અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ જોશી/ખડકી ઉઘાડી હું તો…

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ખડકી ઉઘાડી હું તો…

વિનોદ જોશી

ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી’તી
મુને ઉંબર લઈ ચાલ્યો બજારમાં…

પ્હેલ્લી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન,
કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો, ઉપર ઉમેરે તોફાન;

આમ તેમ જોતી હું તો અમથી ઊભી’તી
લાલ છાંટો ઊડ્યો રે શણગારમાં…

બીજી દુકાને એક વાણીડો બેઠો, વાણીડો જોખે વહેવાર,
ઝટ્ટ દઈ તોળી મુને આંખ્યુંના ત્રાજવે, લટકામાં તોળ્યા અણસાર;

સાનભાન ભૂલી હું તો અમથી ઊભી’તી
દઈ પડછાયે ટેકો સૂનકારમાં…

ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ,
બખિયે આવીને એક બેઠું પતંગિયું, સૂયામાં વાગી શરણાઈ;

નામઠામ છોડી હું તો અમથી ઊભી’તી
સાવ નોંધારી થઈને ભણકારમાં…

ચોથી દુકાને એક રંગારો બેઠો, રંગારે ઘોળ્યા અજવાસ,
સૂરજ વાટીને એણે ઓર્યા રે સામટા, ઉપરથી રેડ્યું આકાશ;

રૂમઝૂમ થાતી હું તો અમથી ઊભી’તી
હવે અમથી ઊભી’તી એંકારમાં….
હજી અડધે ઊભી’તી એંકારમાં…
મુંને ઉંબર લઈ ચાલ્યો…
(ઝાલર વાગે જૂઠડી, ત્રીજી આ. ૧૯૯૫, પૃ. ૭)