અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ/વત્સલનાં નયનો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વત્સલનાં નયનો

‘કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ

તિમિરાશયનાં ગહને પડતાં,
સપનાં વિધુરાં નઝરે પડતાં:
સહું તે, પણ કેમ શકાય; સખે! સહી
         વત્સલનાં નયનો રડતાં?

નહિ તે કંઈ દોષભર્યાં નયનો:
પણ નિર્મલ નેહસરોવર સારસ—
યુગ્મ સમાં પરિપૂર્ણ દયારસ:
         એ જખમી દિલનાં શયનો!



આસ્વાદ: વત્સલનાં નયનો : પારિજાતનું ફૂલ – પ્રો.મધુસૂદન કાપડિયા

વેદનાનું વરદાનમાં રૂપાંતર કરવાનો ચમત્કાર કવિચિત્તને હસ્તગત લાગે છે. કરુણની સામગ્રીમાંથી એ નિતાંત માધુર્યને નિષ્પન્ન કરે છે. કાન્ત આવા એક કીમિયાગર કવિ છે. ‘સૌંદર્ય – ઉચ્ચતર સૌંદર્ય દુ:ખાનુભવથી જ અધિગત થાય છે.” બ્રેડલીનું આ કથન આવા જ કોઈ સંદર્ભનો નિષ્કર્ષ હશે ! एको रस: करुण एव આ ભવભૂતિની કાવ્યપંક્તિને કવિ ફરી એક વાર નવેસરથી સાકાર કરી આપે છે. કાન્તની કાવ્યસૃષ્ટિના બધા જ આરોહ-અવરોહ આમાંથી જ ઉદ્ભવે છે અને અંતે અહીં જ આવી ઉપશમે છે, પછી તે ‘વસંતવિજય’ હોય, ‘ચક્રવાકમિથુન’ હોય, ‘દેવયાની’ કે ‘અતિજ્ઞાન’ હોય કે નાજુક દેહયષ્ટિ ધરાવતાં ઊર્મિકાવ્યો હોય – તે બધાંમાં જ ભવભૂતિ રામને અનુલક્ષીને જે કહે છે તે કવિ માટે પણ યથાર્થ ઠરે છે : दु:खसंवेदनायैव रामे चैतन्यमाहितम्। કવિએ પણ કેમ જાણે દુ:ખાનુભવની ઉપલબ્ધિને પામવા અને સહૃદયોને કરુણની રસાનુભૂતિનો પરિચય આપવા જ જન્મ લીધો ન હોય ! ‘સાગર અને શશી’માં કવિ કહે છે કે આનંદ અને ઉલ્લાસની ભરતી હેલે ચઢી છે. પરંતુ અહીં પણ આનંદોલ્લાસની ભરતી કરતાં પ્રસન્નતા અને મુદિતાની શાંતિનો જ કાવ્યમાં વિશેષ અનુભવ થાય છે તો “પિતા ! કાલના સર્વ સંતાપ શામે !” ત્યાં પેલા કરુણના પરિશમનનું જ અનુરણન સંભળાય છે. તેવી જ રીતે ‘ઉપહાર’માં આનંદના ઉદ્ગારો “ગમે તો સ્વીકારે ગત સમય કેરા સ્મરણમાં” એ અંતિમ પંક્તિના કરુણમાં વિગલિત થઈ જાય છે અને ચિત્તને આર્દ્રતાથી ભરી દે છે. God is dead એ નિત્શે (Nietzsche)નું વાક્ય જ્યારે સર્વગ્રાહ્ય નહોતું તે જમાનામાં ધર્મ અને ઈશ્ચર સજાગ વ્યક્તિઓ માટે પ્રાણપ્રશ્નો હતા. અને આપણે જાણીએ છીએ કે કાન્ત જેવી સંવેદનશીલ વ્યક્તિ માટે તો તે અત્યંત તીવ્રતર બની ગયા. કવિને આ સૃષ્ટિના નિયામકમાં શ્રદ્ધા નથી. આ સૃષ્ટિમાં તો જે ન્યાયપ્રિય છે, જે નીતિનિષ્ઠ છે, જે કરુણાર્દ્ર છે તે જ જાણે કેમ દંડને પાત્ર ન હોય ! આ અનવસ્થા કવિએ સર્વત્ર પ્રવર્તતી જોઈ છે, અનુભવી છે. કાન્તના જીવન