અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સાહિલ પરમાર /તું હાર્યો તો નથી જ
સાહિલ પરમાર
તું ખૂબ મથ્યો, મારા બાપ
ખૂબ મથ્યો —
અજગર જેવા આ લોકોના
ભરડામાંથી અમને ઉગારવા.
પણ બહુરૂપિયા છે આ લોકો તો.
અજગર પણ બની શકે છે
અને અમીબા પણ બની શકે છે આ લોકો.
વાઘ પણ બની શકે છે
અને શિયાળ પણ બની શકે છે આ લોકો.
તું ભોળવાયો
આ લોકોની સાથે બેઠો.
આ લોકો તારી સાથે બેઠા.
ગોળ પણ બેસી શકે છે
અને હરોળબંધ પણ બેસી શકે છે આ લોકો.
પછી તો મેજ પણ હતાં,
મેજ પર આ લોકો પણ હતા —
ન હતો માત્ર તું
તું મુત્સદ્દી ન હતો એવું તો નથી જ
પણ
ધગધગતા પ્રહાર સાથે
આંધી પણ પેદા કરી શકે છે આ લોકો
અને શીતળ ધાર સાથે
ગાંધી પણ પેદા કરી શકે છે આ લોકો.
બથાવી પાડ્યું આ લોકોએ
મિલકતનું થડિયું
અને આપ્યાં તારા હાથમાં
ડાળાંપાંખળાં અનામતનાં.
જમીન ને ચાવીરૂપ ઉદ્યોગોનું રાષ્ટ્રીકરણ
સ્ત્રીઓના અધિકારો અને બંધારણનું રક્ષણ
તારા બધાય વિચારો
દટાયા ભોંયમાં
ને છેવટે તું ધકેલાયો હરોળ બહાર
સંસદના ચોતરે
એકલો,
અટૂલો.
ખુદ શસ્ત્ર બની પણ શકે છે આ લોકો
અને બીજાને શસ્ત્ર બનાવી પણ શકે છે આ લોકો.
ને છતાં
આ લોકો સામે
તું હાર્યો જ છે
એવું તો નથી જ.
હિમયુગની સદીઓ જેવી જામી પડેલી
એમની સખત નાગચૂડ
ઓગળતી જાય છે આજે
એ પ્રતાપ તારો છે.
મૂંગાં મૂંગાં પશુઓ
સમયની સડેલી ખાલ ઉખાડી
માનવ બનવા મથી રહ્યાં છે આજે
એ પ્રતાપ તારો છે.
જે ધરતીની ધૂળમાં ધરબાયેલી હતી
દૃશ્યોથી દૂર દૂર તરછોડાયેલી હતી
ને શમણાંનાં ગામથી હડસેલાયેલી હતી
એ આંખ
આસમાનના તારાની આરપાર પણ
મીટ માંડી શકે છે આજે
એ પ્રતાપ તારો છે.
હાથ જોડી જોડીને
હાથની રક્તવાહિનીઓનું
થીજી ગયેલું લોહી
હણહણી ઊઠ્યું છે આજે
એ પ્રતાપ તારો છે.
અક્ષરોના અવાજથી થરથરનારા
અક્ષરોના મારથી મરનારા
અક્ષરોની ગોફણ ચલાવી પણ શકે છે આજે
એ પ્રતાપ તારો છે.
લાડવાની જેમ પચી જનારાઓને
અગસ્ત્યનાં આ આર્યસંતાનોનાં
અફાટ સિંધુ જેવાં પેટ
પચાવી નથી શકતાં આજે
એ પ્રતાપ તારો છે.
દંડા જ ખાનારાઓના એક હાથમાં
વાદળી ઝંડો છે અને બીજા હાથમાં
લાલ ઝંડો છે આજે.
ક્રાંતિની જાંબુડી મશાલ
ભભૂકી ઊઠશે કાલે
તો એ યશનો સહભાગી
તું પણ હોઈશ, મારા બાપ
ખૂબ મથ્યો છે તું,
ખૂબ મથ્યો છે
અજગર જેવા આ લોકોના
ભરડામાંથી અમને ઉગારવા