અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ/અતિજ્ઞાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અતિજ્ઞાન

‘કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ

         ઉદ્ગ્રીવ દૃષ્ટિ કરતાં નભ શૂન્ય ભાસે,
         ઝાંખી દિશા પણ જણાય, અનિષ્ટ પાસે,
         જામી ગઈ તરત ઘોર, કરાલ રાત,
         લાગી બધે પ્રસરવા પુર માંહી વાત.
ઇંદ્રપ્રસ્થજનો આજે વિચાર કરતા હતા;
એક બાબતને માટે શંકા સૌ ધરતા હતા.

         દુર્યોધનપ્રેષિત દૂત એક,
         દેખાવમાં ઘાતક દુષ્ટ છેક.
         જતો હતો અંધ થતી નિશામાં,
         સુગુપ્ત રાજગૃહની દિશામાં!
શાને આવ્યો હશે, તેની કલ્પનાઓ ચલાવતા;
ભય સંદેહ દર્શાવી, શિર કોઈ હલાવતા!

         નિગૂઢ શંકા પુરવાસીઓની આ,
         જરાય નિષ્કારણ તો નહોતી હા!
         કરેલ આમંત્રણ ધર્મરાજને,
         રમાડવા દ્યૂત અનિષ્ટભાજને.
હા કહીને રજા આપી યશસ્વી જ્યેષ્ઠ પાંડવે;
બોલાવ્યા ત્રણ બંધુને મળવાને પછી હવે.

         શિશુસમાન ગણી સહદેવને,
         ખબર આ કંઈયે ન કર્યા હતા;
         અવર સર્વ ગયા નૃપની કને,
         પરમ દુઃખિત અંતરમાં થતા!
કનિષ્ઠ દ્રૌપદી સાથે પોતાના વાસમાં હતો,
સતી ખેદ હતી જોતી વદને વધતો જતો.

         ત્રિકાળનું જ્ઞાન હતું કુમારને.
         નજીક આંખે નીરખે થનારનેઃ
         સ્વપક્ષનો દ્યૂત વિષે પરાજય,
         વળી દીસે દ્રૌપદીમાનનો ક્ષય!
જાણે બધું તથાપિ કૈં કહેવાની રજા નહીં,
શમાવી ન શકે તેથી મૂંઝાય મનની મહીં.

         નહીં શકું હાય! બચાવી કોઈને,
         અશક્ત જેવો રહું બેસી રોઈને;
         ખરે! દીસે દુઃખદ શાપ આ મને,
         નિહાળું છું ભૂત ભવિષ્ય જ કને!
‘હા ધિક્! હા ધિક્! કૃતઘ્ની હું આમ મૌન ધરી રહું :
આવતું વાદળું દેખી મુખથી ન કશું કહું!’

         વિચારતાં નેત્ર જલે ભરાય છે,
         શરીરનું ચેતન ત્યાં હરાય છે;
         લઈ જઈને પ્રિય વક્ષની સમી,
         ગ્રહી કરે મસ્તકથી રહ્યો નમી!
રહી જરા ફરી પાછો છૂટો થાય શરીરથી :
‘પ્રિયે! સ્પર્શ કરું શું હું! અધિકાર જરા નથી!’

         કરાય શું નિષ્ફળ જ્ઞાન સર્વ આ,
         થનાર ચીજો નવ થાય અન્યથા :
         સદૈવ ચિંતા દિલમાં વહ્યા કરું;
         અનેક હું એકલડો સહ્યા કરું!

         રજની મહીં, સખી, ઘણીક વેળા,
         નયન મળે નહીં ઊંઘ જાય ચાલી;
         કરી તુજ શિરકેશ સર્વ ભેળા,
         વદનસુધાકરને રહું નિહાળી!’

         આવું કહ્યું, ત્યાં શિર શૂળ ચાલ્યું,
         રહ્યું નહીં મસ્તક મત્ત ઝાલ્યું;
         મારી કુમારે અતિ આર્ત્ત હાય,
         કહ્યું, ‘હવે એક જ છે ઉપાય!’

         ચાલી જરા ને ગ્રહી એક શીશી,
         પ્યાલી ભરી દંતથી ઓષ્ઠ પીસી :
         ખાલી કરી કંઠ વિષે ત્વરાથી;
         ગયો બધો એ બદલાઈ આથી!

સતી બેભાન શય્યામાં ગંધથી જ પડી ગઈ;
સૂતો જ્યોતિષી પ્યાલીને છાતી સાથે જડી દઈ!

(પૂર્વાલાપ, પૃ. ૭૩-૭૫)



કાવ્યપઠન • વિનોદ જોશી