અને કવનમાં કરુણનું આ રહસ્ય આપણે પ્રકારાન્તરે એમનાં કાવ્યોમાં વ્યક્ત થતું જોઈએ છીએ. રવીન્દ્રનાથ એક લેખમાં ન્યાય, નીતિ, સત્ય, ઋજુતા સાથે મુલાકાત યોજે છે. તેમાં સહુ પોતાનો પરિચય આપે છે પણ ઋજુતા ગુપચુપ ઊભી છે. કવિ સામે ચાલીને પૂછે છે : અરે, તું કેમ ચૂપ છે ? ત્યારે પ્રત્યુત્તરમાં એ કહે છે : હું શું કરું, હું બોલી શકતી નથી. મારું નામ ઋજુતા છે. આમ કેટલીક વાર સૌકુમાર્યનો ગુણ એ જ જાણે કેમ એની મર્યાદા ન હોય એમ એના તરફ ઉપેક્ષા સેવાય છે. કાન્તના ‘વત્સલનાં નયનો’ પરત્વે પણ કેટલેક અંશે આમ જ બન્યું છે. આપણે એને જરા વિગતે જોઈએ. “પણ કેમ શકાય સખે, સહી વત્સલનાં નયનો રડતાં ?” પ્રથમ કડીના વિરામને અંતે કવિ એક દુ:સહ સ્થિતિની સમ્મુખ આવીને ઊભા રહે છે. નથી એ આંસુ લૂછી શકાતાં, નથી એ આંસુ સહી શકાતાં, નજીક કે દૂરના ભવિષ્યમાં જેનો કોઈ ઉકેલ નથી એવી આ પરિસ્થિતિને સ્પષ્ટ કરવા કવિ રોકાતા નથી પણ તેને બદલે એ સ્પષ્ટ કરે છે : “નહિ તે કંઈ દોષભર્યાં નયનો” – આપ્તજનનાં આ આર્દ્ર નયનોમાં ક્યાંય આક્રોશ નથી, ઉપાલંભ નથી કે નથી ફરિયાદનો અણસાર. કવિ તરત જ આ નયનોને ઉપમાના સૌંદર્યથી મઢી દે છે. આ નયનો તો દયારસથી પરિપૂર્ણ નિર્મલ નેહસરોવરમાં સરસિજ સમાં છે. આ ક્લુષિત સંસારમાં પદે પદે આઘાતો સહેવા પડે છે ત્યારે આ નયનો એ એક જ માત્ર આશ્રયસ્થાન બની રહે છે. દૂઝતા વ્રણ રુઝાવવાનું આ જ માત્ર સ્થળ છે. આઘાતોમાંથી અહીં જ આસાયેશ પામી શકાય. એક તરફ કવિ નયનોની આમ સર્વોત્કૃષ્ટતા સિદ્ધ કરે છે તો બીજી તરફ આખા કાવ્યની પશ્ચાદ્ભૂમાંથી ધ્વનિત થતી એના પરિત્યાગની અનિવાર્યતામાંથી વિષાદને ઘનીભૂત કરે છે. કવિ આ વિષાદને પ્રથમથી જ પામી ગયા છે એટલે કાવ્યનો પ્રારંભ જ નિરાશાના ઉદ્ગારથી થાય છે : “તિમિરાશયના ગહને પડતાં, સપનાં વિધુરાં નઝરે ચડતાં” અગાધ તિમિરાશયમાં ખોવાઈ જવાનું છે જ્યાં સ્વપ્નસુખને પણ અવકાશ નથી, કારણ કે વ્યક્તિને છિન્નભિન્ન કરી નાખતાં આ dreams પણ troubled dreams છે. આ લઘુકાય કાવ્યમાં કવિ સંઘર્ષના એ સ્થળે આવે છે કે જ્યાં વિકલ્પની સારાસારતા કે ઉચ્ચાવચતાને અવકાશ રહેતો નથી. અહીંયાં સદ્અસદ્ કે શ્રેયપ્રેયનો જાણીતો ઝઘડો ઉપસ્થિત થઈ શકે એમ નથી. આ સંઘર્ષનું સ્વરૂપ જ એવું છે કે એક વિકલ્પને સ્વીકારતાં અન્યના ત્યાગનો સંતાપ જ અવશિષ્ટ રહે ! એક બાજુ જેને જીવનના સારસર્વસ્વ સમું માન્યું છે તે ધર્માન્તર, પણ પછી એને જ પરિણામે પ્રાપ્ત થયો ચિરવિયોગ. જોકે શ્રી બ.ક.