અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ/વિપ્રયોગ
Jump to navigation
Jump to search
વિપ્રયોગ
'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ
‘આકાશે એની એ તારા :
એની એ જ્યોત્સ્નાની ધારા :
તરુણ નિશા એની એ : દારા–
ક્યાં છે એની એ?
‘શું એ હાવાં નહિ જોવાની?
આંખલડી શું નહિ લ્હોવાની?
ત્યાંએ ત્યારે શું રોવાની? –
દારા એની એ?’
‘છે, જ્યાં છે સ્વામીની તારા!
સ્વર્ગોની જ્યોત્સ્નાની ધારા :
નહિ જ નિશા જ્યાં આવે, દારા –
ત્યાં છે એની એ!
‘છે ત્યારે એ ત્યાં જોવાની :
આંખલડી એ ત્યાં લ્હોવાની :
સ્વામી સાથે નહિ રોવાની –
દારા એની એ!’
(પૂર્વાલાપ, પૃ. ૧૦૧-૧૦૨)