અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ/દેવયાની

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
દેવયાની

'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ

‘રજનીથી ડરું તોયે આજે એ લેખતી નથી;
ક્યાં છો? કચ, સખે? ક્યાં છો? કેમ હું દેખતી નથી?’

લંબાવેલા સ્વર મધુર આ વ્યોમ માંહે તરે છે,
પુષ્પે પુષ્પે વિટપ વિટપે નૂતનશ્રી ભરે છે;
નાનાં નાનાં વપુ ધરી શકે શોધતા એ દિશામાં,
રેલંતા એ રતિ વિવિધ શી કૈં શશીની નિશામાં!

         દિવ્ય પ્રભા નીરખી ઉત્સુક જે થયેલી,
         દેખાડવા સુહૃદને પ્રણયાર્દ્ર ઘેલી;
         તે આ સ્વભાવસરલા કરી દોડ નાની,
         બોલાવતી ધસતી બાલક દેવયાની.

તરે જે શોભાથી વન વન વિશે બાલહરિણી,
સરે વા જે રીતે સુરસરિતમાં સૌમ્ય કરિણી,
કરે એવું જ્યોત્સ્નાભ્રમણ, ભ્રમણે જ્યાં અટકતો
શશાંક પ્રેક્ષીને સુભગ મણિ સેંથે ઝબકતો!

તરુઓ અભિનંદે આ અંગો લલિતને નમી;
સમગ્ર નભ વર્ષે છે, અહા! ઉપરથી અમી!

ઠંડો મીઠો કુમુદવનનો માતરિશ્વા વહે છે,
ક્રીડન્તો જ્યાં તરલ અલકશ્રેણિ સાથે રહે છે;

બાલાને એ વ્યજન કરતો દાખવે આભિજાત્ય,
પ્રેરે નૃત્યે પદ રસિકનો અગ્રણી દાક્ષિણાત્ય!

         જેવી તરંગ શિખરે જલદેવી નાચે,
         વક્ષઃસ્થલે શિશુ સમી ગણી સિંધુ રાચે;
         અજ્ઞાત તેવું રમણીય નિહાળી લાસ્ય,
         પામે પ્રમોદ વસુધા! ઊભરાય હાસ્ય!

હવે તો મેદાને વરતનુ દીસે છે વિચરતી;
વિલોકે સામે, ત્યાં ત્વરિત ચરણોની ગતિ થતી;
રહ્યાં બન્ને બાજુ તરુવર, નહીં કાંઈ વચમાં,
વસેલું આવીને પણ સકલ સૌંદર્ય કચમાં!

રોહિણીપતિના ભાલે રશ્મિઓ રમતા હતા :
તૃહિનાચલના જાણે શૃંગમાં ભમતા હતા!

શોભીતા શા સહુ અવયવો, સ્નિગ્ધ, ગોરા, ભરેલા,
યોગાભ્યાસ, પ્રબલ થકી શા યોગ્યતામાં ઠરેલા :
ગાલે, નેત્રે, સકલ વદને, દીપ્તિ સર્વત્ર ભાસે,
જ્યોત્સ્નાને એ વિશદ કરતો સ્વચ્છ આત્મીય હાસે!

         આકાશમંડલ ભણી દૃગ એ નથી જ,
         વિશ્રામ આજ નથી ભૌતિક કોઈ ચીજ;
         નેત્રો નિમીલિત થતાં હૃદયે તણાય;
         અધ્યાત્મ ચિંતન નિમગ્ન થયો જણાય!

હવે તો આ આવી નિકટ ગુરુકન્યા કચ તણી,
અવસ્થાને જાણી નહિ, અગર જાણી નહિ ગણી;
‘નિહાળે શું? હા! તો સફળ સમજું આગમનને!
નહીં : નીચી દૃષ્ટિ : અરર! અવમાને ગગનને!’

કર સાહી કહે મીઠું, ‘વ્યોમસાગરને તટે,
મુખ તો વિધુલક્ષ્મીનું જો, સખે! આમ ના ઘટે!’

પાડી નાખે તનુ પર પડ્યું બિન્દુ જે હૈમ આવી,
ઝાડીમાંથી મૃગપતિ જરા યાળ જેવો હલાવી;
કીધો નીચે સુતનુ કરને એ પ્રમાણે કચે જ્યાં,
ઝાંખા જેવો વિધુ પણ થયો દૈન્ય દેખી નભે ત્યાં!

