અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/તને જોઈ જોઈ તોય તું અજાણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


તને જોઈ જોઈ તોય તું અજાણી

રાજેન્દ્ર શાહ

         તને જોઈ જોઈ તોય તું અજાણી,
(જાણે) બીજને ઝરૂખડે ઝૂકી’તી પૂર્ણિમા
                  ઝાઝેરો ઘૂમટો તાણી.

વ્યોમ ને વસુંધરાની કન્યા કોડામણી,
તું તો છે સંધ્યાની શોભા સોહામણી,
લોચને ભરાય તોય દૂર દૂર ધામની;
વાયુની લ્હેર સમી અંગને અડી છતાંય
                  બાહુને બંધ ના સમાણી.

પોઢેલો મૃગ મારા મનનો મરુવને,
જલની ઝંકોર તારી જગવી ગૈ એહને;
સીમ સીમ રમતી તું, ના’વતી જરી કને;
સાબરનાં નીતરેલ નીર તું ભલે હો, આજ
                  મારે તો ઝાંઝવાનાં પાણી!

(સંકલિત કવિતા, પૃ. ૭૦-૭૧)




આસ્વાદ: કવિની કલ્પના-કવિતા — જગદીશ જોષી

કલ્પનો અને પ્રતીકોના કલામધુર વિનિયોગથી અને કવિતાના શબ્દને ‘અનેકવિધ અધ્યાસોનો પાસ આપીને સમૃદ્ધ’ બનાવતા આ કવિની કવિતાનું પૂર્ણ અને કળાયેલ રૂપ તો તેમનાં ગીતોમાં પ્રકટે છે. પ્રસ્તુત ગીત વાંચીને કોઈ મુગ્ધ વાચક પૂછી બેસે: ‘તને એટલે કોને?’ તને એટલે આને અ-બ-એમ ન કહીએ ત્યાં સુધી માણ ન વળે. કેટલાંક કાવ્યોની મજા જ એ છે કે એની અકળતા જ એની સફળતાની દ્યોતક બની રહે. સંપૂર્ણ અંધકારથી ભર્યાભર્યા ઓરડામાં હાથમાં બૅટરી લઈને એક ખૂણામાં પ્રકાશ ફેંકો ત્યારે ઓરડાના ત્રણેય ખૂણામાં પડેલી કંઈક કંઈક નવી નવી વસ્તુઓ સ્પષ્ટ કે ઝાંખી દેખાશે, અને છતાં ઓરડો એક જ છે, અંધકાર એક જ છે, ટોર્ચલાઇટ એક જ છે.

કલ્પના જ મૂળ સ્રોત છે ‘તને’ નો! ‘તું’ એ તો ઘૂમટાળો ત્રિકોણ છે — વ્યક્તિનો, કવિતાનો અને કવિની કલ્પનાનો.

કલ્પનાને તમે ‘જુઓ’ છો જ, છતાં એ અજાણી જ રહે છે. સાચું સૌંદર્ય પૂર્ણપણે પ્રકટે નહીં. એનું સાંગોપાંગ અસ્તિત્વ તો આવરણમાં જ રહે છે — પણ આનું ચેતનવંતું ચિત્ર વસે તો કોક પ્રતિભાવંત કવિની જ આંખમાં.

કલ્પન તો જુઓ. છે પૂર્ણિમા; પણ ઝૂકી ત્યારે બીજને ઝરૂખડેથી! તેં ‘ઝાઝેરો’ ઘૂમટો તાણ્યો હોય કે ‘આછેરો’ ઘૂમટો તાણ્યો હોય છતાં પણ કવિતા — કલાકૃતિ — આમ તો એક આકાશી વાસ્તવિકતા છે. વ્યોમ અને વસુંધરાના, તેજ અને તિમિરના સંધિકાળનું સૌંદર્ય પ્રગટાવતો એ એક સેંદ્રિય અનુભવ છે. સાચા સૌંદર્યની ચેતના કુંવારી જ છે. ‘કન્યા કોડામણી’ જ છે. વાયુની લહરની જેમ શરીરને અચૂક સ્પર્શતી કલ્પના કોઈ મામૂલી વ્યક્તિ નથી કે ‘બાહુના બંધ’માં સમાય. એ તો આંખની સીમામાં કે દૃષ્ટિની પેલે પારની ક્ષિતિજમાં નિ:સીમ વિસ્તરે. રાજેન્દ્ર શાહ આવા મધુર આવરણનો મંજુલ મહિમા કરતા રહ્યા છે. દા.ત., ‘નજરે નજર મળતી એમાં નહીં ઠેકો નહીં તાલ/આછેરા ઘૂંઘટની આડે ઊછળે ઝાઝું વ્હાલ’ કે પછી, ‘પાતળો તોયે ઘૂમટો, મારે ન્યાળવાં લોચન લોલ.’

કલ્પનાની સૃષ્ટિ રમણાની, ભ્રમણાની સૃષ્ટિ છે. પણ વાસ્તવિકતાની મરુભૂમિના હકીકતપ્રદેશમાં મનનો મૃગ પોઢી જાય. પણ આપણી અવચેતનાનો મૃગ પોઢ્યો હોય અને ‘જલની ઝંકોર’ અડે, કલ્પનાનું જળ સહેજ ઝળહળે અને મૃગ સતેજ થઈ જાય છે. વાસ્તવિકતાની ભૂમિને શેઢે જ કલ્પનાપ્રદેશ વિસ્તરે છે. એની સાથે તો ઝાલઝલામણી રમવાની મજા આવે, પણ એ ઝલાય શાની?

કલ્પના, તું સાબરનાં નીતરેલાં નીર જેવી શુભ્રા ભલે હો પણ આજે, મારે માટે તો તું, ઝાંઝવાનાં પાણી જેવી જ રહી છો. કવિને એની કલ્પના મળે એ જ મોટું અહોભાગ્ય છે: પણ કલ્પનાને એનો કવિ મળે એ કેવો અકળ અકસ્માત છે તેની કલ્પના ખુદ કલ્પનાને ક્યાંથી હોય!

કલ્પના જો કૌવતવાળી હોય અને કવિ જો સાચે જ પ્રતિભાવંત હોય તો કવિતા કેવો જાદુ સાધી શકે એ આપણે રાજેન્દ્રની જ બીજી એક કૃતિને આધારે જોઈશું?

એવો એનો ઇલમ પાણીનું મીન બને નભખંજન. (‘એકાંતની સભા'માંથી)