અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ હ. પટેલ/વ્હાલનું વૃક્ષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વ્હાલનું વૃક્ષ

મણિલાલ હ. પટેલ

વૃક્ષોને વ્હાલ કરવાનો વખત લઈને
આવ્યો છું વનોમાં
જનોથી દૂર આ ઉપવનોમાં
વાતા અસલ પવનોમાં
હમણાં જ ઉરાડી મૂક્યું છે મેં મારું આયખું —
તે ઓ જાય ઊડતું દૂર દૂર ચૂર ચૂર...
આ લીલાંકાચ કાસારવારિ — સુખાકારી
ને મસ્તક ચૂમતું શુભ્ર સુહતું નીલાકાશ
માટીની અસલ ગંધ ગણગણતી હવાઓ
ને તડકાની કરકરી કામળી
પાંદડે પાંદડે પીત પામરી પથરાઈ...
હોવાપણું આટલું હળવુંફૂલ ક્યારેય નહોતું!
આ હેરતાં ઘેરતાં તરુવરો
ને ટગટગ તાકતી મસ્તીખોર ઘટાઓ, એમની —
ડાળેડાળની મદીર છટાઓ મને
કૂંપળમાંથી કળી બનાવી દે છે
અરે! આ સ્પંદન... આ સંવેદન... પવન મન
હવે તો મારે બસ ફરફરવાનું ફુહારોમાં
પમરવાનું પ્રસરવાનું ક્ષણક્ષણમાં
કણકણમાં મળી જવાનું
ભળી જવાનું ભોંયમાં — ને
પુનઃ વૃક્ષ બની જવાનું —
વ્હાલનું વૃક્ષ!