ઠાકોર આ પરત્વે કહે છે, “મણિભાઈના હૃદયની કરુણ અવળાઈ એ ભક્ત બનવા તલસે છે, વ્યક્તિસ્નેહ છોડી નથી શકતું અને ઝૂરે છે.” પણ ભક્તિસ્નેહના હાથીપગલામાં વ્યક્તિસ્નેહ સમાઈ જાય એ સમીકરણ અહીં બંધબેસતું નથી. કાન્તના પોતાના જ શબ્દો આને સમજવા માટે વધુ મદદરૂપ થઈ પડે છે. રમણભાઈ પરના પત્રમાં કાન્ત પોતાને over-sensitive વ્યક્તિ તરીકે ઓળખાવે છે અને કહે છે કે આ પ્રકારની વ્યક્તિઓ માટે it is an inherent constitutional necessity to love and to be loved. વ્યક્તિસ્નેહના ભોગે નૈતિક મૂલ્યોનો વિજય કાન્તને અભિમત નથી; નહિ તો ‘વસંતવિજય’ એમને હાથે સર્જી શકાયું ન હોત. દાંપત્યના ચરમ ઉપભોગ સાથે પાંડુનું મૃત્યુ અનિવાર્યપણે જડાયું છે તે તો શાપની ઉપાધિને લીધે. કાવ્યને અંતે પાંડુના મૃત્યુને બદલે પેલા ‘યોગાન્ધત્વ’નો વિજય થયો હોત તો પરિણામ ઓછું કરુણાર્દ્ર આવ્યું હોત એમ કોણ કહી શકે ? આવો જ વિકલ્પવિહીન સંઘર્ષ ઉમાશંકરે ‘બળતા પાણી’માં સફળ રીતે પ્રયોજ્યો છે. એક તરફ જન્મદાતા અને બીજી તરફ જીવનને ધારક અને પોષક જન્મભૂમિ – અહીં ઉંઙ્ઘ ઙ્ઘેંભષ્ટપ્સ્ર્ઋૃક્રૅ એ પ્રશ્નના નિરાકરણ અર્થે કોઈ જ્ઞાન કે કોઈ તર્ક લેખે લગાડી શકાતાં નથી. તોલમાપ અને જોખાજોખને અહીં અવકાશ નથી. કવિ પોતાની વાત તો માત્ર બે જ શબ્દોમાં સમેટી લે છે. ભવિષ્યની આછીપાતળી રેખા દોરી કહે છે, ‘સહું તે’ આટલુંયે જાણે કે કહેવા ખાતર કહે છે, પણ જે દુ:સહ છે તે તો જેનો આમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ ફાળો નથી છતાં વેદનાનો બોજ જેનો લવલેશ ઓછો નથી તે છે, બાકી પોતાને વિશે તો કવિ મૌન જ જાળવે છે. ઋજુતાની જેમ કાન્ત પણ કુસુમ સરખા જ છે ને ! ‘વસંતવિજય’માં પાંડુના મુખમાં એમણે એક ઉક્તિ મૂકી છે : “અરેરે ! આવું પ્રબલ દુ:ખ ! મારે ક્યહીં જવું ?” કાન્તની કવિતા ભાવનિરૂપણરીતિમાં અંગ્રેજી કવિતાપદ્ધતિને અનુસરે છે તો કાવ્યની ભાષાભંગિમાં, શબ્દપસંદગી અને અલંકારયોજનામાં સંસ્કૃત કાવ્યપરંપરાને અનુસરે છે એટલે ભાવકને પક્ષે થોડી સજ્જતાની અપેક્ષા રહે. જોકે એલિયટે એક સનાતન સૂત્રવાક્યથી આનો ફેંસલો આપી દીધો છે : genuine poetry can communicate before it is understood. આ નાનું ઊર્મિકાવ્ય જેટલું ભાવસમૃદ્ધ છે તેટલું જ વર્ણવિન્યાસની દૃષ્ટિએ સુમધુર છે. કોમળ રવાનુકારી અર્ધસ્વરો, અનુનાસિકો અને પંક્તિએ પંક્તિએ પદે પદે આવતાં અનુસ્વારોનું સંગીત કાવ્યના કરુણ ધ્વનિને સમર્પક નીવડે છે. તો તોટકનાં લલગા લલગાનાં એકસરખાં આવર્તનો જાણે સતત વહી જતા આંસુના સ્ત્રોતને સૂચવે છે અને ચરણના વિરામનો ત્યાગ કરીને તો કવિએ જાણે કે અવિરામ વેદનાને જ વ્યંજિત કરી છે.

