અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘સગીર’/હોવી જોઈએ
હોવી જોઈએ
સગીર
સાંભળવા પાત્ર તમારી સભા હોવી જોઈએ,
સંભળાવવા જો મારી કથા હોવી જોઈએ.
શોધું છું એ ગુનાઓ હું તૌબાના શોખમાં,
તૌબાય શોભે એવી ખતા હોવી જોઈએ.
મંજિલ ભલે મળે ન મળે રાહબર! મને,
પણ પંથ ચાલવામાં મઝા હોવી જોઈએ.
મરજી વિના હું થઈ ગયો છું એમનો સદા,
ક્હેવું જ પડશે કૈંક કલા હોવી જોઈએ.
કોણે કહ્યું કે મસ્તની મહેફિલમાં આવતાં,
વ્હેવાર ને નિયમની પ્રથા હોવી જોઈએ.
મુજથી ખતા થઈ, ન કરી તેં મને સજા,
તારી મને ક્ષમા જ સજા હોવી જોઈએ.
મોજાં ઊછળતાં જળ મહીં ક્યાંથી ભલા કહો!
સાગર મહીં કોઈની યુવા હોવી જોઈએ.
તુજ રૂપની પ્રશંસા નવાં રૂપથી કરું,
પણ ચાહું છું કે તારી રજા હોવી જોઈએ.
કષ્ટો કરે સલામ ને સંજોગ પણ નમન,
એવી જ યુવકોની યુવા હોવી જોઈએ.
મરજી ફરી પ્રયાણની ઝડપી બની, ’સગીર’!
લાગે છે કો’ નવી જ દિશા હોવી જોઈએ.
(મુખોમુખ, ૧૯૯૩, પૃ. ૧૦)