અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુંદરજી બેટાઈ/પાંજે વતનજી ગાલ્યું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પાંજે વતનજી ગાલ્યું

સુંદરજી બેટાઈ

પાંજે વતનજી ગાલ્યું,
                  અનેરી પાંજે વતનજી ગાલ્યું.
દુંદાળા દાદાજી જેવા એ ડુંગરા,
ઉજ્જડ છો દેખાવે ભૂંડા ને ભૂખરા :
                  બાળપણું ખૂંદી ત્યાં ગાળ્યું.          અનેરી.

પાદરની દેરી પે ઝૂકેલા ઝુંડમાં,
ભર્યે તળાવ, પેલા કૂવા ને કુંડમાં :
         છોટપણું છંદમાં ઉછાળ્યું.          અનેરી.
પેલી નિશાળ જેમાં ખાધી’તી સોટીયું
પેલી શેરી જ્યાં હારી ખાટી લખોટીયું :
         કેમે ભુલાય કાનઝાલ્યું?          અનેરી.

બુઢ્ઢાં મીઠીમા, એની મીઠેરી બોરડી;
ચોકી ખડી — એની થડ માંહે ઓરડી!
દીધાં શાં ખાવાં? અમે ઝંઝેરી બોરડી :
         બોર ભેળી ખાધી’તી ગાળ્યું.          અનેરી.

બાવા બજરંગીની ઘંટા ગજાવતી,
ગોમી ગોરાણીની જીભને ચગાવતી,
ગોવા નાવીની છટાને છકાવતી,
         રંગીલી, રંજીલી ગાલ્યું.          અનેરી.

વ્હાલભર્યાં વેલાંમા, ચંચી એ ચીકણી,
તંતીલી અંબા ને ગંગુ એ બીકણી,
શ્યામુ કાકાની એ ધમકીલી છીંકણી
         જેવું બધુંય ગયું હાલ્યું.          અનેરી.

છોટી નિશાળેથી મોટીમા ચાલ્યાં,
પ…ટ પ…ટ અંગરેજી બોલ બે’ક ઝાલ્યા,
ભાઈ ભાઈ ક્‌હેવાતાં અકડાતા હાલ્યા :
         મોટપણું મ્હોરન્તું મ્હાલ્યું.          અનેરી.
(તુલસીદલ, ૭૧-૭૨)