બીજી કડીમાં,

નહિ તે કંઈ દોષભર્યાં નયનો
પણ નિર્મલ નેહ સરોવર સારસ-
યુગ્મ સમાં પરિપૂર્ણ દયારસ
એ જખ્મી દિલનાં શયનો.

એક જ વાક્ય ચાર પંક્તિઓમાં વિસ્તરે છે. તોટક છંદ પણ એક પંક્તિમાંથી બીજી પંક્તિમાં પ્રસરે છે. બીજી પંક્તિના ‘સારસ’નો ‘રસ’ ત્રીજી પંક્તિના ‘યુગ્મ’માં જોડાક્ષરથી ગુરુ થતા ‘યુ’ સાથે જોડાય છે અને લલગાનું આવર્તન પૂરું થાય છે. તેમજ ત્રીજી પંક્તિના ‘દયારસ’નો ‘રસ’ ચોથી પંક્તિના ‘એ’ સાથે જોડાઈને લલગાનું આવર્તન પૂરું કરે છે. કાન્તની પ્રાસલીલાનું પણ આ ઉમદા ઉદાહરણ છે. રા. વિ. પાઠકના શબ્દોમાં “...અર્થ જાણે પોતાની નૈસર્ગિક લીલામાં રમતો રમતો પોતાને સ્થાને પ્રાસ લઈ લે છે.”

આ કાવ્યોના કેટલાક શબ્દોના અર્થઘટન પરત્વે પૂર્વાચાર્યોના મત ફેરતપાસ માંગી લે તેવા છે. ‘વત્સલ’ શબ્દનું સ્પષ્ટીકરણ કરતાં ઠાકોર કહે છે : “ ‘વત્સલ’ શબ્દ વાપર્યો છે પડદા માટે; અર્થ પ્રિયતમાનો જ છે.” સંજાના પણ આ અર્થદર્શનનું સમર્થન કરતાં કહે છે : “વત્સલ.... is not a happy word as Thakore admits, it is an understatement as the meaning intended is ‘loving wife’, moreover.. ‘motherly love’ is not intended.” સંજાના જેવા સંસ્કૃતના વિદ્વાન માટે આવું અર્થઘટન આશ્ચર્ય પ્રેરે તેવું છે. ‘ઉત્તમરામચરિત’ (જે કાન્તની પ્રિય કૃતિ હતી, અને કોની ન હોય?)માં શોકની મૂર્છામાંથી જનકસુતાના કરસ્પર્શથી જાગૃત થઈ આનંદના અતિરેકમાં રામ અનુભવે છે — “न खलु वत्सलया देव्याऽभ्युपपन्नोऽस्मि।” (ખરે જ, વત્સલા સીતાદેવીએ તો મારા ઉપર અનુગ્રહ નહિ કર્યો હોય !) આ જ પ્રકારે સીતા કહે છે, ‘अथवा भगवति, किमिति वज्रमयी... वत्सलस्यैवंवादिन आर्यपुत्रस्योपरि निरनुक्रोशा भविष्यामि?” (અથવા તો ભગવતી, શા માટે હું વજ્રમયી બનીને વત્સલ આર્યપુત્ર ઉપર નિર્દય થાઉં છું ?) આમ ‘વત્સલ’ શબ્દનું ઔચિત્ય સંસ્કૃત પરંપરા અનુસાર સુપેરે જળવાયું છે એમ કહી શકાય, ‘તિમિરાશયના ગહને’માં અલબત્ત, અતિસંસ્કૃતમયતા જણાય છે. અહીં ‘તિમિરાશય’ને ‘જલાશય’ના સાદૃશ્યથી સમજવાનું છે – એટલે કે ઘોર અંધકારના ઊંડાણમાં. સંભવ છે કે આ Anglicism હોય. in the depth of darknessનું આવું વિલક્ષણ ‘તિમિરાશયના ગહને’રૂપ સર્જ્યું હોય. ‘વિધુરાં’ શબ્દનું ઠાકોરનું અર્થઘટન કાવ્યના ધ્વનિ સાથે સંગત થતું નથી — “પ્રિયતમાને તજીને જાણે વિધુર થયો હોઉં એવું જ જીવન