અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોજ ખંડેરિયા/એમ પણ બને (પકડો કલમ ને)
Jump to navigation
Jump to search
એમ પણ બને (પકડો કલમ ને)
મનોજ ખંડેરિયા
પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને.
જ્યાં પ્હોંચવાની ઝંખના વરસોથી હોય ત્યાં —
મન પ્હોંચતાં જ પાછું વળે એમ પણ બને.
એવું છે થોડું છેતરે રસ્તા કે ભોમિયા?
એક્ પગ બીજા પગને છળે એમ પણ બને.
જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને.
તું ઢાળ ઢોલિયો; હું ગઝલનો દીવો કરું,
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને.
(હસ્તપ્રત, ૧૯૯૧, પૃ. ૧)