અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ જોશી/કૂંચી આપો, બાઈજી!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કૂંચી આપો, બાઈજી!

વિનોદ જોશી

કૂંચી આપો, બાઈજી!
તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈ જી?

કોઈ કંકુથાપા ભૂંસી દઈ મને ભીંતેથી ઉતરાવો,
કોઈ મીંઢળની મરજાદા લઈ મને પાંચીકા પકડાવો;

ખડકી ખોલો, બાઈજી!
તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઈ જી!

તમે ઘરચોળામાં ઘુઘરિયાળી ઘરવખરી સંકેલી,
તમે અણજાણ્યા ઉંબરિયેથી મારી નદિયું પાછી ઠેલી!

મારગ મેલો, બાઈજી!
તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઈ જી!

(ગુજરાતી કવિતાચયન : ૨૦૦૦, સંપા. ધીરેન્દ્ર મહેતા, પૃ. ૧૦૬)




આસ્વાદ: મીંઢળબાંધ્યા હાથે પાંચીકા ન પકડાય – ઉદયન ઠક્કર

આ ગીત એક નવપરિણીત સ્ત્રીની ઉક્તિ છે. કાઠિયાવાડ બાજુ સાસુને ‘બાઈ’ સંબોધન કરાય છે. ઘરમાં રાજ ચાલે છે સાસુનું — કૂંચી તેમના હાથમાં છે. (સુરેશ દલાલ કહેતાં તેમ સાસુનો પ્રાસ આંસુ સાથે મળે છે.) સ્ત્રીના લગ્નને ઝાઝો સમય નહીં થયો હોય, શરણાઈના સૂર હજી તેના કાને ગુંજી રહ્યા છે. શરણાઈ મૈયરના લાડકોડનું પ્રતીક છે. સાસુએ શરણાઈ સાચવી — સંભાળી નથી, પટારે મેલી દીધી છે!

ભીંત પર નવી નવેલી વહુના કંકુથાપા લેવાનો આપણામાં રિવાજ છે. પછી વહુના હાથ બંધાઈ જાય છે. કુંવારી ઇચ્છાઓને ભીંત સરસી ચંપાયેલી જોઈને અનારકલી સાંભરે. મરજાદ શબ્દ મર્યાદામાંથી આવ્યો છે. સ્ત્રીને મીંઢળની મરજાદથી મુક્ત થવું છે, જેથી તે ફરી પાંચીકા રમી શકે. મેંદીરંગ્યા પગે પકડદાવ ન રમાય અને મીંઢળબાંધ્યા હાથે પાંચીકા ન પકડાય. ખડકી એટલે ઘર આગળની બારણાવાળી છૂટી જગા. અહીં જ ઊભીને સાસુએ નવી વહુને પોંખી હશે. વહુ પૂછે છે, તમે મને કટાણે — અશુભ મુરતે — કેમ પોંખી? કલરવને પોંખ્યો કે કઠણાઈને પોંખી? જે ખડકીમાં થઈ પોતે અંદર આવેલી, તેને ઓળંગી બહાર ચાલ્યા જવાની સ્ત્રીને ઇચ્છા થાય છે. એક જ પંક્તિમાં ત્રણ ‘ખ’કાર અને પાંચ ‘ક’કાર! સાસુએ સ્નેહસગાઈ ભલે ન સાચવી, કવિએ વર્ણસગાઈ તો સાચવી છે.

ઘરચોળું એટલે માંગલિક પ્રસંગે સૌભાગ્યવતીએ પહેરવાની રેશમી ચૂંદડી. લગ્નટાણે સાસરિયાંએ ઘરચોળામાં પિયરિયાંની પ્રીતનું પોટલું વાળી દીધું. (કવિએ ગીતના ચરણે ‘ઘ’ કાર અને ‘ર’કારની ઘૂઘરીઓ બાંધી છે.) સ્નેહસરિતાની જેમ આવેલી સ્ત્રી સાસરિયામાં સમાઈ શકી નથી. ઉંબરો કબીરે કલ્પેલા પર્વતની જેમ આડો ઊભો છે. સ્ત્રીનો સ્વર ક્રમશઃ ઊંચો ચડતો જાય છે. પહેલાં કૂંચી માગી, પછી ખડકી ખોલાવી, હવે મારગેથી આઘા ખસવાનું કહે છે. અસલનાં સંયુક્ત કુટુંબોમાં દાદાનું સ્થાન અદકેરું ગણાતું. દીકરી મનની વાતો દાદાને કરતી. (‘દાદા! હો દીકરી…!’) દાદા જાણે વટવૃક્ષ. (‘અમારા એ દાદા, વિપુલ વડના ઝુંડ સરખા’ — પૂજાલાલ) એમની વડવાઈઓથી નિતનવા વડ મહોરતા. સાસુએ શું કર્યું? કલ્પવૃક્ષ પર કુહાડો ચલાવ્યો.

સ્ત્રી વ્યથિત હોવા છતાં વિવેક ચૂકતી નથી, આરંભથી અંત સુધી ‘જી’કારો જાળવી રાખે છે. કૂંચી, શરણાઈ, કંકુથાપા, મીંઢળ, પાંચીકા, ખડકી, ઘરચોળું, ઉંબર, વડવાઈ જેવાં પ્રતીક પ્રયોજીને વિનોદ જોશી કલહનું કવિતામાં રૂપાંતર કરે છે. આપણી ભાષાનાં ઉત્તમ ગીતોમાંનું આ એક છે.

(‘આમંત્રણ’)