અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/આતમરામને વિશે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
આતમરામને વિશે

ચંદ્રકાન્ત શેઠ

આતમરામને
`શેષ’

હજીયે ન જાગે મારો આતમરામ!

સાચા કવિને પોતાના અસ્તિત્વમાં મૂળિયાં સુધી પહોંચ્યા વિના જંપ વળતો નથી. એની સચ્ચાઈની ખોજ એને આત્મજા તરફ, આત્મનિરીક્ષણ અને આત્મચિકિત્સા તરફ ન પ્રેરે તો જ નવાઈ. કવિ ભલેને ન્હાનાલાલના ધૂમકેતુની જેમ બ્રહ્માંડોને ખૂંદી વળે પણ તેના દોરનો એક છેડો તો એના પંડમાં – એના આત્મામાં જ જડાયેલો જોવા મળે છે. પરમાત્માએ પિંડ આપ્યું છે તો બ્રહ્માંડ પણ આપ્યું છે, એણે જીવન આપ્યું છે તો મૃત્યુ – મરણ – પણ આપ્યું છે; જાગૃતિ સાથે સુષુપ્તિ અને સંવાદ સાથે સંઘર્ષ પણ આપ્યાં છે. મનુષ્યની મનુષ્યતા – એની હોવાપણાને થવાપણાની ચરિતાર્થતા તો સંકુચિતતામાંથી બૃહત્તામાં – ભૂમામાં, મૃત્યુમાંથી અમૃતત્ત્વ પ્રતિ, સુષુપ્તિમાંથી જાગૃતિમાં – તુરીયાવસ્થામાં, સંઘર્ષમાંથી સંવાદમાં કેટલો વળે છે – સરે છે અને સમુન્નતતા પામે છે તે પર નિર્ભર છે. મનુષ્યનો જન્મ મળ્યો છે – મનુષ્યાવતારનું વરદાન જો પ્રાપ્ત થયું છે તો એ જન્મ કેમ સફળ થાય, કેમ કે સાર્થક થાય એ જોવાનું રહે છે; એ માટે શક્ય તેટલી મથામણ – પુરુષાર્થ કરવાનાં રહે છે. મનુષ્યની જીવનશક્તિ – એની જિંદાદિલી જાગૃતિપૂર્વક પુરુષાર્થ કરતાં આત્મચેતનાનું ઊર્ધ્વીકરણ કરવામાં છે; પિંડ દ્વારા અને પિંડમાં બ્રહ્માંડ સમસ્તની શક્તિનો સાક્ષાત્કાર-સ્પર્શ કરવામાં છે. સુષુપ્ત રહેવું, સ્થગિત થઈ જવું, જડ બની જવું – એ માનવચેતના કે જીવનચેતનાના મૂળમાં જ કુઠારાઘાતરૂપ ક્રિયા છે. એનાથી બચતા રહેવામાં જીવનધર્મ – આત્મધર્મ છે. પ્રસ્તુત કાવ્યકૃતિ જીવનધર્મ – આત્મધર્મનો ઉજાશ પ્રગટ કરતી પરંપરાગત શૈલીની અધ્યાત્મરસિક ભજનરચના છે; જેમાં કવિની આત્મજાગૃતિ માટેની – આધ્યાત્મિક ઉત્થાન માટેની ખેવની ઉત્કટતાથી રજૂ થઈ છે. કાવ્યરચનામાં પુનરાવૃત્ત થતી પંક્તિઓથી એ ખેવનાનો ભાવ ઘૂંટાતો ઘનીભૂત થતો વેધક થતો લહાય છે.

આ કાવ્યનો ઉદ્ગાતા કવિ તો જાગેલો જ છે. (જાગેલો ન હોય તો સાચો કવિ ન હોય.) તેથી તો એ `હજીયે ન જાગે મારો આતમરામ’ એવું નિરીક્ષણ અને કથન કરવાની ભાવસ્થિતિમાં છે. આતમરામને જગાડવાના પ્રયત્નો અનેક થયા જ હશે (`હજીયે’ પદ એ સૂચવે જ છે); પરંતુ એ પ્રયત્નો હજુ કારગત નીવડ્યા નથી. જડતાધારણ એવું છે જે હઠાવવાના પુરુષાર્થ છતાં હઠતું નથી. જાગ્રત કવિને તેથી વેદના પણ છે અને આમ છતાં આતમરામ જાગ્રત થશે એવી આશા-શ્રદ્ધા માટેના ધૃતિ ને દૃઢતાએ એમનામાં છે જ.

આમ તો જે આત્મા છે – અંતરાત્મા છે તેને ઊંઘવાણું હોય જ નહીં; પરંતુ પરિસ્થિતિવશાત્ – સંજોગવશાત્ એવી એક વચગાળાની તમસાવૃત્ત ભૂમિકા આવી જાય છે. કવિ એવી ભૂમિકામાંથી પોતાના આત્માને મુક્ત કરવા, એને ઊર્ધ્વીકરણ-ઉદ્ધાર કરવા મથે છે. એ માટે તેઓ શિવસંકલ્પબદ્ધ છે; એમ કરવામાં એમને એમના જીવનધર્મની-માનવધર્મની ઇષ્ટતા સમજાય છે.