અન્ત લગી ગાળવું પડવાનું... એટલે હું વિધુર, એ વિધવા — આટલું સિદ્ધ : બીજું કશું જ નથી સૂઝતું.” સંજાના આની ટીકા કરતાં યોગ્ય રીતે સૂચવે છે કે ‘વિધુરાં સપનાં’ એટલે ‘troubled dreams’, દુ:ખદ વેદનાસભર સ્વપ્નાં અને સંજાના ઉમેરે છે કે આ શબ્દપ્રયોગ ‘a pretty uncommon Anglicism’ છે. પણ હોય તોયે એ Sanskritism છે, Anglicism નથી. સીતાવિરહી રામની કરુણ દશા જોઈને મૂર્છા પામતી માતાઓને ભવભૂતિ विधुरा: मातर: તરીકે વર્ણવે છે ને ઉમાશંકર આનો અનુવાદ પણ ‘દુ:ખડૂબી માવડીઓ’ કરે છે. ‘દોષભર્યાં નયનો’ને યોગ્ય રીતે જ સંજાના Anglicism કહે છે — ‘દોષભર્યાં’ એટલે ‘દોષિત’ નહિ પણ ‘દોષ દેતાં’ – reproachful. બીજી કડીના અલંકારનિરૂપણ વિશે થોડોક મતભેદ પ્રવર્તે છે. કેટલાક અહીં અપહ્નુતિ અલંકાર જુએ છે, જેનો પ્રો.ચંદ્રશંકર ભટ્ટ યોગ્ય રીતે પ્રતિવાદ કરે છે કે વસ્તુત : આમાં ઉપમેયનો નિષેધ નથી, નિષેધ માત્ર દોષનો છે. નયનોને કવિએ જખમી દિલનાં શયનો કહી રૂપકતા સિદ્ધ કરી છે. આગળ ચાલતાં પ્રો.ભટ્ટ લખે છે : “નયનયુગ્મ માટે યોજેલી ‘સારસયુગ્મ’ની ઉપમા ખરે જ ચેતોહારી છે. તેમના સ્નેહજીવનનાં મધુરતા, માર્દવ અને અદ્વૈત સારસયુગ્મથી અસરકારક રીતે વ્યંજિત થતાં જોઈ શકાય છે.” તેઓ ‘સારસયુગ્મ’નો અર્થ ઠાકોરની જેમ, ‘સારસપંખીની બેલડી’ કરતા હોય તેમ લાગે છે. ઠાકોર ઉપમાને આ પ્રમાણે સમજાવે છે : “સારસજોડી, નરમાદા, સાથે સાથે જ આઘાંપાછાં તરે છે તે આ ઉપમામાં સાધારણધર્મ છે.” પરંતુ સારસનો અર્થ કમળ ઘટાવીએ તો જ ઉપમાનું ઔચિત્ય યોગ્ય રીતે જળવાઈ રહે. સાધારણ ધર્મ ‘સાથે સાથે જ આઘાંપાછાં’ તરવાનો હોઈ શકે જ નહિ, નયનોને એ કેવી રીતે લાગુ પાડી શકાય? સાદૃશ્ય ‘પરિપૂર્ણ દયારસ’નું છે. પ્રિયતમાનાં નયનો કરુણાનાં અર્શ્રુંબદુથી સભર છે, જેમ સરોવરનાં કમળ ઝાકળનાં જર્ળંબદુથી. સંસ્કૃતમાં સારસપંખી તેમજ કમળ એ ઉભય અર્થો સારસના જોવા મળે છે અને કાન્ત એનાથી સારી પેઠે પરિચિત છે. જેમ કે જ્ઞાતિભોજનને પ્રસંગે બહિષ્કૃત થયેલા કાન્તને એક સંસ્કૃત શ્લોક બોલવાનો આગ્રહ કરવામાં આવે છે ત્યારે તેઓ પોતાની કરુણ દશાને મૂર્ત કરતો જગન્નાથનો સુપ્રસિદ્ધ શ્લોક રજૂ કરે છે : पुरा सरसि मानसे विकचसारसालिस्स्वलत् परागसुरभीकृते पयसि यस्य यातं वय: । स पल्वलजलेऽधुना मिलदनेकभेकाकुले मरालकुलनायक: कथय रे कथं वर्तताम् ॥ (જેણે પૂર્વે માનસ સરોવરમાં ખીલેલાં કમળના દલમાંથી ઝરતી પરાગરજથી સુવાસિત થયેલા જળમાં પોતાનું જીવન વિતાવ્યું છે, તે હંસોના કુળનો નાયક, આજે એક નાના ખાબોચિયામાં એકઠા મળેલા અનેક દેડકાઓના સમુદાય વચ્ચે કેવી રીતે જીવી શકે, કહો તો ખરા ?) કાન્ત પોતે પણ સારસયુગ્મની ઉપમાનું સ્વારસ્ય રમણભાઈ પરના પત્રમાં સમજાવે છે : “...the eyes are like the lilies full of the dew of pity and nurtured on the lake of love...” સામાન્યત: આ ઉપેક્ષિત કાવ્યે કવિતાના સાચા પારખુ પાસેથી સ્તુતિશબ્દો જ મેળવ્યા છે, જેમ કે, ઠાકોરે કાવ્યસમગ્ર વિશે કહ્યું છે :  ‘વત્સલનાં નયનો’ જેવી નાજુક – સુન્દર કવિતા બીજી ભાગ્યે હશે.” સંજાના આ અભિપ્રાયનું સમર્થન કરતાં કહે છે : ‘...the exquisite little poem’ વત્સલનાં નયનો ‘deserves the praise bestowed on it by Thakore... It is a remarkable achievement in sheer verbal melody.’ સુન્દરમ્   આ કાવ્યની ગણના “દર્દમાંથી જન્મેલાં આંસુનાં, પાણીદાર મોતી જેવી દીપ્તિવાળાં કાવ્યો”માં કરે છે. કાન્તશતાબ્દીના પરિસંવાદમાં ઉમાશંકરે આ કાવ્યને સુકુમાર પારિજાતના ફૂલ જેવું કહ્યું જેમાંથી આ લેખને એનું શીર્ષક જડયું. આ પ્રકારની રચનાઓને અનુલક્ષીને કીટ્સે કોઈક સ્થળે કહ્યું છે - “I look upon fine phrases like a lover.” (મુંબઈની કાન્તશતાબ્દી ઉત્સવની તા.૨૦-૧૧-૧૯૬૭ની જાહેરસભામાં બોલાયેલું) થોડાક સુધારા વધારા સાથે નોંધ (૧) : પ્રો.મધુસૂદન કાપડિયાના મુંબઈ કાન્ત-શતાબ્દી વ્યાખ્યાન- આધારિત એક અપ્રાપ્ય લેખમાં (૧૯૬૮) ‘વત્સલ’ અને ‘વિધુર’માં ‘ઉત્તરરામચરિત’નો યોગ્ય આધાર લીધો છે. (સીતા રામને વત્સલ કહે છે, રામ સીતાને; તેમજ માતાઓ ‘વિધુરા માતર:’ તરીકે ઉલ્લેખાયેલ છે તેનો.) સાથે સાથે આ અને બીજા શબ્દો માટે બ.ક.ઠા. અને સંજાના (જુઓ Studies in Gujarati Literature — વસનજી માધવજી વ્યાખ્યાનો, ૧૯૪૨, પણ પ્રસિદ્ધ ૧૯૫૦)ના વિચારો પણ ચર્ચ્યા છે. ભૃગુરાય અંજારિયા, ‘રેષાએ રેષાએ ભરી જ્ઞાનઝંખા’-પૃ.૧૨૫ નોંધ (૨) : સૌથી પહેલાં ભૃગુરાયે જ બ.ક.ઠા.ને પત્રમાં “ ‘વત્સલનાં નયનો’માં ‘સારસ’ શબ્દનો ‘કમળ’ એવો અર્થ આપણે ત્યાં પ્રચલિત નથી તેથી કદાચ તમે પંખીનો અર્થ લીધો છે... ‘ફૂલદોલ’માં ‘માતૃવિશ્લેષ’માં આ શ્લોકનું ભાષાંતર મનસુખલાલે મૂક્યું છે ત્યાં તેમણે પણ ‘પહેલાં સારસષટ્પદાવલિ વીંચ્યાં પદ્મોની રેણુ વડે !’ એમ ભૂલ કરી છે.”