદન પરિચિત અને પ્રચલિત જાનપદી વિશ્વનાં કલ્પનો, પ્રતીકો; જેવાં કે ચોરો, પાળિયા, કૂવામાંના આળિયા, ઓકળી, પાદર, ખેતર, નેળિયાં, સીમ, શિક્ષક–શાળા, સડક, ડેમ, આંબા, રાયણ, મહુડા, ટેકરીઓ, માટી, છાશ, રોટલો વગેરે પ્રયોજ્યાં છે. છતાં પદાવલિની સહજ સંરચના – સમગ્ર કૃતિને સ્મરણીય સર્જનાત્મક અનુભૂતિમાં પલટી શકી છે.

અહીં લોચન–મનના ઝઘડા જેવું દૃશ્ય અને મનોદિશા વચ્ચેનું અજીબ ‘ટેન્શન’ છે. એક મન ગામ જવાની હઠ લઈ બેઠું છે, બીજું મન હકીકતની નક્કર ડઠ્ઠર દૃશ્યચિત્રશ્રેણી રજૂ કરી હઠ–આગ્રહ છોડવાનો પંક્તિએ પંક્તિએ આદેશ આપે છે. વળી હઠ છોડી દેવાનું રિપીટીશન પોતે પણ એક હઠાગ્રહ બની રહે છે.

ગામવતનની સ્મૃતિમાં નાયક બન્યો છે તેની સાથોસાથ નિજ અનુભૂતિમાં પોતેય Alien બન્યો છે – પાંદડું પરદેશી જેવો! ગ્રામચિત્રોની હારોહાર જાણે નાયક પણ માંહ્યોમાંહ્ય ભૂંસાઈ અસ્તિત્વનિઃશેષ થઈ જવાની ક્ષણે પ્રહાયો હોય એવી છાપ ભાવકમાં સદ્ય સક્રાન્ત થઈ એમાં કૃતિની સફળતા છે.

પંક્તિઓ ચીંધી ઘણું લખી શકાય પણ એવું પેરાફ્રેઝ અહીં પ્રસ્તુત નથી. એમ કરવું એટલે પંકમાં ખીલેલા પંકજની પાંખડીએ પાંખડી વિખૂટી કરી બતાવવું કે જુઓ આ કમલ અને એનાં દલેદલ કેવાં સુંદર છે! છતાં ગીતનો ઉઘાડ પ્રલોભક છે. ફરી માણી જુઓ:

બા–ની સાથે ગયું બાળપણ ગામ જવાની હઠ છોડી દે
વસતિ વચ્ચે વિસ્તરવું રણ ગામ જવાની હઠ છોડી દે

અહીંની અર્થધ્વનિછટા (nuances of meaning) જુદી જ છે. જે એનાં ભાષાકર્મ અને ગર્ભવસ્તુથી સમૃદ્ધ છે. ‘બાની સાથે ગયું બાળપણ’માં પ્રથમ ભાવ વૉસ્ટ ઇનોસન્સ, નિર્દોષતાનું અપહરણ અને ‘બાની સાથે’માં ‘મધર અર્થ’, એટલે કે વતનગામનાં સાહચર્યો ઉદ્ભાસિત થાય છે.

બાની સંગાથે ‘સગાં અને સગપણ સૌ છૂટ્યાં’ જેવું થયું. ‘સગપણ ભૂલી પ્રજા મોકળી’ પંક્તિનું પુનરાવર્તન મને કહ્યું. નાયકને મકાઈ ભાવતી હશે અને સગોભાઈ વાવતો નથી એટલે સ્પષ્ટ કહી દેવાયું: ‘લોહી ખરું પણ નથી સગાઈ.’ (અહીં લોહીની ‘સગાઈ’નો પૂર્વપંક્તિના ‘મકાઈ’ સાથે કેવો મજાનો પ્રાસમેળ બેસાડ્યો છે.)

નૉસ્ટેલ્જિયા – ભૂતકાળ આઘેરા ભૂરા પહાડ સમો ભૂખરો બની ગયો છે! ટેકરીઓ નોંધારી બની ગઈ. ચોરાચોતરા તૂટ્યા ને પાળિયા પણ ગયા. રહ્યું શું? તો પ્રથમ પંક્તિની બીજી કડીમાં ઝડપાયું છે તે ‘વસતિ વચ્ચે વિસ્તરતું રણ..’

કામગરાને કામનો વ્યાધિ અહીં પણ લાગુ પડી રહ્યો છે, ગયો નથી. બા નથી એટલે તો પાદર રસ્તા પણ પૂછે: ‘કૌનું છે ભૈ કામ?’ એમ પૂછવા પાછળ સહાય થવાના ભાવ કરતાં અહીં તમે કામના નથી રહ્યા એવો ધ્વનિ પણ છે. ‘ખેતર સાથે અંજળ ખૂટ્યાં’ એટલે ‘માટીવટો’ વતનવટો કરી નગરે વસ્યા અને કદાચ નગરે ઉપહાર દીધો આળાપણાનો એટલે કહેવણું આવ્યું. વાતવાતમાં દુઃખ લાગશે. લોક નગર કરતાં પણ સરવાળા શીખી ગયા છે ગામડાગામમાં. મને ‘છાશ રોટલો’ સાથે ‘ગયાં વસૂકી’ પ્રયોગ ચોટ લગાવી રહ્યો. દૂધ દેતી ગાય બંધ થાય – વિશુષ્ક થાય – એટલે ‘ગાય વસૂકી’ જેવો ભાષાપ્રયોગ છે પણ અહીં ‘છાશ રોટલો ગયાં વસૂકી’ કવિનું મણિકર્મ બને!

આ ગીતમાં ગ્રામવિશ્વના સ્થળવસની યાદી ઘણી લાંબી છે પણ અહીં અત્યંત મહત્ત્વનું ‘તળાવ’ જ વિસારે પડ્યું છે! (રઘુવીર ચૌધરીની ‘તે પહેલાં’ કૃતિમાં સીમતળાવને સંલગ્ન કરતી પંક્તિ સાંભરી, ‘તે પછી મારા ગામની સીમની, ઊંડી આંખ જેવી તલાવડી સુકાઈ ગઈ…’)

બ્રિટિશ વિવેચક સિરીલ કોનોલીનું વિધાન ધ્યાનાર્હ છે:

Most people do not believe in anything very much and our greatest poetry is given to us by those that do.

મણિલાલ હજુ ભરપૂર શક્યતા ધરબીને બેઠેલા કર્તા છે, ઉત્તમ કૃતિઓ હજુ જરૂર આવશે પણ તિર્યક્ દૃષ્ટિએ વતન પ્રત્યેનો સંમાન્યતા–રાગ સાચુકલો છે. (રચનાને રસ્તે)