અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સતીન દેસાઈ ‘પરવેઝ’/ન ગાજીએ અમે
ન ગાજીએ અમે
સતીન દેસાઈ ‘પરવેઝ’
ગુંજીએ ભ્રમર સમું ન ગાજીએ અમે,
બાર માસ એકસરખું બાજીએ અમે.
શબ્દના સ્તરો બધાય માંજીએ અમે,
એટલે હિમાલયે બિરાજીએ અમે.
શુદ્ધ આવકાર થૈને છાજીએ અમે,
કાળ જેવા કાળને નવાજીએ અમે.
રંજ કોઈ ફાગ કે અષાઢનો નહીં,
રંગ જે જે ઓગળે તે આંજીએ અમે.
ઓ અદબ આ આગવું પ્રમાણ જોઈ લે,
ઊંચકે નકાબ એ ને લાજીએ અમે.
(મુખોમુખ, ૧૯૯૩, પૃ. ૧૦)