અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ હ. પટેલ/સંસ્કૃતિક્ષય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સંસ્કૃતિક્ષય

મણિલાલ હ. પટેલ

(શિખરિણી – સૉનેટ)

ગયા એ દા’ડાઓ, તરુ સર નદી ને વન ગયાં,
કપાયા પ્હાડો ને અસલ વનવાસી જન ગયાં.
વીતેલાં એ વર્ષો હરિત તડકે વાંસવનમાં,
નદી કાંઠે જ્યોત્સ્ના-રૂપ વદન આજે ય મનમાં!
ભર્યાં વૃક્ષો પંખી — કૂજન, ઝરણે ગાન ઝરતાં,
વળી આકાશેથી સૂરજ — વિધૂ થૈ પાન ખરતાં!
અરે! રાને રાતે વનપવન કેવો નીકળતો...!
સવારે કૂંણેરી કણજી-વિટપે સૂર્ય મળતો...

ગયો ક્યાં એ મારા વતન-વનનો આદિમલય?
સદી આખ્ખી વીતી વસમી વીસમી, સંસ્કૃતિક્ષય!
બધાં યંત્રેઘેર્યાં નગર, ઘર, વેરાન વલખે
મથું ચ્હાવા તોયે સ્વ-જન દૂર! ના, આંખ પલકે!
વિસામા થાક્યાના પણ નવ જડે, રાત પડતી...
નથી મારા વ્હાલા! અસલ ઘરની વાટ જડતી...!
તા. ૧૯.૦૯.૨૦૦૦ (પ્રથમ) તા. ૧૫.૦૯.૨૦૧૪ (સંમાર્જન), વલ્લભવિદ્યાનગર