કવિએ આત્મજાગૃતિની વાત માટે અહીં જાણીતું પરંપરાગત સાગર અને નૌકાનું રૂપક ઉપયોગમાં લીધું છે. `ભવસાગર’ કે `સંસારસાગર’થી ને `જીવનનૌકા’ કે `જીવનનૈયા’થી આપણે અજાણ નથી. આ ભવસાગરમાં આપણે મનુષ્યરૂપ લઈને, જીવન લઈને પ્રવેશ્યા તે એ સાગરમાં ડૂબી મરવા નહીં પણ એ સાગરને સફળતાથી પાર કરી જવા માટે. આ સંસારસાગરમાં જાતભાતનાં વમળો-મોજાં-તોફાનો વગેરે તો સતત ઊઠતાં જ રહેવાનાં છે. આ સંસારસાગરમાં જીવનનૌકાને તરતી રાખવી એ પણ એક કામ છે. કર્તવ્ય છે. એ પણ એક સાધના છે અને વધુમાં એ નૌકાને નિર્ધારિત ધ્યેયે પહોંચાડવી એ બીજું કામ છે. કવિ પણ પોતાની જીવનનૌકાની યાત્રા પૂરી સફળતાથી સિદ્ધ થાય એ માટે પ્રયત્નરત છે. તેઓ કહે છે : `પરિસ્થિતિ વિષમ છે. ભરતી કે તોફાન-કશુંક સામે આવતું લાગે છે; પરંતુ એ ભરતી કે તોફાન જોઈને નાવ કાંઠે બાંધી રાખવાની નથી; બલકે એવી પરિસ્થિતિમાં જ એનાં લંગર ઉઠાવીને એને મઝધારે છોડવાની છે. તોફાનોનો-સંઘર્ષનો મક્કમતાથી મુકાબલો કરવાનો છે. એવો મુકાબલો કરવામાં ઘણીબધી સજ્જતા, ઘણોબધો પુરુષાર્થ અને પરમાત્માની કૃપા ને સતત દોરવણી આવશ્યક છે. કવિ પાસે નાવ તો છે, એ મજબૂત છે; એના બધાયે સઢ ચડાવેલા છે, એનાં સૂત્રો-દોરડાંયે મજબૂત છે, એ નાવને દિશા-દોરવણી આપે; નાવને ભરતી-તોફાનનાં વમળો વચ્ચેથી સલામત રીતે બહાર કાઢી ધારી મંજિલે પહોંચાડે એવી માર્ગદર્શક શક્તિ – નેતૃત્વશક્તિની ખોટ કવિ અનુભવે છે. એવી ખોટ તો પરમાત્માના અનુગ્રહે – પરમાત્મા દ્વારા જ પુરાઈ શકે. પરમાત્મા જ આપણી જીવનનૌકાના ખરા નેતાનિયંતા હોઈ શકે. આપણી પાસે ઇન્દ્રિયોની શક્તિ ભલે હાજર હોય પણ એમને દોરનાર હોવા જોઈએ પરમાત્મા; આપણી પાસે ભલે શક્તિ હોય પણ એને પ્રેરનાર હોવા જોઈએ પરમાત્મા; આપણી પાસે ભલે ગતિ હોય પણ એને નિયંત્રણમાં રાખનાર માર્ગદર્શક હોવા જોઈએ પરમાત્મા. આપણી જીવનનૌકા પરમાત્માની દિશા-દોરવણી વિના સંસારસાગરમાં ક્યાં આડે રડાવે ચઢી જાય, ક્યાં ખરાબે ભટકાય ને ખુવાર થાય – ડૂબે તે કહેવાય નહીં. આપણી જીવનનૌકાની યાત્રામાં પરમાત્માની સતત હાજરી જરૂરી જ નહીં – અનિવાર્ય છે. શરીરમાં જે મજીવ હોવો જોઈએ તેમ આપણી જીવનનૌકામાં પરમાત્મારૂપી સુકાની સતત પડખે હોવા જ જોઈએ.’

