અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/જિજીવિષાનો તંતુ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
જિજીવિષાનો તંતુ – રાધેશ્યામ શર્મા

સુરેશ હ. જોષી

એક કવિતા

એકદંત રાક્ષસનાં ખુલ્લાં જડબાં જેવું આ ઘર

મગરની બરછટ ત્વચા શી સિમેન્ટની દીવાલો ધરાવતું ઘર, એકંદર રાક્ષસનાં ખુલ્લા જડબાં જેવું વર્ણવાયું છે. આ ઘર કોનું? કદાચ પોતાનું અથવા બધાનું પણ હોઈ શકે.

ઘરનું સ્થાપત્ય આધુનિક પ્રકારનું છે, અને કાવ્યનાયકનું ચિત્ત અતીતના આદિમ અંશોથી યુક્ત છે. પદાર્થો અને કાવ્ય-પુરુષ વચ્ચે જે પરિસ્પંદો અને પ્રતિભાવોના તણખા ઝરે છે એની અવ્યવહિત કલ્પનાત્મક અભિવ્યક્તિ કૃતિને કળાની કોટિએ મૂકી આપે છે. ગુહાગહ્વર માની, ભાગવતના શ્રીકૃષ્ણ ગોપસખા સમેત એક અજગરના મુખમાં પેસી ગયેલા, આપણે કવિતાની ‘પદ’ – અંગુલિએ કાવ્યનાયક સાથે એ વિભીષણ-વિસ્મયની સૃષ્ટિમાં વિચરીએ.

ઘરમાં હીંચકો છે, પછી તુરત જ લીટી આવે છે: ‘ચીંચવાતો કચવાતો ડાકણ ડચકારો.’ આ પદયોજનામાં, હીંચકાના અનુસંધાનમાં આવતાં બે ક્રિયાપદો અને ડાકણ–ડચકારોનો એક સમાસ હીંચકા ઉપર સ્થાન લેનારાં પાત્રો અને તેમની પરિસ્થિતિ ઉપર પ્રકાશ પાડે છે. ફરિયાદ અને અતુષ્ટિના અવાજ જોડે કવિએ લીલયા ડાકણના ડચકારાનો સમાવેશ કરી લઈ સૂચવી દીધું છે, ‘ઝૂલે એના પર હવાનું પ્રેત!’ પ્રેતનું સ્વરૂપ જ પવનનું હોય છે ત્યાં હવાનું પ્રત’ કહી એક દૃષ્ટિએ વાતાવરણમાંની વિભીષણતાને ધારે કાઢી આપી છે તો બીજી રીતે હવાને પ્રેતરૂપ અર્પી ત્યાં શૂન્યતા (nothingness) ઝૂલે છે એમ દર્શાવાયું છે.

દીવાનખાનાની ભીંત પર અન્યત્ર તેમ અહીં પણ ફોટા છે અને હોય, પરંતુ ફોટાને ‘પીળા પડી ગયેલા ભૂતકાળનાં ચાઠાં’ વર્ણવી પાંડુર બનેલા વ્યતીતની રુગ્ણતાને ઉપસાવી છે. નાયકનું આત્મારોપણ, આત્મવિસ્તારની કક્ષાએ પહોંચ્યું હોય એમ શક્ય છે.

પછી આવે શયનગૃહ. તરત પલંગની કે શય્યાની વાત આવશે એમ ધારી લઈએ તો ખોટા પડીએ. પણ બારી (Hole)ની વાત આવે છે તે સૂચક નથી? ‘હવાનું પ્રેત’માં જે આત્મવિરોધ પ્રગટ થયો છે તેના જેવો બારીને ‘અંધ’ કહેવાથી પેદા થાય છે. બારણાં એનાં કદાચ બંધ હશે તેથી ‘અંધ’ કહી હશે, પણ ના ‘અંધ’ સાથે જ ‘ખંધી’ પણ કહી છે. ‘અંધ’ વડે there is no way our સૂચવાય છે તો ‘ખંધી’ વિશેષણથી ભક્ષ્યને ઉદરમાં ઉતારી હડપ કરી બેઠેલા કોઈ લુચ્ચા રાક્ષસ કે પશુની બંધ આંખો પણ સૂચવાય! પરંતુ, પછી બારી ‘ગુહ્ય આદિમ સ્વપ્ન’ જોતી નાયક કલ્પે છે ત્યારે અને એ પછીની –

એની પાસેથી ચાલી જાય છે
વીજળીના તારની સીધી નૈતિક રેખાઓ

પંક્તિઓ નાયકની અવચેતનામાં પડેલા યોનિપ્રતીકનું સૂચન કરે છે. અંધ, ખંધી બારીઓ કેવું સ્વપ્ન જુએ છે? ગુહ્ય, આદિમ સભ્યતા અને સંસ્કૃતિનો વિકાસ આદિમ ભાવોને ગુહ્યાંગ જેટલા ગુપ્ત રાખવા પ્રેરે છે છતાં એ અવશપણે, અજ્ઞાત રીતે પ્રવર્તે ત્યારે વ્યક્તિચિત્ત અપરાધના ઓથાર (guilt–ridden) હેઠળ ‘સીધી નૈતિક રેખાઓ’ શોધી કાઢે તે અસ્વાભાવિક નથી. આ રેખાએ, કેમ કે ‘સીધી’ (Linear) શબ્દ વીજળીના તારની તરત પછી આવતાં નૈતિકતાનો વિદ્યુત સંચાર આપણેય જરી અનુભવીને રહી જઈએ છીએ!