         સાશંક ભીરુ નીરખી રહી આસપાસ,
         નાનું દીસે મુખ અનાદરથી ઉદાસ;
         ધીમે હવે કચ ભણી જ્યમ એ વળે છે,
         તેવું જ હા! ઊતરતી દૃગને મળે છે!

જરા જોયું, ત્યાં તો અતિશય દીસે છે પ્રસરતી,
કુમારીને લજ્જા, નયન પણ નીચાં જ ધરતી;
રહી વેળા થોડી કચ પણ હવે આમ ઊચરે,
હતું ધીમું તોયે, પરિચિત છતાં એ પણ ડરે!

‘અવસ્થાભેદનું દેવી! તને ભાન દીસે નહીં :
મુગ્ધા! શું સમજે છે તું બાલભાવ બધા મહીં?’

રે! રે! એને શ્રવણ ન કદી વાક્ય એવું પડેલું,
હૈયું એનું મૃદુલ વિરલું ગર્ભમાંથી ઘડેલું;
આંસુ આવ્યાં નહિ, પણ બની બાલિકા છેક ઝાંખી,
ઊભી યત્ને, વિવશ ચરણે, મર્મ નિઃશ્વાસ નાખી!

         આ તે ઊભી કુમુદિની સરખી નમેલી,
         જે ચંદ્રની વિકૃતિને ન કદી ખમેલી;
         લાવણ્યને વિવશ જોઈ નહીં શકે જે,
         ચિત્તે બહુ વખત રોષ ક્યહાં ટકે તે?

સ્વસા જેવી, જેને દિલગીર કરેલી નહિ કદા,
રહી સાથે જેની શિશુ સમ બનેલો પણ સદા;
કરી તેની આવી સ્થિતિ નિજ કઠોર પ્રવચને,
થયો પશ્ચાત્તાપ પ્રબલ મનમાં તુર્ત કચને.

શબ્દ સાંત્વનને માટે શોધે, પણ મળે નહીં;
વિચારે બહુધા, તોયે કંઈ ચેન વળે નહીં!

રોતી હોશે અવનત મુખે એમ શંકા કરીને,
ઊંચી લીધી તનુ કટિ કને બાહુ સાથે ધરીને
.
         ‘બોલે! શું છે વદ નભ વિષે, સજ્જ છું સર્વ જોવા,
         તારી સાથે, અધિક રડશે તો પછી સાથ રોવા!’

         રોકેલ અશ્રુદલ જે હૃદયે જડીને,
         ભીંજે કપોલ કચના હમણાં પડી તે;
         છાયું હતું ઘનપટે મુખ ખેદનાએ,
         ત્યાંયે સુહાસ્ય વિધુના સમ અલ્પ થાય!

ધરી હૈયા સાથે સદય મૃદુ આલિંગન કર્યું;
વહીને ઓષ્ઠેથી મધુર વદને ચુંબન ઠર્યું;
કરી નીચી હાવાં સજલ નયને એ નીરખતો,
છવાયેલું હર્ષે વદન દીસતાં હર્ષિત થતો.

સ્ફુરે લાવણ્યનું શું આ પરિવર્તન અંગમાં :
રમતી રમણી ભાસે દિવ્ય નૂતન રંગમાં!

શોભે જેવી શુચિ નીસરતી માનસેથી મરાલી,
વર્ષા કેરા વિરલ જલમાં નાચતી વા મૃણાલી;
ઓચિંતી વા તનુ ચમકતી મેઘથી જેમ વીજ,
બાલા તેવી બની ગઈ, ખરે અદ્ભુત સ્પર્શથી જ!

         વૃત્તાંત પૂર્વ સઘળું વીસરી ગઈ એ,
         દૃષ્ટવ્યમાં દ્વિગુણબદ્ધ હવે થઈ એ,
         સ્નેહોર્મિથી સદયની થઈ આંખ ભીની,
         જોતો રહ્યો સરલતા કચ સુંદરીની!

તરે જે શોભાથી વનવન વિશે બાલહરિણી,
સરે વા જે રીતે સુરસરિતમાં સૌમ્ય કરિણી;
કરે એવું જ્યોત્સ્ના ભ્રમણ, ભ્રમણે ત્યાં અટકતો
શશાંક પ્રેક્ષીને સુભગ મણિ સેંથે ઝબકતો!

વિશુદ્ધ સ્નેહનું જોડું વિશ્વસૌંદર્યમાં વહે :
વિલાસી વિધુ ને તારા નભથી નીરખી રહે!

(પૂર્વાલાપ, સંપા. પૃ. ૮૮-૯૧)