આમ તો આપણો આત્મા એ જ પરમાત્માનો અંશ છે – પરમાત્મા છે, એટલે આ પૂર્વે સૂચવ્યું તેમ એને ઊંઘવાપણું હોય જ નહીં. આપણને એ ઊંઘતા લાગે એવી એક ભાવભૂમિકા જરૂર વરતાય પણ તે તો નિવાર્ય છે. સંસારસાગર પાર કરવાની આપણી ખેવના – આપણી ભાવના – આપણી અભીપ્સા જો તીવ્ર – ઉત્કટ હોય તો પરમાત્માની સહાય – એનું માર્ગદર્શન આપણને મળવાનું જ છે. આપણને છતી શક્તિએ, સજ્જતાએ પ્રમાદી રહેવું પાગલે નહીં. જે બેસી રહે એનું ભાગ્ય પણ બેસી જાય છે, માટે જ બેસી રહેવાનું આપણને પરવડે નહીં. જીવન મળ્યું છે તો તે સાહસપૂર્વક, ઝિંદાદિલીથી જીવી જાણવાનું છે. `કમ-વૉટ મે’ – જે થાય ચે. લાભાલાભમાં સ્થિતપ્રજ્ઞની સમતા-ધારણ જાળવીને જીવનનૌકાને તરતી રાખવાની છે. આપણે જો અંદરથી જાગેલા હોઈશું તો પછી આફણને કોઈ ભય કે હાનિ નથી જ. સમયસર જાગવું એ કર્મ છે ને ધર્મ પણ. આત્મજાગૃતિ સાથે જ આત્મશક્તિનો ને પરમાત્મશક્તિનો આશ્વાસક અને પ્રસન્નકર પ્રેરણા-સંચાર અનુભવાશે. આપણે તો વિનીતભાવે પરમાત્મા આપણા સુકાને આવી બેસે એ જ ઇચ્છવાનું – પ્રાર્થવાનું છે. આપણે ભલે નૌકાને તારનાર માનીએ, આપણને ખરેખરા તારનાર તો પરમાત્મા જ છે. પરમાત્માનું શરણ જ આફણને ઉગારશે, આપણો આ ભવનો ફેર સાર્થક કરશે. જે સર્વાત્મભાવે પરમાત્માને સમર્પિત થાય છે એને ડૂબવાપણું કે ગુમરાહ થવાપણું હોતું જ નથી. અહીં આતમરામને – અંતરાત્માને જાગવાનું કહી કવિ વસ્તુત: તો પોતાનામાં પરમાત્મશક્તિનો સમુદાય થાય, એનો ખરેખરો સાક્ષાત્કાર થાય એ જ વાંછે છે. શ્રેયાર્થી કવિએ કાવ્યારંભે અનેક પ્રયત્નો છતાં પોતાનો અંતરાત્મા – આતમરામ જાગતો નથી એ માટેનો અફસોસ, એ માટેની વેદના વ્યક્ત કરી છે અને અંતમાં તો સીધો અંતરાત્માને જ જાગ્રત થવાનો અનુરોધ `જાગોજી જાગોજી’ એવાં વિનવણીનાં ક્રિયાપદો પ્રયોજીને કર્યો છે. કવિને માટે તો અંતરાત્મા જ પોતાનું સર્વસ્વ છે. એને માટે એમને સહજ જ પ્રેમ પણ છે; કેમ કે એ અંતરાત્મામાં જ પરમાત્માનું સાતત્ય-સંસ્થિતિ તેઓ અનુભવે છે. અંતરાત્મા જાગશે તો પરમાત્માનો સાક્ષાત્કાર થશે જ. એની શક્તિએ જ તેઓ પોતાની હસ્તીની ખરેખરી સાર્થકતા ને પ્રસન્નતા પ્રતીત કરશે.

આમ, આ કાવ્યમાં ઝિંદાદિલ પુરુષાર્થી જીવાત્માનો અંતરાત્મા પ્રત્યેનો, પરમાત્મા પ્રત્યેનો પ્રાર્થનાભાવ પ્રગટ થાય છે. એ ભાવના-ભાવનાની ગહરાઈ અહીં સરળતા ને વેધકતાવાળી ભજનવાણીમાં અભિવ્યક્તિ પામી છે તેનું અનોખું આકર્ષણ છે. આ કાવ્ય એકતારાના રણકાર સાથે ગવાય ત્યારે જ એનું વાઙ્‌મય વાતાવરણ કેવું પ્રભાવક છે તે પ્રતીત થાય છે. `આતમરામ’ જેવા શબ્દનો પ્રયોગ, પંક્તિ-અંશોનું સાભિપ્રાય પુનરાવર્તન, રૂપકાત્મક બંધનો સાદ્યંત નિર્વાહ ભાવાનૂકૂળ સરળ-ઋજુ પદાવલિ, આ બધી આ કાવ્યની પ્રશિષ્ટ કલાત્મકતાની દ્યોતક સંપદા છે. કવિનો પરમાત્મા ને અંતરાત્મા પ્રત્યેનો આસ્તિકતાનો ભાવ અહીં પ્રાસાદિક રીતે પ્રગટ થયો છે. આપણી અર્વાચીન ભજવનવાણીનો આ કાવ્ય એક સુંદર-સરસ અર્થવાહી નમૂનો છે એમ કહેવું જોઈએ. `શેષ’નો પૂરો પરિચય એમના આ કાવ્યગત `આતમરામને’ વિશેષભાવે ઓળખીએ ત્યારે જ થાય એમ કહેવું જોઈએ.

(આપણાં કાવ્યરત્નોઃ ઉઘાડ અને ઉજાશ)