વીજળીના તાર બાદ, પાસે જ કાલવ્યુત્ક્રમ સમો ઘીનો દીવો, અને બેચાર દેવનો સરવાળો ગોખલામાં નિર્દેશી આછો વ્યંગ સ્ફુટ થવા દીધો છે. ધર્મના આશ્ચર્યચિહ્ન સમાન ઘીનો દીવો દેવના સરવાળા સમક્ષ લબૂકઝબૂક થતો હશે!

દીવાની જ્યોત, જો સ્થિર વાટે જલતી હોય તો આશ્ચર્યચિહ્ન સમી યા પ્રશ્નાર્થચિહ્ન સરખી વરતાય ખરી, પણ એ એક આકર્ષક તરંગથી વિશેષ નથી જણાતી. છતાં, અનુગામી પંક્તિ – ‘ડાલડાના ડબ્બામાં ઉછેરેલાં તુલસી’ના કારણે એ સાભિપ્રાય લાગે. ઉપર ઘીનો દીવો કેવા ઘીનો હશે? ડાલડાના ઘીનો પણ હોઈ શકે! એવા બે ડબ્બામાં વિષ્ણુપ્રિયા તુલસીનો છોડ ઊછરતો હોય ત્યાં દીવો ધર્મનું આશ્ચર્યચિહ્ન ના બને તો જ આશ્ચર્ય.

અને, પછી આશ્ચર્યને અનુસરે છે આઘાતકારક તત્ત્વ. જે કાંઈ કાવ્યમય હતું, મધુર હતું તે કરણમાં પલટાય છે, શનૈઃ શનૈઃ!

ખૂણાઓમાં શ્યામ સાથેના વિવાહના કોડભર્યા અંધકાર
ટ્રૅજેડીના નાયકની અદાથી કર્યા કરે છે આત્મસંલાપ

અંધકાર કેવા? વિવાહના કોડભર્યા અને એય તુલસીના શ્યામ સાથેના. આ અંધકાર ‘આત્મપ્રલાપ’ કરે છે એમ કહેવાને બદલે ‘આત્મસંલાપ’ કરતા કહ્યા છે ખરા, પરંતુ આ આખીય ‘ટ્રૅજેડી’ના નાયકની અદાથી – એ નોંધપાત્ર છે.

અંધકારને ટ્રૅજેડીના નાયકનું સ્થાન સોંપીને, (ઘીના દીવાની ઉપસ્થિતિના વિરોધમાં) પરિસ્થિતિની વક્રતા વ્યંજિત થઈ શકી છે.

નર્કના નાટ્યમાં જ અંધકાર સંભવે, અન્ય અને ઇતર સાથે સંવાદ સંભવિત નથી તેથી આત્મસંલાપ આવશ્યક અને અનિવાર્ય. જેને ફરજિયાત કે મરજિયાત, પ્રસ્તુત કરણાન્તિકામાં મૂક અને મૂઢ સાક્ષી બની રહેવું પડતું હોય, કર્મો નિરર્થક થઈ જતાં જણાતાં હોય એવા મૂષકને કરણીય શું રહ્યું? ઉંદરે કહ્યા છતાં પોતાની અપંગતાથી અતિ સભાન એવા મનુષ્યની જ અહીં વીતકવાત છે, કેમ કે નહીંતર એ આપઘાત કરવાનું ગંભીરપણે ના વિચારત. બીજું કારણ પણ છે:

જાળિયામાંથી દેખાતું મેલું મરિયલ આકાશ
કદીક એકાદ તારો
એની પછી જ હશે ને સ્વર્ગ?

જાળિયામાંથી અર્થાત્ બીજા શબ્દોમાં આ મો….ટી જેલમાંથી દેખાતું આકાશ સ્વચ્છ, સુનીલ અને જીવંત લાગવાને બદલે મેલું અને મરિયલ (મર્ત્ય) ભળાય છે (મૂષક–સદૃશ્ય મનુષ્યે આત્મઘાત કરવો જ રહ્યો). કદીકમદીક એકાદો અટૂલો તારો (saviour) નજરે ચઢતાં મુક્તિ કે મોક્ષ વાંછતા જીવમાં એકાદ સવાલ સળવળે છે: એની પછી જ હશે ને સ્વર્ગ? પ્રશ્ન ઇચ્છાપૂર્તિનો એક આવિષ્કાર પણ હશે, કે વિડંબનારસિત વિનોદ હશે? મનુષ્યની રહસ્યપિપાસાનોય ક્યાં પાર પમાય એમ છે – ચાહે તે અંધકારમાં હો કે પ્રકાશમાં! જિજીવિષાનો તંતુ તો અહીં પણ જોનારને જડે.

(રચનાને રસ્તે)