અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/શાંત કોલાહલ
Jump to navigation
Jump to search
શાંત કોલાહલ
રાજેન્દ્ર શાહ
રમી રહ્યાં કોમલ રશ્મિ સૂર્યનાં
આ ગુલ્મને આંગણ
પારિજાતની સુગંધમીઠી ઝરી જ્યાં પ્રસન્નતા.
પણે ચણે ધૂલિથી ધાન્યના કણ
ટોળે મળી કાબર, ચાષ;
કલબલ તે કેટલી?
ચંચલ કૈં!
અકારણ ઊડી જતાં ડાળ વિશે
અને ફરી તુરંત ભેળાં વળી એ જ ધૂળમાં!
ને માર્ગથી ગૌચરની ભણી ધણ ધસંત
હંભારવમાં બધાય તે અવાજ ઝાંખા
ઘર, હાટ, ઘાટના.
આ વ્યોમનો ઝાકળ-દ્યૌત નિર્મલ
ડ્હોળાય આખો અવકાશ,
રૂપ શું પ્રકાશનું એથી વિશેષ ઉજ્જ્વલ!
સુષુપ્તિનો જે અનુબોધ
કર્મને કોલાહલે તે લહું શાન્તિ ગોચર!